Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ગુરૂવારે વિનામુલ્‍યે કોરોના વેકસીનેશન કેમ્‍પ

રાજકોટના જ્ઞાતિજનો સહિત સર્વજ્ઞાતિજનો અચૂક લાભ લ્‍યે : રસીકરણનો લાભ લેવા માટે રજીસ્‍ટ્રેશન જરૂરીઃ સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા સુધી મો.૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર રજીસ્‍ટ્રેશન પુરજોશમાં ચાલુ છે: મહાજન તથા રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે યોજાનાર કેમ્‍પમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ લોકો વેકસીન લઇ શકશેઃ ડોકટર્સની ટીમ પણ ખડેપગે રહેશે.

રાજકોટઃ તા.૩૦, વૈશ્‍વિક મહામારી જાહેર થયેલ કાળમુખા કોરોનાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્‍યુ છે અને રોજેરોજ હજારો લોકો કોવિડ-૧૯ના શિકાર બની રહયા છે અથવા તો અમુક લોકો મૃત્‍યુ પણ પામી રહયા છે.

કોરોનાથી બચવા માટે અને ઇમ્‍યુનીટી સિસ્‍ટમ્‍સમાં વધારો કરવા માટે કોરોના સામે રક્ષણ આપવા વેકસીનને એકમાત્ર રામબાણ ઇલાજ ગણાવાઇ રહયો છે. દરરોજ હજારો લોકો સરકારશ્રીની ગાઇડલાઇન્‍સ મુજબ સફળતા પૂર્વક વેકસીન લઇ રહયા છે.

વિશ્‍વનું સૌથી મોટુ લોહાણા મહાજન ગણાતુ રાજકોટ લોહાણા મહાજન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી તા.૧ એપ્રિલ ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા સુધી કેશરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્‍પિટલ સામેની શેરી, સંકિર્તન મંદિર પાસે, રાજકોટ ખાતે વિનામુલ્‍યે કોરોના વેકસીનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કેમ્‍પમાં રસીકરણનો લાભ લેવા માટે સવારે ૧૦ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા સુધી મો.૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર હાલમાં રજીસ્‍ટ્રેશન પુરજોશમાં થઇ રહયું છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ જ્ઞાતિના લોકો સરકારશ્રીની ગાઇડલાઇન્‍સ મુજબ વેકસીન લઇ શકશે અને રસીકરણનો લાભ લેવા ઇચ્‍છતા તમામ લોકો માટે રજીસ્‍ટ્રેશન ફરજીયાત હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતુ. વેકસીનેશનનો લાભ લેનાર વ્‍યકિતએ પોતાનું ઓરીજીનલ આધારકાર્ડ સાથે રાખવુ જરૂરી છે. રસીકરણ કેમ્‍પ દરમિયાન અનુભવી ડોકટર્સની ટીમ પણ ખડેપગે રહેશે. વધુ માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનની મુખ્‍ય ઓફીસ, મહિલા કોલેજ કાલાવડ રોડ અન્‍ડરબ્રિજ ઉપર, ભવાની ગોલા પાસે, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

(12:22 pm IST)