Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મની લેન્ડીંગના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૨૯ :  માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી ભૈલુભાઈ ઉર્ફે નારણભાઈ લક્ષ્મણભાઈ જરીયા, કૃણાલભાઈ ઉમેદભાઈ જરીયા તથા કેવલભાઈ ઉમેદભાઈ જરીયા વિરૃધ્ધ મની લેન્ડીંગ એકટની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ નોંધાયેલ ફરીયાદનો કેસ ચાલી જતા આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકવા કોર્ટ હુકમ ફરમાવ્યો છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી ગોપાલભાઈ છોટાભાઈ ગતીયાએ આરોપી પાસે અલગ અલગ સમયે મળી કુલ રૃા. ૧૧,૦૦,૦૦૦ માસીક ૧૫ ટકા વ્યાજે લીધેલા અને આરોપીઓના નામ જોગ પ્રોમિસરી નોટો કરી આપેલ અને આરોપીઓએ સહી કરાવી કોરા ચેક લઈ લીધેલા. આરોપીઓ પઠાણી ઉઘરાણી કરતા હોય ફરીયાદે કટકે કટકે તેમજ તેમના દાગીના પર લોન લઈ અને મકાન વહેચીને આરોપીઓને રૃા. ૨૨,૦૦,૦૦૦ ચુકવી આપેલ. છતા વધુ રકમની માંગણી કરતા અને હેરાન પરેશાન કરવા સબબ માલવીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ બાદ તપાસ કરનાર અમલદારે પુરતો પુરાવો મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ. ત્યારબાદ આ કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષ તરફથી મૌખીક પુરાવાઓ રજુ રાખતા જેમાં ફરીયાદીને તપાસવામાં આવેલ બાદ એડવોકેટ હિતેષ ભાયાણી દ્વારા કરવામાં આવેલ. ઉલટ તપાસમાં ફરીયાદી ફરીયાદથી વિપરીત કબુલાત કરેલ. બાદ આરોપીઓને જવાબ લેવામાં આવેલ હોય ફરીયાદી તથા આરોપી પક્ષે દલીલ કરવામાં આવેલ. સાથે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજુ કરી આરોપીઓને ચુકાદાના આધારે તથા રેકર્ડ પરની હકીકત ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા દલીલ કરેલ. જે ધ્યાને લઇ કોર્ટે આરોપીઓ ભૈલુભાઈ ઉર્ફે નારણભાઈ લક્ષ્મણભાઈ જરીયા, કૃણાલ ઉમેદભાઈ જરીયા તથા કૈવલ ઉમેદભાઈ જરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ તરીકે હિતેષ આર. ભાયાણી, કોમલ કોટક તેમજ લીગલ આસીસ્ટન્ટ તરીકે ખુશી પંડયા, પ્રદિપસિંહ ચૌહાણ તેમજ દર્શિત પાડલીયા રોકાયા હતા.

(3:38 pm IST)