Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે ધૂળેટીની રાતે બનાવઃ લોકોના ટોળેટોળા

ધૂમ બાઇકે બીજા બાઇકને ઉલાળતાં દંપતિ-ભત્રીજાને ઇજાઃ પત્નિની હાલત ગંભીરઃ ભત્રીજાનો પગ ભાંગ્યો

અવધના ઢાળીયા પાસે રહેતાં રસિકભાઇ, તેના પત્નિ પ્રેમિલાબેન અને ભત્રીજો મિતુલ શાકભાજી લઇ ઘરે જતા'તા ત્યારે બનાવ

તસ્વીરમાં બાઇક, રોડ પર ફેંકાઇ ગયેલા પ્રેમિલાબેન, હેલ્મેટ પહેરેલો ધૂમ બાઇકનો ચાલક તથા નીચેની તસ્વીરમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ પ્રેમિલાબેન, તેના પતિ રસિકભાઇ અને ભત્રીજો મિતુલ ઉર્ફ હાર્દિક જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે ધૂળેટીની રાતે ધૂમ બાઇકના ચાલકે બીજા બાઇકને ઉલાળી દેતાં આ બાઇકના ચાલક અવધના ઢાળીયા પાસે રહેતાં મુળ સંતરામપુરના યુવાન, તેના પત્નિ અને ભત્રીજા એમ ત્રણેય ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં યુવાનના પત્નિની હાલત ગંભીર છે. જ્યારે ભત્રીજાને પણ પગમાં ગંભીર ઇજા પહોંચી છે. બાઇક ચાલકને પણ ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ અવધના ઢાળીયા પાસે રહેતાં અને કંપનીમાં નોકરી કરતો મુળ સંતરામપુરનો રસિકભાઇ ચીમનભાઇ બાંભણીયા (ઉ.વ.૩૪) સાંજે પોતાનું બાઇક લઇ મોટા મવા શાકભાજી લેવા ગયો હતો. તેની સાથે બાઇકમાં તેની પત્નિ પ્રેમિલાબેન (ઉ.૩૨) તથા ભત્રીજો મિતુલ ઉર્ફ હાર્દિક સોમાભાઇ બાંભણીયા (ઉ.૧૮) પણ ગયા હતાં.

ત્રણેય શાકભાજી લઇને પાછા ઘર તરફ આવતાં હતાં ત્યારે ઇસ્કોન મંદિર પાસે જીજે૦૩એચએસ-૦૧૨૭ નંબરનુ આર વન-ફાઇવ બાઇક ફૂલ સ્પીડથી આવ્યું હતું અને રસિકભાઇના બાઇકને ઉલાળી દેતાં રસિકભાઇ, તેના પત્નિ અને ભત્રીજા રોડ પર ફંગોળાઇ જતાં ત્રણેયને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં રસિકભાઇના પત્નિ પ્રેમિલાબેનની હાલત ગંભીર છે. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ભત્રીજા મિતુલ ઉર્ફ હાર્દિકનો પણ પગ ભાંગી ગયો હતો.

અકસ્માત સર્જનાર આર વન ફાઇવ બાઇકનો ચાલક પણ રોડ પર ફેંકાઇ ગયો હતો. જો કે તેને ગંભીર ઇજા પહોંચી નહોતી. બાઇકનું એન્જીન ફાટી જતાં ઓઇલ રોડ પર ઢોળાઇ ગયું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે તાલુકા પોલીસને જાણ કરી હતી.

બાઇક ચાલકનું નામ ભુવન અવિનાશભાઇ દવે (ઉ.વ.૩૭-રહે. જીવનદીપ સોસાયટી-૧, પંચવટી પાર્ક)ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(12:20 pm IST)