Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગામડાઓમાં ધન્વંતરી રથ વધારો : રોજ ૫૦૦ ટેસ્ટ થવા જોઇએ : વિજયભાઇની સૂચના

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ : રાજકોટમાં સુપર સ્પ્રેડિંગ થતુ અટકાવવા સુપર સ્પ્રેડરોનું સ્ક્રિનિંગ કરી તેમનો એન્ટીજન ટેસ્ટ કરાશે : કન્ટેન્મેન્ટ ઝોન માટે સંજીવની રથ દ્વારા ઉકાળા વિતરણ - સારવાર સઘન બનાવવા મુખ્યમંત્રીશ્રીનો આદેશ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનું આગમન થયું હતું તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહેલા ધનસુખ ભંડેરી, ડો. રાહુલ ગુપ્તા અને એડી. કલેકટર પરિમલ પંડયા, શ્રી નિતીન ભારદ્વાજ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કલેકટર કચેરી ખાતે કોરોના સંક્રમણ નિયંત્રણની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-૧૯ને કાબુમાં રાખવાના પગલાનો ઉંડાણપૂર્વક તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓકિસઝન, બેડની સુવિધા, હ્યુમન રિસોર્સીસ, હોમ આઇસોલેશન, કોવિડ કેર સેન્ટર, ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફની સ્થિતિ, ક્રીટીકલ દર્દીઓની પરિસ્થિતિ, એમ્બ્યુલન્સ, મશીનરીની સુવિધાની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

મુખ્યમંત્રીને કોવિડ-૧૯નું સંક્રમણ ૬૨ ટકા શહેરી વિસ્તારનું અને ૩૮ ટકા ગ્રામીણ વિસ્તારમાં છે. જે પૈકી ૨૦ ટકા કોરોનાના કેસો રાજકોટ જિલ્લા બહાર હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટમાં પ્રથમ કોરોના કેસથી લઇ હાલની પરિસ્થિતિ ગ્રાફીકના માધ્યમથી રજૂ કરી હતી. કોરોનાના વ્યાપક સંક્રમણને અટકાવવાના પગલા અને કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ધન્વંતરી રથની કામગીરીની માહિતી નોડલ અધિકારી રાહુલ ગુપ્તાએ રજૂ કરી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને ગીચ વિસ્તારમાં ધન્વંતરી રથ કાર્યરત રહે અને આરોગ્ય ટીમ દ્વારા પોઝિટિવ કેસ ન પ્રવેશે તેવી સુચના આપી હતી. અમદાવાદમાં ૨૦૦ સંજીવની અને ધન્વંતરી રથના કારણે કોરોનાનું સંક્રમણ અટકયું હતું અને નવા પોઝિટિવ કેસ આવતા અટકયા હતા. જેમાં જંગલેશ્વરમાં સક્રિય રીતે કોરોનાના સંક્રમણને અટકાવ્યું તેવી જ રીતે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ધન્વંતરી રથની નિયમિતતા જાળવી કામગીરી કરવાની સુચના મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા જે સ્ટ્રેટજી અપનાવી તેનું અમલીકરણ રાજકોટમાં કરવા જણાવ્યું હતું. જેમાં અમદાવાદમાં શાકભાજીની લારી પાંચ દિવસ બંધ કરી ૩૩ હજાર લારીવાળાનું સ્ક્રીનીંગ કરાયું હતું. જેમાં ૬ હજારના ટેસ્ટ કરાયા અને ૮૦૦ કોરોના પોઝિટિવ નીકળ્યા બે મહિના માટે શાકભાજીવાળાને વેચાણ કરનારને બે માસનો પાસ આપો અને શાક વેચનારનું પછી ટેસ્ટ કરાવો. જેથી કોરોનાનું સંક્રમણ સ્પ્રેડ થતા અટકશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં સુપર સ્પ્રેડિંગ થતુ અટકાવવા માટે અમદાવાદમાં હાથ ધરાયેલ સ્ટ્રેટર્જી મુજબ સુપર સ્પ્રેડરોનું સ્ક્રિનિંગ કરી તેમના અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે તેમના એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવશે. જે મુજબ પ્રથમ રાજકોટ શહેરના શાકભાજી વેંચતા ફેરિયાઓ અને ત્યારબાદ ક્રમશઃ વાણંદ, કરિયાણાના વેપારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચઙ્ગ વિસ્તારોમાં જઈને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત પંદર દિવસ સુધી લોકોની તપાસણી થતી રહે એ પ્રમાણે કાર્ય કરવા પણ  જણાવ્યું હતું.

તેમણે જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલાઙ્ગ લોકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂકી આ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથ રૂપી સુવિધા ઉપલબ્ધ બનાવી તેંમજ આરોગ્યકર્મીઓના માધ્યમથી તેઓની સારવાર તેમજ તેમની રોગપ્રતિકારક શકિત વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવાનું પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, ઓકસીજન બેડની સુવિધા, હ્યુમન રિસોર્સ,  હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટર, ડોકટર અને પેરામેડિકલ સ્ટાફની સ્થિતિ, ક્રીટીકલ દર્દીઓની પરિસ્થિતિ, એમ્બ્યુલન્સ, મશીનરીની સુવિધાઓની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.  આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓથી અવગત થઈને જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોના સંદર્ભે હાથ ધરાયેલ કામગીરી તબીબી સ્ટાફ, તેમજ ઉપલબ્ધ સુવિધા બાબતે વિસ્તૃત વિગતો આપી હતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અગ્રવાલે શહેરી વિસ્તારની કોરોનાની પરિસ્થિતિની માહિતી આપી હતી, જયારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયાએ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી.

આ તકે જિલ્લા નોડલ અધિકારીશ્રી ડો. રાહુલ ગુપ્તાએ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા સમગ્રતયા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો.

આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિ, નોડલ અધિકારી રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)