Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોવીડ કેર સેન્ટર, સિવિલ હોસ્પિટલ પારિવારીક ભાવના સાથે લોક સારવારનું કેન્દ્ર

કોરોનાને મ્હાત આપનાર માંડવી, સુરેન્દ્રનગર, જામનગર તથા રાજકોટના દર્દીઓ સારવારથી ખુશખુશાલ

રાજકોટ તા. ૨૯ : કોરોનાથી સંક્રમિત થયેલ વ્યકિત જ્યારે રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલની સારવાર અંગે પોતાનો સંતોષ વ્યકત કરે, ત્યારે દિવસ-રાત જોયા વિના કોરોના દર્દીઓની સેવારત આરોગ્ય કર્મીઓને સેવાને સલામ કરવાનું મન થાય તેમ કોરોનાને મ્હાત આપનાર દર્દીઓએ જણાવ્યું હતું.

આ વાત છે, માંડવીમાં રહીને રીક્ષા ચલાવી પોતાના ચાર વ્યકિતના પરિવારનું ગુજરાન ચલાવતા ૪૯ વર્ષીય ભરતભાઈ કંસારાની. ભરતભાઈને હદયની તકલીફ થતાં પહેલા ભૂજ અને ત્યાર બાદ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જયાં તેમની સારવાર દરમિયાન તેમને તા. ૧૫ જુલાઈના રોજ તાવ, શરદી જેવા લક્ષણો દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જે ટેસ્ટ પોઝીટીવ આવતા તેમણે પોતાના વતન માંડવીમાં સારવાર લેવાને બદલે રાજકોટ કોવીડ-૧૯ની હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો.

રાજકોટની કોવીડ - ૧૯ હોસ્પિટલમાં સારવાર અંગેના પોતાના નિર્ણય પર સંતોષ વ્યકત કરતાં ભરતભાઈએ જણાવ્યું હતું કે,ઙ્ગ'મને એકવાર પણ એવો અનુભવ નથી થયો કે વિચાર નથી આવ્યો કે, મેં રાજકોટ કોવીડ હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય ખોટો કર્યો છે. આ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલની જેમ જ દર્દીઓના આરોગ્યની દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યાં સુધી કે ડાયાબીટીસ ધરાવતા દર્દીઓને સુગર ફ્રી પીણું પણ આપવામાં આવે છે. સારવાર દરમિયાન પૌષ્ટીક આહારની સાથે સ્ટાફના માનવતાસભર વ્યવહારે મારું મનોબળ મજબુત કર્યું હતું.'

આવુ જ કઈંક સુરેન્દ્રનગરના ૫૪ વર્ષીય કૈલાશબેન બારોલીયાનું કહેવું છે. કૈલાશબેનને કોરોના પોઝીટીવ આવતાં તેમણે ત્રણ દિવસ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર લીધી. પરંતુ વધુ સારવાર અર્થે તેમને રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા. ડાયાબીટીસને કારણે સારવારને લઈને થોડો ડર હતો. પણ મેડીકલ સ્ટાફે એ ડર દૂર કરી દીધો. અને આજે હું કોરોના મૂકત બની મારા ઘરે પરત આવી ગઈ છું.

કોરોના સંક્રમિતોને બચાવવા રાજયભરના આરોગ્ય કર્મીઓ સાથે સફાઇ કામદારથી માંડીને વહિવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્વૈચ્છીક અને સમાજસેવી સંસ્થાઓ દિવસ-રાત કાર્યરત છે. તેવા સમયમાં રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે તૈયાર કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં મામલતદાર શ્રી ઉત્ત્।મ કાનાણીના માર્ગદર્શન હેઠળ વહિવટી અને મેડીકલ સ્ટાફ કામગીરી બજાવી રહ્યો છે.

કોરોનાના કપરા સમયમાં કાર્ય કરી રહેલા આ તમામ કોરોના વોરીયર્સના અનુભવો અને તેમની કાર્યદક્ષતા દાદ માંગી લે તેવી છે. તેઓના અથાક પરીશ્રમને કારણે અનેક લોકો કોરોનાથી મુકત થઇ નવજીવન પામ્યા છે. ત્યારે આ મહામારી વચ્ચે કાર્યરત કોરોના વોરીયર્સની ફરજ અને તેમના અનુભવો જાણવા પણ રસપ્રદ બની રહે છે.   

કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતાં તબીબ ડો. દિશીતા ગિનોયાના શબ્દોમાં કહીએ તો, કોવીડ-૧૯ ના સંક્રમિત લોકોની સેવા માટે મારી પસંદગી થઇ ત્યારે મને રોમાંચ સાથે નવા અનુભવ અંગે અનેક સવાલો હતા. અહીં આવતા દરેક દર્દીઓ પોતાના ઘર અને પરિવારથી દુર હોવા સાથે કોરોનાના કારણે માનસીક તણાવ સાથે આવતો હોય છે. આ દરેક દર્દીની નિયમિત તપાસ, સારવાર અને તેઓની દૈનિક જીવનચર્યા સાથે તેઓ ઘરથી દુર હોવાની લાગણી ન અનુભવે તે માટે તેમના આત્મીયજન તરીકેની વિશેષ કાળજી પણ લેવી મહત્વપૂર્ણ બની રહે છે. તેમણે લાગણી સભર સ્વરે જણાવ્યું હતુ કે, કોરાનાના આ દર્દીઓની સારવાર પૂર્ણ થયા બાદ તેઓ જયારે ઘરે સાજા થઇને પરત જાય છે, તે સમયે દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વ્યકત થતી લાગણી તથા તેમની સાથે વિતાવેલા સમય અને આત્મીયતાને કારણે અમને એક તબીબ તરીકે જિંદગીની એક એક પળ જીવી ગયાની લાગણી અનુભવાય છે.

સિવિલ હોસ્પિટલમાં મને નવજીવન મળ્યું : મહેશભાઇ બોરીચા

રાજકોટ : 'મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મને નવજીવન મળ્યું છે. મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારી આટલી સારી સારવાર થશે.' તમે મહેશભાઈ બોરીચાએ જણાવ્યું હતું. જેમણે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી છે. એક સંબંધીના સંપર્કમાં આવતા તેમની તબિયત નાદુરસ્ત થવા માંડી, તેમણે તુરત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જઈને તપાસ કરાવતા તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. 

પોતાની સારવારના અનુભવને વર્ણવતા મહેશભાઈ કહે છે કે, '૧૮ઙ્ગજુલાઈના રોજ મને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા મારા સહિતના કોરોના પોઝીટીવ તમામ દર્દીઓને સમયસર પોષણયુકત આહાર અને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવતા હતા, મે નક્કી કરી લીધું હતું કે કોઈ પણ ભોગે કોરોનાને હરાવવો જ છે. એ માટે હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ દ્વારા મને માનસિક સધિયારો પણ પૂરો પાડવામાં આવ્યો. જેના કારણે મારૃં મનોબળ દ્રઢ થયુ, અને આજે હું કોરોના મુકત બન્યો છું.'

(2:51 pm IST)