Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સ્ટેન્ડીંગની સંવેદનશીલતા : ખરાટાણે કર્મચારીઓની તબીબી સહાય મંજુર

સ્ટેન્ડીંગ કમિટિમાં ૩.૭૫ કરોડના ડ્રેનેજ કામો, ૫૨ લાખના પેવિંગ બ્લોક, ૮.૨૩ કરોડના નવા બિલ્ડીંગ, ૮૯.૬૧ લાખના રસ્તાઓ, વરસાદી પાણી નિકાલ માટે ૨.૫૯ લાખ સહિતની ૪૭ દરખાસ્તો મંજુર

રાજકોટ તા. ૨૯ : મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજે બપોરે ૧૨ વાગ્યે યોજાઇ હતી. જેમાં મહાપાલિકાના કર્મચારીઓને તથા તેમના પરિવારજનોને વિવિધ તબીબી સહાય આપવા સહિત ૪૭ જેટલી દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડે મંજુરી આપી હતી.

આ અંગે ચેરમેનશ્રી કાનગડે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, આ મહામારીના સમયે જીવ જોખમમાં મુકી શહેરના આરોગ્ય માટે ઝઝુમતા તંત્રના હાથ - પગ સમા કર્મચરીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી નાની - મોટી બિમારી - ઓપરેશનો વગેરે માટે આજની સ્ટેન્ડીંગ કમિટિએ વિવિધ ૧૨ જેટલી તબીબી સહાયની દરખાસ્તો મંજુર કરાઇ હતી અને કુલ રૂ. ૧૦,૭૯,૭૦૮ની તબીબી સહાય મંજુર કરાઇ હતી.

આ ઉપરાંત કોઠારીયા - વાવડીમાં મિલ્કત વેરા દરમાં ઘટાડો કરી ૧ કરોડની વેરા માફીની મહત્વની દરખાસ્તને પણ લીલીઝંડી અપાઇ હતી. તેમજ રૂ. ૪૬.૭૪ લાખના ખર્ચે ૫૦૦૦ ટ્રી-ગાર્ડ ખરીદવા નિર્મલા રોડ પર ૮ કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર સહિતનું નવું ફાયર સ્ટેશન, જયુબેલી બાગ, અરવિંદભાઇ મણિયાર હોલ રિનોવેશન, ફુટબ્રીજ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક સહિતની મહત્વની દરખાસ્તો મંજુર કરાયેલ.

આજની બેઠકમાં ૩.૭૫ કરોડના ડ્રેનેજ કામો, ૫૨.૫૩ લાખના પેવિંગ બ્લોક, ૨.૫૯ કરોડના વરસાદી પાણી નિકાલના કામો, ૮૯ લાખના રસ્તા કામો, ૩.૪૧ લાખના કમ્પાઉન્ડ વોલના કામો, વોટર વર્કસના ૧૬ લાખના કામો સહિત કુલ ૨૦.૭૮૧ કરોડના વિકાસ કામોને મંજુરી અપાયેલ હતી.

(4:13 pm IST)