Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

દૂધાળા પશુઓને આપવાના જોખમી કેમિકલ સાથે શ્રીરામ સોસાયટીનો વેપારી પકડાયો

એસઓજીએ શંકાસ્‍પદ પ્રવાહીની ૯૯ શીશી, ૮૫ સોય, અને ૧૯૦ સિરીન્‍જ કબ્‍જે કરીઃ એફએસએલના અભિપ્રાય બાદ કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: દૂધાળા પશુ વધુ દૂધ આપે તે માટે ગેરકાયદેસર રીતે તેને પ્રતિબંધીતી કેમિકલના ઇન્‍જેક્‍શન અપાતાં હોય છે. હાલમાં પુશઓમાં લમ્‍પી વાયરસ જોવા મળી રહ્યો છે. ત્‍યારે દૂધાળા પશુઓ માટે ગેરકાયદેસર રીતે કેમિકલ મિશ્રીત દવા અને ઇન્‍જેક્‍શન કે જે સરકાર દ્વારા પ્રતિબંધીત છે તેનો ઉપયોગ થતો હોવાનું અને આવું શંકાસ્‍પદ પ્રવાહી સંત કબીર રોડ પર આવેલા શક્‍તિ કિરાણા ભંડાર નામની દૂકાનમાં વેંચાતુ હોવાની માહિતી શહેર એસઓજીને મળતાં દરોડો પાડી આવા પ્રવાહીનો જથ્‍થો કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.

એસઓજીના સ્‍ટાફે માહિતીને આધારે  શક્‍તિ કિરાણામાં દરોડો પાડતાં શંકાસ્‍પદ પ્રવાહીની ૯૯ બોટલ, વેટરનીટી સોય ૮૫ નંગ અને સિરીન્‍જ ૩૮ નંગ મળી આવી હતી. આ પ્રવાહીના જથ્‍થાને પરિક્ષણ માટે એફએસએલમાં મોકલાયો છે. દૂકાનના માલિક આશિષ કેશુભાઇ કોટેચા (ઉ.૫૦-રહે. શ્રીરામ સોસાયટી-૩, આરટીઓ પાછળ) હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. એફએસએલ રિપોર્ટ બાદ તેની સામે કાર્યવાહી થશે.

જે કેમિકલ કબ્‍જે થયા છે તે દૂધાળા પશુઓને ઇન્‍જેકશન મારફત આપવામાં આવે તો દૂધાળા પશુ વધુ દૂધ આપે છે. જો કે આ દૂધના ઉપયોગથી માનવીને પણ નુકસાન થાય છે. આરોગ્‍ય સાથે ચેડા કરનારાઓને શોધી કાઢવાની કાર્યવાહી એસઓજીના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્‍સ. મોહિતસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, ઇન્‍દ્રસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર અને રણછોડભાઇ આલે કરી હતી.

(1:49 pm IST)