Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજકોટ જિલ્લાના ૨૦ અમૃત સરોવર ઉપર ૧૫મી ઓગષ્‍ટે કલેકટર તંત્ર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવશે

સૌથી વધુ રાજકોટ તાલુકામાં ૧૧ સરોવરો : ડીડીઓ - એડી. કલેકટરે સમીક્ષા બેઠક યોજી

રાજકોટ તા.૨૯ : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ સ્‍થળે અમૃત સરોવરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી આગામી ૧૫મી ઓગસ્‍ટે ૨૦ અમૃત સરોવરો પર ધ્‍વજવંદન કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. આ અમૃત સરોવરોની કામગીરી અને ધ્‍વજવંદન કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તથા નિવાસી અધિક કલેક્‍ટરશ્રી કેતન ઠક્કરના અધ્‍યક્ષસ્‍થાને આ મિટિંગ શરૂ થઈ હતી. જેમાં વિવિધ પ્રાંત અધિકારીઓશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં જે ૨૦ અમૃત સરોવરો તૈયાર કરાઈ રહ્યાં છે, તેમાં રાજકોટ તાલુકામાં ૧૧ સરોવરો, ધોરાજીમાં બે, જસદણમાં એક, પડધરીમાં બે, ઉપલેટામાં એક, જેતપુરમાં બે, કોટડાસાંગાણીના એક અમૃત સરોવરનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ નિવાસી અધિક કલેક્‍ટરશ્રી કેતન ઠક્કરે સૌ પ્રથમ આ તમામ સરોવરોની હાલની સ્‍થિતિનો ઊંડાણપૂર્વકનો તાગ મેળવ્‍યો હતો. આ સાથે આ સરોવરોને સંલગ્ન બાકીનાં કામો સમયસર પૂર્ણ કરવા અંગે સૌને માર્ગદર્શન આપ્‍યું હતું. ઉપરાંત આ સરોવર પર થનારો ધ્‍વજવંદન કાર્યક્રમ ખરા અર્થમાં રાષ્ટ્રભક્‍તિ જાગરણનું પર્વ બની રહે, તે જોવા સૌને અપીલ કરી હતી.

(4:04 pm IST)