Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

શહેર ટ્રાફિક બ્રાંચે આ વર્ષે ૨,૧૫,૧૯૯ કેસ કરી ૬ કરોડ ૯૮ લાખનો દંડ વસુલ્યો : એસીપી મલ્હોત્રા

ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૨૧માં કરીઅનેક નોંધપાત્ર કામગીરીઃ ટ્રાફિક નિયમન ઉપરાંત લોકોપયોગી કામોમાં પણ અવ્વલ : માર્ગ સલામતિ સપ્તાહ, બૂકલેટનું વિમોચન, કર્ફયુમાં કડક કામગીરી, શાળા-કોલેજોમાં છાત્રો સાથે ટ્રાફિક અવેરનેસ માટે સતત સેમિનાર, ગ્રીન કોરીડોર બંદોબસ્તમાં પણ નોંધપાત્ર કામગીરીઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરીશદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણાનું સતત માર્ગદર્શન : સીસીટીવીથી ઇ-મેમોના ૫,૩૭,૭૯૧ કેસ કરી અધધધ ૨૫.૧૦ કરોડનો દંડ ફટકારાયો! વર્ષ ૨૦૨૧માં અકસ્માતમાં ૧૭.૨ ટકાનો ઘટાડોઃ 'ગુજરાત રાજ્ય માર્ગ સલામતિ પારિતોષિક-૨૦૨૦-૨૧'નો એવોર્ડ પણ મેળવ્યો

તસ્વીરમાં એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રા તથા શહેર ટ્રાફિક પોલીસે વર્ષ દરમિયાન યોજેલા વિવિધ લોકજાગૃતિ સહિતના કાયક્રમોની ઝલક જોઇ શકાય છે. 

રાજકોટ તા. ૨૯: શહેરના લોકો કેટલી હદે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તે આ વર્ષે ટ્રાફિકને લગતાં કેસો અને દંડની રકમનો આંકડો જોઇને જાણી શકાય છે. શહેર ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૨૧માં અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. ટ્રાફિક નિયમનની કામગીરી કરી દંડ વસુલવા ઉપરાંત લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે માટેના અનેક કાર્યક્રમો પણ યોજ્યા હતાં. ગ્રીન કોરીડોર, ઓકિસજન સિલીન્ડરના પરિવહન, શાળા કોલેજના છાત્રોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે માટેના સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમો યોજ્યા છે. આરટીપી, એનસી, કોર્ટ, આરટીઓ મારફત અને ટોઇંગ તથા ક્રેઇન મારફત ટ્રાફિક બ્રાંચે આ વર્ષમાં કુલ ૨,૧૫,૧૯૯ કેસ કરી રૂ. ૬,૯૮,૦૭,૧૦૨નો દંડ વસુલ કર્યો છે. તો સીસીટીવી કેમેરા મારફત ૫,૩૭,૭૯૧ ઇ-મેમો આપી અધધધ રૂ. ૨૫,૧૦,૬૮,૨૯૮નો દંડ ફટકાર્યો છે.

એસીપી ટ્રાફિકશ્રી વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક મંથ દરમિયાન ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજી તેમજ અકસ્માત એનાલિસિસ-૨૦૨૦ તથા ટ્રાફિક જાહેરનામાની બૂકલેટ પણ બનાવી મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાવ્યું હતું. આરટીપી-રાજકોટ ટ્રાફિક પોલીસ એપ્લીકેશનમાં પેપરલેસ, કોન્ટેકટલેસ, કેશલેસ સિસ્ટમ અપડેટ કરી તેના દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરાયો છે. આ પધ્ધતિથી કુલ ૮૦૧૮૦ કેસ કરી રૂ. ૪ કરોડ ૨૮ લાખથી વધુનો દંડ વસુલ કરાયો છે. આ ઉપરાંત એનસીના સ્થળ દંડ, આરટીપી, કોર્ટમા ચાલેલા કેસ, આરટીઓમાં ચાલેલા કેસ મળી કુલ ૧,૦૯,૧૨૮ કેસો કરી ૯૧,૪૯,૭૦૨નો દંડ અને ટોઇંગ-ક્રેઇનના ૨૫૮૯૧ કેસ કરી રૂ. ૧,૭૭,૭૩,૩૦૦નો દંડ મળીકુલ ૬,૯૮,૦૭૧૦૨ જેટલો દંડ વસુલાયો છે. આમ કુલ અગલ અલગ ૨,૧૫,૧૯૯ કેસ કરી રૂ. ૬,૯૮,૦૭૧૦૨નો દંડ વસુલ કરાયો છે.

આ ઉપરાંત સીસીટીવી મારફતે ઇ-મેમોના ૫,૩૭,૭૯૧ કેસ કરી ૨૫,૧૦,૬૮,૨૯૮ દંડ ફટકારાયો છે. જો કે આમાંથી બારેક ટકા જેટલા દંડની વસુલાત થઇ શકી છે. બાકીના ઇ-મેમો જે તે વાહન ચાલકે ભર્યા નથી.

ટ્રાફિક પોલીસે કોવિડ-૧૯ની બીજી લહેરમાં કોરોના સંક્રમણના લીધે ઓકિસજનનીઅછત ઉભી થતાં ઓકિસજન સિલીન્ડરની ગાડીઓ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ઓકિસજન પ્લાન્ટ સુધી પહોંચતી કરવા માટે ટ્રાફિક શાખા દ્વારા પાયલોટીંગ કરાયું હતું. તેમજ કોરોના વકરતો અટકે એ માટે શહેરના બ્લોકીંગ પોઇન્ટ, નાઇટ કર્ફયુની અસરકારક કામગીરી કરી હતી. 

શહેરમાં તા. ૧૮/૧/૨૧થી ૧૭/૨/૨૧ સુધી ૩૨મા માર્ગ સલામતિ મહિનાની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ રેલી પણ યોજાઇ હતી. આ ઉપરાંત રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થતાં ટ્રાફિક શાખાએ શાળા-કોલેજોમાં છાત્રોને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અંગે સમજ આપી હતી.  લોકસંવાદના કાર્યક્રમો પણ યોજી કુલ ૨૯ સ્કૂલના ૧૩૫૮ છાત્રોને ટ્રાફિક નિયમોની સમજ આપી હતી.

પોલીસ સંભારણા દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજી હતી. તેમજ ૨૨/૧૧ના રોજ વિશ્વમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. આ ઉપરાંત  ગુજરાત વાહન વ્યવહાર નિગમ લિ. જીએસઆરટીસી સાથે રહી ચેકીંગ ડ્રાઇવ રાખી ૪૧૦ વાહનોને ગેરકાયદે મુસાફરોની હેરફેર કરતાં પકડી લીધા હતાં. જેમાં ૩૦૧ ઇકો કાર, ૧૦૧ બસ સામે કાર્યવાહી થઇ હતી. અલગ અલગ ૪૬ જેટલી ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી હેડવાઇઝ કુલ ૨૦૫૧૦ કેસ કરાયા હતાં. ૧૩ રિક્ષા ડ્રાઇવ યોજી ૩૬૭ રિક્ષા ડિટેઇન કરાઇ હતી. ભીક્ષુકોને શોધવાની ડ્રાઇવમાં પણ ટ્રાફિક પોલીસે કામ કર્યુ હતું.

દર મહિનાના ચોથા બુધવારે પોલીસ કમિશનર દ્વારા યોજાતી રોડ સેફટી મિટીંગમાં સુચારૂ નિર્ણયો લઇ અકસ્માત ઘટાડવા પ્રયાસ કરાય છે. આ રીતે વર્ષ ૨૦૨૧માં અકસ્માતોમાં ૧૭.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય બાબત એ છે કે રાજકોટ શહેરને 'ગુજરાત રાજ્ય માર્ગ સલામતિ સલામતિ પારિતોષિક-૨૦૨૦-૨૧' પણ બંદરો અને વાહન વ્યવહાર વ્ભિાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો છે. શહેરમાં હાલ ૮ ઓવરબ્રીજ નવા બની રહ્યા હોઇ ટ્રાફિક ડાયવર્ઝન સહિતની બાબતોમાં અસરકારક કામ કરાયું છે. વર્ષ દરમિયાન સતત સ્કૂલ-કોલેજમાં ટ્રાફિક જાગૃતિના સેમીનાર યોજાતા રહે છે. હાર્ટ, લિવર, કિડની સહિતના અંગોનું ગ્રીન કોરીડોરથી ટ્રાન્સફર કરવાનું હોય તેમાં પણ ટ્રાફિક પોલીસ સતત કામગીરી કરે છે.

તેમ એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં ટ્રાફિક બ્રાંચ કામગીરી કરે છે. 

(3:14 pm IST)