Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

RJ દેવકીને એક માલધારી કન્યાના રૂપમાં જોવાનો લ્હાવો

નાટક 'અકૂપાર'માં 'આપણાં' ગીરનીવાતો, આપણે ના જાણી હોય એવી ગીરની વાતો અને અત્યંત રસપ્રદ રજૂઆતઃ ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા 'અકૂપાર'નું જ નાટય રૂપાંતર : નાટકનો એક માત્ર પ્રયોગ ૧૩ જાન્યુઆરી ગુરૂવાર, રાત્રીના ૯:૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશેઃ એડવાન્સ બુકિંગ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુક માય શો એપ પર પણ ટીકીટો ઉપલબ્ધ છે

''ખમા ગઈર ને'' અને ''મારી વાલી ગઈરએવી ને એવી દાંત કાઢતી થઇ ગઈ'' અને  ''ગઈર તો મારી માં, અજરામર છે''- આવા શબ્દો અને તે પણ આપણે સદા જેને એક જંગલ માનતા આવ્યા છીએ તેવા ગીર માટે ?!! મિત્રો, આવી જીવંતતા ભરેલા કેટ-કેટલાયે પ્રસંગો, વાકયો, માન્યતાઓ, રૂઢિઓ અને પરંપરાઓ વિષે જાણવા મળશે 'અકૂપાર'માં. આ પુસ્તક પોતાનામાં જ એક આગવો લ્હાવો છે તો એનું નાટ્ય રૂપાંતર પણ એટલી જ મજા પાડે એવું છે.

શહેરમાં ઉછરેલો એક ચિત્રકાર ગીરને , પ્રકૃતિની દોરવા આવે છે અને પછી શીખે છે ગીરની આંતરિક સુંદરતમ વિવિધતાઓ, ગીર ની ગરિમા , ગીર નો સ્વભાવ, ગીર માટે માં જેવી મમતા, પ્રકૃતિના રહસ્યો, પ્રકૃતિ અને જાનવરોના સંબંધો અને આખીયે પૃથ્વીને ચલાવતું , સૌથી સંતુલિત ચક્ર અને આ બધાયેથી ય ઉપર, એવી એક આંતરિક મુસાફરી જે નાયકની પાયાથી લઇ ને શૂન્ય અને એકાત્મની આખી સમજણ જ બદલી નાખે છે!!

આ નાટક છે  શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા 'અકૂપાર'નું જ નાટ્ય રૂપાન્તર. શ્રી ધ્રુવ ભટ્ટ કોઈ જ ઓળખાણને આધીન નથી. તત્વમસિ ની સુપરીયા હોય , અકૂપારની સાંસાઈ હોય , અતરાપિ નો સારમેય, સમુદ્રાન્તિકે ની અવલ હોય કે દ્રૌપદી કે ભીષ્મ વિશેની વાતો હોય , ધ્રુવ ભટ્ટ ના દરેકે દરેક પાત્ર જીવન વિષે કૈક નવી અને ઊંડી સમજણ આપે છે. જીવન ને સરળ ભાષા માં વ્યકત કરવું અને જીવનના સત્યોને શીરાની જેમ ગળા નીચે ઉતારવા એ ધ્રુવ ભટ્ટના દરેક પુસ્તક ની વિશેષતા છે. અને પાછું કોઈ જ ભાષણો કે ફિલોસોફી નહિ બલ્કે અત્યંત રસપ્રદ, રોચક વાર્તાના સ્વરૂપમાં ધ્રુવ ભટ્ટની રજૂઆત દરેક પેઢીને આકર્ષે છે. એવી બહુ ઓછી વાર્તાઓ હશે જેમાં ધ્રુવ ભટ્ટ એ જાત-અનુભવ નહિ કર્યા હોય! અકૂપાર માટે ગીર ના નેસડાઓ માં મહિનાઓ સુધી રહ્યા , તો સમુદ્રાન્તિકે અને તત્વમસિ તેઓની નર્મદા પરિક્રમા નું તારણ જયારે તિમિરપંથી નવલકથા માટે છારા જ્ઞાતિ ના લોકો સાથે પણ રહ્યા! ધ્રુવ ભટ્ટ નું પુસ્તક આપને એક બેઠકે પુરા કાર્ય વગર જંપવા દે તો જ નવાઈ !

અને એ જ ધ્રુવ ભટ્ટ ના , ગીરના નેસડાંઓ માં મહિનાઓ સુધી રહ્યા પછી ના અનુભવો, તારણો, ત્યાં ની પરંપરાઓ, રિવાજો, બોલી અને પ્રકૃતિ સાથે નો અદમ્ય તાલમેલ નું પરિણામ એટલે અકૂપાર.

અકૂપાર નાટકમાં પુસ્તકને તમામ રીતે ન્યાય કરવાનો પ્રામાણિક પ્રયત્ન થયો છે અને દિગ્દર્શિકા શ્રી અદિતિ દેસાઈ તેમાં ખરા પણ ઉતર્યા છે. પુસ્તકની કેટલીક રસપ્રદ વાતો , ઘટનાઓ, મર્મો અને પાત્રોને જીવંત કરવા નાટકના મુખ્ય પાત્રો અને દિગ્દર્શિકા એ પણ ગીરમાં દિવસો વિતાવ્યા. નાટકને ન્યાય કરવા ત્યાંની બોલી શીખવામાં આવી અને લઢણ ને બોલીમાં આબેહૂબ ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

તો રાજકોટ , રાહ શાની જુઓ છો ?! અમે જાણીએ છીએ કે કોરોના નો ડર છે અને રહેવાનો પણ ...પરંતુ લગભગ ૨ વર્ષ ની મનોરંજન માટે આપણે કયાં કશું કરી જ શકયા છીએ?! અને રાજકોટમાં આવા નાટકો પણ ભાગ્યે જ આવે છે ! તો આ વખતે આ મોકો જવા ના દેશો અને ફટાફટ બુકીંગ કરાવી લો કારણ કે ગીર, સાસણ ,ઉના, ધોરાજી, ભાવનગર, જામનગર, મોરબી, જસદણ, અમરેલી, વગેરે શહેરો માંથી તો લોકો એ ઓલરેડી ટિકિટો બુક કરાવી દીધી છે અને ૩૫ ટકા જેટલો તો હોલ બૂક પણ થઈ ગયો છે.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગમાં અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે.  આ ઉપરાંત અકૂપાર નાટકના સર્પોર્ટર્સ તરીકે માઈક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઈપ્સ એન્ડ ફીટીંગ્સ, પરીન ફર્નિચર , કાઠિયાવાડી સ્વાદબંધુ,પરીન ટાટા મોટર્સ, સજીવન ઓર્ગેનિક, ગોકુલ હોસ્પિટલ , માધવ વેસ્પા અને સ્નેક બાઈટ -મોટી ટાંકી ચોકનો સહકાર સાંપડ્યો છે.(

(3:12 pm IST)