Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કેતનને મારકુટ થતાં ઘરે આપવાની ફિનાઇલ પોલીસ સ્ટેશન પાસે પી ગયો

મવડીના ૨૬ વર્ષના યુવાનને શેરીમાંથી કેમ નીકળે છે કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરાતાં તેની ફરિયાદ પરથી બાલાજી પાર્કના ત્રણ યુવાનો સામે એટ્રોસીટી નોંધાઇ

રાજકોટ તા. ૨૯: મવડીમાં જુના વણકરવાસ શેરી નં. ૩માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં કેતન નિતીનભાઇ સાગઠીયા (ઉ.વ.૨૬) નામના યુવાનને બાલાજી પાર્કના ત્રણ યુવાનોએ તું કેમ વારેઘડીએ શેરીમાંથી નીકળે છે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં માઠુ લાગી જતાં પોલીસને જાણ કરી પોલીસની ગાડી પાછળ-પાછળ પોતાના એકટીવા પર જઇ તાલુકા પોલીસ સ્ટેશન પાસે પહોંચતા બીક લાગતાં ફિનાઇલ પી ગયો હતો. આ ફિનાઇલ તેણે ઘરે આપવા માટે લીધી હતી. પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

કેતનની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ. રાઠવાએ મવડી બાલાજી પાર્કના પ્રતિક સોરઠીયા, ઘનશ્યામ સોરઠીયા અને મયુર સોરઠીયા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. કેતને ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૫/૭ના સાંજે સાતેક વાગ્યે હું મારા ફઇ રામુબેનને ત્યાં આંબેડકરનગર-૫માં ગયો હતો. દસેક મિનીટ બાદ ત્યાંથી આસ્થા ચોકડીએ મિત્ર પાસે ગયેલો અને ત્યાંથી પોણા નવેક વાગ્યે એકટીવા જીજે૦૩કેડી-૦૧૯૪ હંકારી ઘરે જતો હતો ત્યારે બાલાજી પાર્ક ગુરૂકૃપા ઇલેકટ્રીકના ખુણે પહોંચતા શેરીમાં પ્રતિક, ઘનશ્યામ અને મયુર ઉભા હોઇ મને રોકીને ગાળો દઇ તું કેમ વારંવાર શેરીમાંથી નીકળે છે તેમ કહી અપમાનીત કરતાં અને ગાળો દેતાં તેમજ ઢીકા-પાટુનો માર મારતાં હું પડી ગયો હતો.

એ પછી એકટીવા મુકીને ભાગ્યો હતો અને આગળ જઇ ૧૦૦ નંબરમાં ફોન કરતાં થોડીવારમાં પોલીસની ગાડી આવી હતી. ફરીથી મારા એકટીવા પાસે ગયો હતો અને પોલીસની ગાડીની પાછળ-પાછળ એકટીવા હંકારી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે ત્રણેય જણા મારી પાછળ આવશે તેવી બીક લાગતાં મેં ઘરે આપવા માટે ફિનાઇલની બોટલ લીધી હોઇ તેમાંથી ફિનાઇલ પી ગયો હતો. એ પછી પોલીસ મને સારવારમાં લઇ ગઇ હતી. જ્યાં તબિયત સારી થઇ ગઇ હતી. એ પછી હવે ફરિયાદ નોંધાવી છે.

(1:03 pm IST)