Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ટ્યુશન કલાસિસના 'ભવ્ય સર'ની 'ભવ્ય પાપલીલા': છાત્રાને મોહજાળમાં ફસાવી બે વખત દૂષ્કર્મ આચર્યુ

બપોરે મા ઓચિંતી ઘરે પહોંચી ત્યારે દિકરી હેબતાયેલી ને તેના ટ્યુશન કલાસનો શિક્ષક બાથરૂમમાં છુપાયેલો મળ્યો! : તું મને ખુબ જ ગમે છે...કહી તેની જ ઘરે પરિક્ષાના ટોપિકની ચર્ચાના બહાને ગયોઃ છાત્રાની નાની બહેનને બીજા રૂમમાં મોકલી દઇ કૂકર્મ આચર્યુ ને ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે દબોચી મહિલા પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૨૮: રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ટ્યુશન કલાસ ચલાવતાં ગાંધીગ્રામના કંસારા શખ્સે છાત્રાને શિક્ષણના પાઠ ભણાવવાને બદલે 'તું મને ખુબ જ ગમે છે' તેવું કહી જાળમાં ફસાવી પરિક્ષાના ટોપિકની ચર્ચાના બહાને તેણીના ઘરે જઇ તેણીની બહેનને બીજા રૂમમાં મોકલી દઇ  બબ્બે વખત બળજબરીથી દૂષ્કર્મ આચરતા ચકચાર જાગી છે. સત્યનારાયણ પાર્કમાં રહેતાં અને 'ભવ્ય સર' તરીકે ઓળખાતા શિક્ષકની 'ભવ્ય પાપલીલા' છાપરે ચડતાં પોલીસે ગુનો નોંધી સકંજામાં લઇ તેને કાયદાના પાઠ ભણાવવાની તજવીજ કરી છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં ભોગ બનનાર ધોરણ-૧૨ની ૧૬ વર્ષ ૧૧ માસની વય ધરાવતી છાત્રાના માતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ નાણાવટી ચોક સત્યનારાયણ પાર્ક-૨માં રહેતાં અને  રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રાજમણી કોમ્પલેક્ષમાં અક્ષર કલાસીસ નામે ટ્યુશન કલાસ ચલાવતાં ભવ્ય મનોજભાઇ કરાથીયા (ઉ.વ.૨૫) નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (૨) (એફ) (એન), ૫૦૬ (૨), તથા પોકસોની કલમ ૪, ૬ મુજબ ગુનો નોંધી સકંજમાં લીધો છે.

છાત્રાના માતાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હં પ્રાઇવેટ નોકરી કરુ છું. મારા પતિ અમને મુકીને જતા રહ્યા છે. મારે બે દિકરીઓ છે. જેમાં એક ૧૬ વર્ષ ૧૧ માસની અને બીજી ૧૫ વર્ષની છે. મોટી દિકરી જુલાઇ-૨૦૧૯માં રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અક્ષર ટ્યશનમાં જતી હતી. એ પહેલા પાંચેક મહિના પહેલા તેણીને ટ્યુશનમાં જવાનું બંધ કરાવી દીધું હતું. એ વખતે ટ્યુશન કલાસનો સંચાલક ભવ્ય અમારા ઘરે આવ્યો હતો અને કહેલુ કે તમે ફીની કે બીજી કોઇ ચિંતા ન કરતાં, તેના ભવિષ્યનો સવાલ છે, ટ્યુશનમાં પાછી મોકલો. આથી મેં ફરી ટ્યુશન ચાલુ કરાવ્યા હતાં. ગત ૬/૭ના બપોરે ત્રણેક વાગ્યે હું વહેલી છુટી જતાં ઘરે આવી હતી ત્યારે બંને દિકરીઓ અંદર હતી. ડોરબેલ વગાડી હતી પણ દરવાજો ખોલવામાં વાર લાગી હતી.

બહાર મેં કોઇ અજાણ્યા વ્યકિતના ચપ્પલ પણ જોયા હતાં. એ પછી દરવાજો ખોલાયો હતો અને મોટી દિકરી ખુબ ગભરાયેલી જોવા મળી હતી. મેં તપાસ કરતાં ઘરના બાથરૂમમાં ટ્યુશન ટીચર ભવ્ય કરાથીયા છુપાયેલો હતો. અહિ શું કરવા આવ્યો? આ રીતે કેમ છુપાયો? તેવું પુછતાં તેણે પોતે તમારી દિકરીને પરિક્ષાના ટોપિકની કવેરી હોઇ સોલ્વ કરાવવા આવ્યાનું કહ્યું હતું. જેથી તેને હવે પછી પુછ્યા વગર ઘરે ન આવવું તેમ કહ્યું હતું.

આથી તે ઉશ્કેરાયો હતો અને તમે બહારના છો, ગુજરાતી નથી. અહિ તમને રહેવા નહિ દઉ, જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો. આ પછી મારી દિકરી સુનમુન થઇ ગઇ હતી અને રડવા માંડી હતી. તેને ફોસલાવી સાંત્વના આપીને પુછતાં તેણે કહ્યું હતું કે ભવ્ય સર કલાસના બહાને મારા પર વધુ ધ્યાન આપતા હતાં. અવાર-નવાર કોઇ ન હોય ત્યારે મારી સાથે પ્રેમથી વાત કરતાં હતાં. તું મને ખુબ જ ગમે છે તેવી વાતો પણ કરતાં હતાં. ત્રણેક મહિના પહેલા બપોરે હું ઘરે એકલી હતી ત્યારે ભવ્ય સરે ઘરે આવી મરજી વિરૂધ્ધ બળજબરીથી દૂષ્કર્મ આચર્યુ હતું અને કોઇને વાત કરીશતો બંને બહેનોને મારી નાંખીશ, રાજકોટમાં રહેવા નહિ દઉ તેમ કરી ધમકી આપી હતી.

એ પછી આજે (૬/૭ના) ફરીથી ભવ્ય સર આવેલ અને નાની બહેનને 'મારે એકઝામના ટોપિક બાબતે તારી મોટી બહેનનું કામ છે, તું બીજા રૂમમાં જતી રહે' તેમ કહી તેણીને બીજા રૂમમાં મોકલી દઇ પરાણે બળજબરીથી દૂષ્કર્મ કર્યુ છે તેમજ ધમકી આપી છે. આ વાત કરતાં હું હેબતાઇ ગઇ હતી. ઘરમાં પુરૂષ સભ્ય ન હોઇ કોઇને વાત કરી નહોતી. પરંતુ બાદમાં હવે મારી સાથે નોકરી કરતાં બહેનને વાત કરતાં તેણે હૈયાધારણા આપી આવા કર્મો કરનારાને સજા અપાવવી જ જોઇએ, જો તમે ફરિયાદ નહિ કરો તો તે બીજાની જિંદગી પણ બગાડશે તેમ કહેતાં મને હિમ્મત આવી હતી અને હું ફરિયાદ કરવા પહોંચી હતી.

યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા, લક્ષમણભાઇ મહાજન સહિતે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એમ. વી. રબારી સહિતે આરોપી શિક્ષકને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપ્યો છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી થશે. આ શખ્સ કુંવારો છે.

(1:16 pm IST)