Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજકોટના શૈલેષ બોરીયા સાથે સણોસરાની જમીનના સોદામાં અજય ગઢીયા સહિતની ૩.૩૦ કરોડની ઠગાઇ

રૈયા રોડ યોગીનગરમાં રહેતાં ખેડૂતની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્‍યોઃ ચુકવણી પેટે આપેલા ચેક પણ રિટર્ન થયા

રાજકોટ તા. ૨૯: રૈયા રોડ યોગીનગરમાં રહેતાં ભરવાડ યુવાનની સણોસરામાં આવેલી જમીન પરના ઉભા ઇમલા સહિતની જમીનનો સોદો રૂા. ૩,૩૦,૦૦,૦૦૦માં રાજકોટના શખ્‍સે નક્કી કરતાં તેને ભરવાડ યુવાને વિશ્વાસે દસ્‍તાવેજ કરી આપ્‍યા બાદ દસ્‍તાવેજ સિવાયની જમીન તેણે લેવાની ના પાડતાં નોટરાઇઝ પ્રોમીસરી નોટ કરી રૂા. ૩,૩૦,૦૦,૦૦૦ ચુકવવાના રહેશે તેવી નોટરી કરી આપ્‍યા બાદ ૫૦ લાખ અને ૧,૩૦,૦૦,૦૦૦ના ચેક આપતાં આ ચેક રીટર્ન થતાં ભરવાડ યુવાને ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રૈયા ચોકડી ૧૫૦ રીંગ રોડ પર યોગીનગર-૩ અમૃતા હોસ્‍પિટલવાળી શેરીમાં રહેતાં શૈલેષભાઇ ગાંડુભાઇ બોરીયા (ભરવાડ) (ઉ.૩૯)ની ફરિયાદ પરથી શિવનગરમાં પંચશીલ સ્‍ૂલ પાસે રહેતાં અજય ભાઇચંદભાઇ ગઢીયા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

શૈલેષભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. હું સણોસરા ગામ સર્વે નં. ૩૫૧/૧ પૈકીન ૧ની બીન ખેડવાણ જમીનમાં મેસર્સ લાલન સ્‍ટાર એકસપોર્ટના નામની ભાગીદારી પેઢીના નામે ચાલતી પેઢીમાં ભાગીદાર થયો હતો. જેના કુલમુખત્‍યાર દરજ્જે વહીવટકર્તા તરીકે મને નિમવામાં આવ્‍યો હતો. એ પછી અમે સણોસરા ગામની બીનખેડવાણ જમીન અને તેના ઉપર કરવામાં આવેલા બાંધકામ ઉભા ઇમલા સહિત અને તેમાં રહેલી મશીનરી સહિતની મિલ્‍કત તથા મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામના રે.સ. નં. ૩૦૪ પૈકીની જમીન બીનખેડવાણ પ્‍લોટ પૈકીના પાંચ પ્‍લોટ અને સર્વે નં. ૨૭૯ પૈકીની જમીન બીનખેડવાણ પ્‍લોટ પૈકીના ૧૯ પ્‍લોટ તેમજ સર્વે નં. ૨૭૯ પૈકીની જમીન બીનખેડવાણ પ્‍લોટ પૈકીના ૧૧ પ્‍લોટ સહિતના તમામનું વેંચાણ કરવાનું હતું.

જેથી મેં દલાલ જીતેન્‍દ્રભાઇ જોષીને વાત કરતાં તેણે મને અજય ભાઇચંદભાઇ ગઢીયાની મુલાકાત અમારી સણોસરા ગામની બાંધકામની સાઇટ પર કરાવી હતી. તેણે તમામ મિલ્‍કતો ખરીદવાની વાત કરી હતી. એ પછી તે અને તેનો દિકરો હેનીલ અજય ગઢીયા અવાર-નવાર પ્‍લોટીંગ ખાતે આવતાં હતાં. ત્‍યારબાદ અમે તેને સણોસરામાં બાંધકામ કરેલ બિલ્‍ડીંગ મશનીરી સાથે ૧૧ કરોડમાં વેંચાણ કરવાનું કહ્યું હતું. જેના  ઉપર અમારે રૂા. ૩,૩૦,૦૦,૦૦૦ની યુનિયન બેંકની લોન પણ ચાલુ હતી. જેથે અજય ગઢીયાએ અમારી આ મિલ્‍કત રૂા. ૮,૯૧,૦૦,૦૦૦માં લોન ભરપાઇ કરવાની શરતે ખરીદ કરવાનું તા. ૨/૧૧/૨૦ના રોજ નક્કી કર્યુ હતું. સુથી પેટે તેણે ૧ લાખ રોકડા આપ્‍યા હતાં અને ૬/૨/૨૧ના રોજ સાટાખત સમજુતી કરાર કરાવેલ હતો.

જે તે વખતે રૂા. ૧૦ લાખનો ચેક આપ્‍યો હતો. જે મારા ખાતામાં નાખ્‍યો હતો અને અમોને કહ્યું હતું કે બાકીની રકમ તેઓ બેંકમાં ભરી આપશે. તેને પણ લોન કરવાની હોઇ જેથી સણોસરા ગામની મિલ્‍કતોનો તાત્‍કાલીક દસ્‍તાવેજ કરી આપવા કહેતાં અજય ગઢીયાએ ડ્રાફટ દસ્‍તાવેજ સાથે મારી પાસે આવી રૂા. ૩,૮૫,૦૦,૦૦૦નો દસ્‍તાવેજ થશે તેવું ડ્રાફટીંગ વંચાયુ હતું. મેં ડ્રાફટ દસ્‍તાવેજ વંચાણે લઇ હા પાડી હતી. જેથી તા. ૩/૧૧/૨૧ના રોજ અમે તેને દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો. એ પછી અમે દસ્‍તાવેજની નકલ મંગાવતાં તેણે દસ્‍તાવેજ આવે નથી, આવશે એટલે આપી જઇશ તેમ કહ્યું હતું. એ પછી અમે વારંવાર તેની પાસે દસ્‍તાવેજની નકલ માંગી હતી. પણ તેણે બહાના બતાવ્‍યા હતાં. જેથી મેં તા. ૯/૧૨/૨૦૨૧ના રોજ સબ રજીસ્‍ટ્રાર કચેરીએ જઇ દસ્‍તાવેજની નકલ મેળવી વાંચતા તેમાં રૂા. ૩,૮૫,૦૦,૦૦૦ના બદલે રૂા. ૧,૫૫,૦૦,૦૦૦નો દસ્‍તાવેજ થયાનું જણાયું હતું.

જેથી અજય ગઢીયાને આ બાબતે પુછતાં તેણે કહેલું કે સ્‍ટેમ્‍પ ડયુટી ઓછી ભરવી પડે તેથી નાનો દસ્‍તાવેજ કરાવ્‍યો છે. ત્‍યારબાદ અમે અજય ગઢીયા પાસે વારંવાર પૈસાની માંગણી કરતાં તેણે વધારે પૌસ નથી મારે મિતાણા મિતાણાનું પ્‍લોટીંગ જોઇતું નથી તેમ કહ્યું હતું. એ પછી તા. ૧૨/૧૨/૨૧ના રોજ બાલા બોરીચાની ઓફિસે મને અજય ગઢીયાએ બોલાવ્‍યો હતો. જ્‍યાં અશ્વિનભાઇ ઝાલાવડીયા, હસમુખભાઇ ચોવટીયા, જીતુભાઇ જોષી, હેનીલ અજયભાઇ ગઢીયા, માધવ ગઢીયા હાજર હતાં. ત્‍યારે અજય અને અશ્વિને જણાવેલ કે મિતાણા વાળી જગ્‍યા તમે સંભાળી લો, બાકીના પૈસા અમને આપી દો. બધાની હાજરીમાં નોટરી લખાણ કરાવ્‍યું હતું. એ પછી અજય અને તેના દિકરા હેનીલ ગઢીયાએ મને રૂા. ૩,૩૦,૦૦,૦૦૦ આપવાના રહેશે તેમ નક્કી થયું હતું. તેમજ તા. ૫/૫/૨૨ સુધીમાં આ રકમ તેઓ આપી દેશે તેવું નોટરી કરવામાં આવ્‍યું હતુ઼. ત્‍યારબાદ ૨૮/૧૨/૨૧ના રોજ દલાલ જીતુભાઇ જોષી અને માધવ ગઢીયા રૂા. ૨૫ લાખ રોકડા આપી ગયા હતાં. એ પછી રૂા. ૫૦ લાખનો ચેક  અને બીજો રૂા. ૧,૩૦,૦૦,૦૦૦નો ચેક આપ્‍યો હતો. પણ આ ચેક બેંકમાં નાંખતા રીટર્ન થયા હતાં.

આમ સણોસરાની જમીન અંગે અજય ગઢીયાએ મારી પાસે પ્રોમીસરી નોટ લખાવી સાક્ષીઓને સાથે રાખી સમજુતી કરાર કર્યા પછી આપેલા ચેક રીટર્ન થયા હોઇ અમારી સાથે છેતરપીંડી થતાં ફરિયાદ નોંધાવી છે.   કુવાડવા પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)