Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ફિલ્મ 'જેશુ જોરદાર' ની ટીમ દ્વારા શુક્રવારે રાજકોટમાં જોરદાર કાર્યક્રમ

અભયભાઇની સ્મૃતિમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને પ્રોત્સાહીત કરશે : લવેબલ જર્ની આધારીત તદન નવી જ કથા લેવાઇઃ ડાયરેકટર રાજન વર્મા : ફિલ્મનું મોટાભાગનું શુટીંગ રાજકોટમાં : બસપોર્ટ, માલવીયા કોલેજ, અયોધ્યા ચોકના દ્રશ્યો કંડારાયા : શુક્રવારે વધુને વધુ રકતદાન માટે ફિલ્મ પ્રોડયુસર ભૂપતભાઇ બોદરની અપીલ

તસ્વીરમાં ફિલ્મ પ્રોડયુસર ભુપતભાઇ બોદર, ડાયરેકટર રાજન વર્મા, નિર્માતા શોભનાજી, અભિનેત્રી ભકિત કુબાવત, અભિનેતા કુલદીપ ગોર, સહનિર્માતા વૃંદા બ્રહ્મભટ્ટ, જેમીન બોદર, રાજુ કિકાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં શુટીંગ કરી રહેલ ગુજરાતી ફિલ્મ 'જેશુ જોરદાર' ની ટીમ આગામી તા. ૧ ના શુક્રવારે જોરદાર કાર્યક્રમ સાથે સેવાકીય પહેલ કરવા જઇ રહી છે.

'અકિલા' ની મુલાકાત દરમિયાન ટીમે જણાવેલ કે ગુજરાતના જાણીતા સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતીથી નિમિતે તા. ૧ ના શુક્રવારે અહીંના ભગવતીપરા શેરી નં. ૧૯, આહિર સમાજનીવાડી ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. ત્યારે વધુને વધુ લોકો રકતદાન કરે તેવી અમારી અપીલ છે.

ફિલ્મ પ્રોડયુસર ભુપતભાઇ બોદરે જણાવેલ કે ફિલ્મ કલાકારો રકતદાન કેમ્પ સ્થળે જઇ રકતદાતાઓનો ઉત્સાહ વધારશે. સાથે ભારતીય ક્રિકેટરો તેમજ લોકડાયરાના કલાકારો પણ જોડાશે.

ફિલ્મ ડાયરેકટર રાજન વર્માએ જણાવેલ કે અમો છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં કામ કરી રહ્યા છીએ. અહીંના નવા બસપોર્ટ, માલવીયા કોલેજ, અયોધ્યાચોક સહીતના સ્થળોએ અમોએ  શુટીંગ કરી મોટાભાગનું કામ આટોપી લીધુ છે. હવે પછીનું થોડુ ઘણું શુટીંગ મુંબઇમાં કરાશે. ફિલ્મની વાત કરીએ તો    મુંબઇ ટુ રાજકોટ અને રાજકોટ ટુ મુંબઇની યાત્રા વચ્ચે સહજભાવે થઇ જતી મિત્રતા અને એ મિત્રતા પ્રેમમાં પલ્ટાઇ જવા પર આધારીત આખી સ્ટોરી છે. ફિલ્મમાં લેવાયેલ સોંગ 'શું થયું શું ખબર' અત્યારથી જ સૌની જીભે ચડવા લાગ્યુ છે. ડાયલોગ પણ હિન્દી ફિલ્મ મેકર બંટી રાઠોડે તૈયાર કર્યા છે.

આ તકે ભુપતભાઇ બોદરે જણાવેલ કે આમ તો આ પહેલા પણ 'દુખીયાના બેલી બાપા સીતારામ' મે બનાવી હતી. પણ આ વખતે કઇક નવો જ રસ દર્શકોને માણવા મળશે.

અમે બધા તા. ૧ ના શુક્રવારે રકતદાન કેમ્પની મુલાકાત લઇ સૌનો ઉત્સાહ વધારીશું. ક્રિકેટર ઇરફાન પઠાણ, સ્ટાર મનોજ જોષી, મોન્ટુ મહારાજ તેમજ લોકડાયરાના કલાકારો સાંઇરામ દવે, કીર્તીદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, રાજભા ગઢવી હેમંત ચૌહાણ, પુનમ ગોંડલીયા, ધીરૂભાઇ સરવૈયા, જીજ્ઞેશ કવીરાજ, અનીતાબેન પટેલ વગેરે પણ અમારી સાથે જોડાઇ રકતદાનની અપીલ કરશે.

સંપૂર્ણ વાસ્તવીક થીમ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે : હિરો કુલદીપ ગોર

ફિલ્મમાં 'રાજ'નું પાત્ર જીવંત બનાવતા અભિનેતા કુલદીપ ગોરે જણાવેલ કે આખી ફિલ્મ પોઝીટીવ સ્ટોરી પર છે. મારૂ પણ રાજકોટમાં પ્રથમ શુટીંગ છે. પણ અહીં કામ કરવાની ખુબ મજા આવી. નાનામાં નાના પાત્ર ઉપર ખુબ ધ્યાન અપાતુ હતુ. સમય જોયા વગર દરેકે નિષ્ઠાથી કામ કર્યુ છે. શુટીંગ કયારે પુર્ણ થયુ કઇ ખ્યાલ જ ન આવ્યો એટલા જુસ્સાથી સૌએ કામ કરેલ. આ પહેલા મે 'ગુજરાતી પ્લે', 'રંગીલો', 'ચાણકય' જેવી ફિલ્મો પણ કરી છે. 'ભુલ ભુલૈયા', 'ફીર હેરાફેરી', 'ભાગમ ભાગ' જેવી હિન્દી ફિલ્મોનો લ્હાવો પણ લીધો છે. પણ 'જેશુ જોરદાર' માં કામ કરવાની જે મજા પડી તે યાદગાર બની રહેશે.

તદન નવી ગુજરાતી ફલેવરનો રોમાંચક અનુભવ : હિરોઇન ભકિત કુબાવત

આ તકે જેશુનું પાત્ર નિભાવનાર હિરોઇન ભકિત કુબાવતે જણાવેલ કે અમે ગત તા. ૧૬ થી રાજકોટમાં શુટીંગ કરી રહ્યા છીએ. પણ જાણે આખુ બોલીવુડ ગુજરાતમાં ઉતરી આવ્યુ હોય તેવુ લાગ્યુ. કેમ કે આ ફિલ્મ ગુજરાતી હોવા છતા હિન્દી ફિલ્મોને ટકકર મારે તેવી તૈયારીઓ સાથે કામ ચાલી રહ્યુ છે. સંપુર્ણ ટેકનીકલી અને સાઉન્ડ ફિલ્મ છે. અહીં જે ગુજરાતી ફલેવર મે જોઇ તે કયાંય નથી માણી. 'બસ એક ચાન્સ', 'લપેટ', 'ર૪ કેરેટ પિતલ', 'વિટામીન સી', 'હુતુતુ' જેવી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી ચુકેલ ભકિતએ જણાવેલ કે સૌરાષ્ટ્રમાં આ મારૂ પ્રથમ શુટીંગ હતુ. જે યાદગાર બની રહ્યુ.

(2:56 pm IST)