Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજકોટમાં રંગોના પર્વની ખુશી શોકમાં પરિણમિ

રજા હોઇ ત્રંબા નદીએ ન્‍હાવા માટે ગયેલા રામપાર્કના બે મિત્રોના ડૂબી જવાથી મોત

આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક રહેતાં બે પરિવારોએ બે જુવાનજોધ કંધોતર ગુમાવતાં ગમગીની : કુલ ૭ મિત્રો ન્‍હાવા ગયા'તાઃ તેમાંથી બે અર્જુન ભુવા (ઉ.વ.૨૫) અને કલ્‍પેશ પ્રજપતિ (ઉ.વ.૨૨) ડૂબી ગયા : સાથેનો નાનો ટાબરીયો ડૂબવા માંડતા તેને બચાવવા પાંચ ગયા, ટેણીયાને તો બચાવી લીધો પણ બીજા બે યુવાન ડૂબી ગયા : કલ્‍પેશ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ અર્જુનની સગાઇ થઇ ચુકી હતી

તસ્‍વીરમાં જ્‍યાં ઘટના બની તે નદી, મૃતદેહ બહાર કાઢી રહેલા યુવાનો અને બંને હતભાગી મિત્રોના નિષ્‍પ્રાણ દેહ જોઇ શકાય છે. તસ્‍વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

રાજકોટ તા. ૩૦: ધૂળેટીના રંગોના પર્વની ખુશી આજીડેમ ચોકડી પાસેના રામપાર્કના બે પરિવાર માટે શોકમાં પરિણમિ હતી. સાતેક મિત્રો ધૂળેટીની રજા હોઇ બપોર બાદ ગરમી થતી હોઇ ત્રંબા નજીક નદીએ ન્‍હાવા માટે ગયા ત્‍યારે એક ટેણીયો ડૂબવા માંડતા તેને બચાવવા પાંચ યુવાનો ગયા હતાં. ટાબરીયાને તો બચાવી લીધો હતો પરંતુ બીજા બે યુવાન મિત્રો પાણીમાં ગરક થઇ જતાં મોત બંનેના મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી નજીક માનસરોવર પાર્ક પાસેના રામપાર્ક-૪માં રહેતાં પાંચ સાત યુવાન ધૂળેટીની રજા હોઇ બપોર બાદ ન્‍હાવા માટે ત્રંબા નદીએ ગયા હતાં. જેમાં એક નાનો છોકરો ડૂબવા માંડતા તેને બચાવવા માટે પાંચ યુવાનો આગળ ધસી ગયા હતાં. ટાબરીયાને તો બહાર કાઢીને બચાવી લીધો હતો. પરંતુ બે યુવાન મિત્રો અર્જુન લક્ષમણભાઇ ભુવા (ભરવાડ) (ઉ.વ.૨૫) તથા કલ્‍પેશ જસ્‍મીનભાઇ ભુવા (પ્રજાપતિ) (ઉ.વ.૧૮) બંને પાણીમાં ગરક થઇ ગયા હતાં.

સાથેના યુવાનોએ દેકારો મચાવતાં ગામના તરવૈયા યુવાનો દોડી આવ્‍યા હતાં. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જો કે તેની ટીમ પહોંચે એ પહેલા ગામના તરવૈયાઓએ બંને યુવાનોને બહાર કાઢી લીધા હતાં. ૧૦૮ના ઇએમટી કાળુભાઇ અને પાઇલોટ રામભાઇ પણ પહોંચ્‍યા હતાં. ઇએમટીએ તપાસ કરતાં બંને યુવાનના મોત થયાનું જણાતાં આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એચ. એમ. જામંગ અને પરેશભાઇ ધાનાણી સહિતનો સ્‍ટાફ પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અર્જુન ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને પાંચેક વર્ષ પહેલા તેની સગાઇ થઇ હતી. તે ટ્રેકટરના ફેરા અને માલઢોરનું કામ કરતો હતો. જ્‍યારે તેનો મિત્ર કલ્‍પેશ બે બેહનનો એકનો એક નાનો ભાઇ અને માતા-પિતાનો આધારસ્‍તંભ હતો. તે ઇલેક્‍ટ્રીકના શો રૂમમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. રંગોનો તહેવાર બંને પરિવારોએ યુવાન કંધોતરો ગુમાવતાં શોકમાં પરિણમ્‍યો હતો.

(12:24 pm IST)