Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

લાંચ લેતાં ઝડપાયેલા ફાયર સ્ટેશનના ઓફિસર કોલીના ઘરની જડતીઃ ખિસ્સામાંથી ૬૦ હજાર રોકડા પણ કબ્જે

ટાવર બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટનું કામ રાખનારે એનઓસી માંગતા ઓફિસરે અડધા લાખની લાંચ માંગી'તીઃ ૪૦ હજારમાં નક્કી થયું: એસીબી પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમનું સફળ છટકુ : લાંચના ૪૦ હજાર ઉપરાંત બીજા ૬૬ હજાર ખિસ્સામાંથી મળતાં તે પણ કબ્જે

રાજકોટ તા. ૨૯: શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલા મુખ્ય ફાયર બ્રિગેડ સ્ટેશનના સ્ટેશન ઓફિસર કિરીટ હરપાલભાઇ કોલીને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચના છટકામાં ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. એસીબીની ટીમે ઓફિસરના ઘરની જડતી પણ લીધી હતી. પણ કંઇ વાંધાજનક મળ્યું નહોતું. જો કે તેના ખિસ્સામાંથી ૬૦ હજારની રોકડ મળતાં તે કબ્જે કરવામાં આવી હતી.

વિગત એવી છે કે ફરીયાદીએ બે ટાવર બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનું કામ રાખ્યું હોઇ જે કામ પૂર્ણ થતાં ફાયર સેફટી વિભાગની એનઓસી માટે રાજકોટ મહાનગરપાલીકા હેઠળના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગમા એનઓસી મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી અનુસંધાને એનઓસી તૈયાર થઇ ગઇ હતી. પરંતુ આ એનઓસી આપવા માટે આરોપી સ્ટેશન ઓફિસર કિરીટ કોલીએ રૂ. ૫૦ હજાર ફરિયાદી પાસે માંગ્યા હતાં. એક ટાવરની એનઓસીના રૂ. ૨૫ હજાર લેખે બેના ૫૦ હજાર માંગ્યા હતાં. રકઝકને અંતે ૪૦ હજારમાં વાત ફાઇનલ થઇ હતી.

પરંતુ ફરિયાદીને લાંચ આપવ ન હોઇ એસીબીમાં જાણ કરતાં ગત સાંજે કનક રોડ  બસ સ્ટેશન પાછળ ફાયર સ્ટેશન ખાતે લાંચનું છટકુ ગોઠવાયું હતું. જેમાં એસીબીની ટીમે સ્ટેશન ઓફિસર કોલીને ૪૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેતાં ફાયર બ્રિગેડ વર્તુળોમાં ચકચાર મચી ગઇ હતી. એસીબીના પીઆઇ મયુરધ્યજસિંહ એમ. સરવૈયા અને ટીમે આ કાર્યવાહી મદદનીશ નિયામક એ. પી. જાડેજાના સુપરવિઝનમાં કરી હતી. વધુ તપાસ સુરેન્દ્રનગર એસીપ ડી. વી. રાણા ચલાવી રહ્યા છે.

(3:03 pm IST)