Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભાવેશપરીએ બટકુ ભરી રાજુની આંગળીનું ટેરવું કાપી નાંખ્યું, રાજુ સહિતનાએ ભાવેશપરીનો પગ ભાંગી નાંખ્યો

ફાકી-સિગારેટના બાકી નીકળતા પૈસા અને દાઢી કરાવવામાં પહેલા વારા માટે બઘડાટી : કાલાવડ રોડ પર રંગોલી પાર્ક રેસ્ટોરન્ટ પાસે બઘડાટીઃ તાલુકા પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર રંગોલી પાર્ક રેસ્ટોરન્ટની બાજુમાં પાનની દૂકાન ધરાવતાં કોળી યુવાનની દૂકાનેથી બાવાજી શખ્સ ફાકી-સિગારેટ લઇને પૈસા આપ્યા વગર જતો રહેતાં આ પૈસા તથા અગાઉના પૈસાની ઉઘરાણી કરતાં તેણે ગાળો દઇ હાથની આંગળીમાં બટકુ ભરી ટેરવું કાપી નાંખ્યું હતું. સામે બાવાજી યુવાને પણ કોળી યુવાન તથા તેના પરિવારજનો વિરૂધ્ધ ફરિયાદ કરી છે. પોતે દાઢી કરાવવા આવ્યો હોઇ કોળીશખ્સે પોતાનો વારો વચ્ચેથી લેવાનું કહી બોલાચાલી કરી ધોકાથી માર મારી પગ ભાંગી નાંખી ઇજા કર્યાની ફરિયાદ કરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોટા મવા નવાદૂર્ગા પરામાં રહેતો રાજુ પ્રવિણભાઇ દેત્રોજા (ઉ.વ.૩૦) નામનો કોળી યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે પોતાની ઠાકર પાન નામની દૂકાને હતો ત્યારે તેના ઘર નજીક શેરી નં. ૬માં રહેતાં ભાવેશપરી વિનુપરી ગોસ્વામીએ આવી ઝઘડો કરી ઝાપટ મારી ડાબા હાથની પહેલી આંગળીમાં બટકુ ભરી ટેરવું કાપી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ભાવેશપરી સામે ગુનો નોંધ્યો હતો. રાજુના કહેવા મુજબ પોતાની દૂકાનેથી અગાઉ ભાવેશપરી પાન-ફાકી-સિગારેટ લઇ ગયો હોઇ તેના રૂ. ૭૫૦ બાકી હતાં. ગઇકાલે પણ તે આવ્યો હતો અને સિગારેટ-ફાકી લઇ રૂ. ૨૫ આપ્યા વગર ઉપરના માળે વાળંદની દૂકાને જતો રહ્યો હતો. તેની પાસે આગલા અને હાલના રૂ. ૨૫ની ઉઘરાણી કરતાં ઝાપટો મારી બટકુ ભરી આંગળીનું ટેરવું કાપી લીધું હતું.

બીજી તરફ નવદૂર્ગા પરા-૬માં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો ભાવેશપરી વિનોદપરી ગોસ્વામી (ઉ.૩૬) નામનો બાવાજી યુવાન પણ પોતાના પર રાજેશ પ્રવિણભાઇ કોળી, કાજલબેન પ્રવિણભાઇ, વિજય પ્રવિણભાઇ અને પ્રવિણભાઇએ ધોકાથી હુમલો કરી ઢકીા-પાટુનો માર મારી ગાળો દે પગ, પીઠ, હાથ, મોઢા, ગાલ પર ઇજા કર્યાની અને જમણા પગના ઘુંટણ નીચેના ભાગે ફ્રેકચર કરી નાંખ્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો નોંધાયો હતો.

ભાવેશપરીએ પોલીસને એવું જણાવ્યું હતું કે પોતે રાજુની પાનની દૂકાન પાસે આવેલી ફેમસ હેર સ્ટાઇલ નામની દૂકાને દાઢી કરાવવા આવ્યો હતો. આ વખતે રાજુ કોળીએ પોતાનો વારો પહેલા લેવાનું કહી બોલાચાલી કરી ગાળો દીધા બાદ પોતાના પરિવારજનોને બોલાવી હુમલો કર્યો હતો. પીએસઆઇ પી. એમ. રાઠવાએ બંને ગુનાની તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)