Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રામનાથ મહાદેવના પુજારી સામે ગુન્હો નોંધાયો તો ભાજપના આગેવાનો સામે કેમ નહિ ? : કોંગ્રેસ

શહેર ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પોલીસ - મ્યુ. કમિશનરને ફરિયાદ નોંધાવતા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા

રાજકોટ તા. ૨૯ : પોલીસ દ્વારા રામનાથ મહાદેવના પુજારી સામે ગુન્હો નોંધાયો હતો. ભાજપના આગેવાનો સામે કેમ નહિ તેવા સવાલો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. શહેર ભાજપ કાર્યાલયના ખાતમુહુર્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પોલીસ - મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા કરવામાં આવી છે.

વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે તા.૨૭ જુલાઇ રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય રાજકોટના આરાધ્ય તેવા દેવોના દેવ  રામનાથ મહાદેવજીના મંદિરે સાંજના સમયે પ્રથમ શ્રાવણમાસના સોમવારની આરતી હોય ત્યારે કોઈ ભકતોને બોલાવવા જવા પડતા નથી પરંતુ શ્રદ્ઘા એટલી બધી છે કે ભકતોનું ઘોડાપુર ઘુઘવ્યું હતું અને તે જ દિવસે ભારતીય જનતા પક્ષના કાર્યાલયનો ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો અને કાર્યકરોને આમંત્રણ આપી બોલાવ્યા હતા એક અંદાજ મુજબ આ સ્થળે ૨૫૦-૩૦૦ લોકો એકઠા થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

એકતરફ મંદિરમાં ચાર થી વધારે લોકો એકઠા થયા છે અને સોસીયલ ડિસ્ટન્સ જળવાયું નથી તેમ કહી રામનાથ મહાદેવજીના મંદિરના પુજારી સમક્ષ ગુન્હો નોંધવામાં આવે છે. જ્યારે તમામ પ્રકારના નિયમો અને ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી ૨૫૦-૩૦૦ લોકો એકઠા થઇ ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરે છે.અંતમાં વશરામભાઇ સાગઠિયાએ ભાજપ સામે લેખીતમાં ફરિયાદ નોંધાવી છે તેમ જણાવ્યું છે.

(4:30 pm IST)