Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

દેશની શ્રેષ્ઠ MSMEની કેટેગરીમાં રાજકોટની વિસામન ગ્લોબ સેલસ લિ.ને એવોર્ડ એનાયત : એમ.ડી.ડો. મિતુલ વસા ઉપર અભિનંદન વર્ષા

કંપનીના વિચારદ્રષ્ટા પિતા સુરેશભાઇ વસાના વિઝનને પુત્ર ડો.મિતુલે સાર્થક કરી બતાવ્યુ : યંગ એન્ટરપ્રોન્યોર ઓફ ઇન્ડિયા ૨૦૨૧ એવોર્ડ પણ મળ્યો : ટૂંક સમયમાં આઇ.પી.ઓ લાવવાની તૈયારી

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુક્ષ્મ, લઘુ અને માધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને સફળતાના અનેક શિખર સર કરનાર રાજકોટની વિસામન ગ્લોબ સેલ્સ લિમિટેડ નામની કંપનીને દેશના શ્રેષ્ઠ MSMEની કેટેગરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટની કંપનીને આ ગૌરવપૂર્ણ એવોર્ડ મળ્યો તેના યશભાગી યુવા મેનેજિંગ ડીરેકટર ડો.મિતુલ વસા ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. આ પૂર્વે ડો.મિતુલ વસાને ઇન્ડિયન એચીવર્સ ફોરમ દ્વારા યંગ એન્ટરપ્રીન્યોર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

વિસામન ગ્લોબ સેલ્સ લિમિટેડ સ્ટ્રકચરલ સ્ટીલ સોલ્યુશન ક્ષેત્રે કાર્યરત છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો રેલ, રાજકોટ અને વડોદરાના બસપોર્ટ, મુન્દ્રા પોર્ટ, એરપોર્ટ, એરફોર્સ વગેરેને સ્ટીલ સપ્લાય કરી ચુકી છે અને ભવિષ્યમાં રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આવનારી મેટ્રો લાઈટ માટે પણ સ્ટીલ સપ્લાય કરવા માટે આશાવાદી છે.

વિસામન ગ્લોબ સેલ્સ લિમિટેડને શ્રેષ્ઠ એમએસએમઈનો એવોર્ડ જયુરી મેમ્બર કે.કુમાર અને ડી.જી. એચ.વેકરિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટેની પ્રક્રિયામાં રેટિંગ એજન્સી ટીકયુવી, બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ, સીએનબીસી-ટીવી ૧૮ ઉપરાંત બેન્ચમાર્ક ટ્રસ્ટ વગેરે જોડાયા હતા. ડો. મિતુલ વસાએ રાજકોટમાં છેલ્લાં ૧૬ વર્ષથી કાર્યરત અને પાંચ જુદા જુદા શહેરો ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોતાની ઓફીસ અને વેરહાઉસ ધરાવતી કંપનીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવા બદલ આયોજકોનો આભાર માન્યો છે.

ડો, મિતુલ વસાના સપનાની ઉડાન દ્યણી ઉંચી છે અને તેઓ આગામી થોડા સમયમાં આઈપીઓ પણ લાવવા જઈ રહ્યા છે.કેપિટલ માર્કેટમાં પ્રવેશવા માટેની પ્રક્રિયા પૂરી થઇ ગઈ છે અને થોડા સમયમાં જ વિસામન ગ્લોબ સેલ્સ લિમિટેડ બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જના એસ.એમ.ઈ.પ્લેટફોર્મ ઉપર જોવા મળશે.

વસા પરિવારના સુરાપુરા વિસામણદાદાના નામે આજથી ૧૬ વર્ષ પહેલાં કંપની સ્થાપી હતી અને આજે તે સ્ટ્રકચરલ સ્ટીલ સપ્લાયમાં માનભર્યું નામ ધરાવે છે. સખત મહેનત અને સ્માર્ટ વર્કનો કોઈ વિકલ્પ નથી તેવું દ્રઢપણે માનતા ડો.મિતુલ વસાએ જાત મહેનતથી કંપનીનો વિકાસ કર્યો છે અને આજે રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને મહેસાણામાં તેમની હાજરી બોલે છે અને ઇન્દોરમાં પણ ઓફીસ તથા વેરહાઉસ છે. હજુ આવતા સમયમાં કંપની વિસ્તરણની યોજના ધરાવે છે. કંપનીના વિચારદ્રષ્ટા સુરેશભાઈ ગુલાબચંદ વસાના વિઝનને પુત્ર ડો.મિતુલ વસાએ સાર્થક કરી બતાવ્યું છે. તેઓ માને છે કે, પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ કરવાને બદલે લોકો સ્ટીલનો વપરાશ વધારે તો પર્યાવરણને પણ ફાયદો થાય તેમ છે અને આ વાત તેઓ લોકોને સમજાવવાના સતત પ્રયાસો કરે છે.

ડો. મિતુલ વસાએ બીઝનેસ મેનેજમેન્ટમાં પીએચ.ડી. કર્યું છે અને તેમણે મેળવેલી સફળતાની ઉડાન આકાશને આંબતી હોવા છતાં તેઓ એટલા જ નમ્ર છે. તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે.

(1:26 pm IST)