Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

શેરીમાં ગાળો બોલવા મામલે ધોકા-પાઇપ ઉલળ્યા : ત્રણને ઇજાઃ સામ-સામી ૧૪ જણા સામે ફરિયાદ

હોળીની રાતે નાના મવા રોડ કરણ પાર્ક પાસે ડો. ભીમરાવ સોસાયટી નજીક બનાવ : અમદાવાદ અભ્યાસ કરતાં અને મોરબી રોડ પર રહેતાં રણધીર કટારીયા અને કરણ પાર્ક પાસે રહેતાં અશ્વિન પરમારની માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધીઃ રણધીર, અશ્વિન અને તેના માસી મંજુલાબેને સારવાર લીધી

રાજકોટ તા. ૩૦: નાના મવા રોડ પર કરણ પાર્ક પાસે ડો. ભીમરાવ આંબેડકર સોસાયટીમાં રહેતાં યુવાન અને અગાઉ અહિ રહેતાં તથા હાલમાં મોરબી રોડ પર રહેવા જતાં રહેલા યુવાન તથા તેના મિત્રો વચ્ચે ધોકા-પાઇપથી મારામારી થતાં ત્રણને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાતાં સામ-સામી ફરિયાદ નોંધાઇ છે. શેરીમાં ગાળો બોલવા મામલે અને બીજે રહેવા ગયા પછી પણ શેરીમાં આવવા મામલે આ માથાકુટ થઇ હતી.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે ઓમનગરમાં રહેતાં અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતાં રણધીર રૂપેશભાઇ કટારીયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી રિતીક પરમાર, વિશાલ મુકરી, રાહુલ ચોૈહાણ, સાગર મુકરી અને અશ્વિન પરમાર સામે ગુનો નોંધ્યો છે.

રણધીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હુંહોળીની રાતે સાડા અગિયારેક વાગ્યે મારા ઘર પાસે હતો ત્યારે એક ફોન આવ્યો હતો અને તેમાં મને ગાળો આપી ફોન કાપી નખાયો હતો. જેથી મને થયું કે રિતીક જ હશે. આ કારણે હું રાતે સાડા બારેક વાગ્યે તેની સાથે વાત કરવા માટે પામ વ્યુ એપાર્ટમેન્ટ પાસે ગયો હતો. જ્યાં રિતીક પરમાર, વિશાલ, રાહુલ, સાગર અને અશ્વિન હાજર હતાં.

એ પછી રિતીક અને અશ્વિન મારી પાસે આવ્યા હતાં અને ગાળો દેવા માંડ્યા હતાં અને કહ્યું હતું કે તું બીજે રહેવા જતો રહ્યો છો છતાં શા માટે અહિ આવ્યો છો?  મેં તેને ગાળો દેવાની ના પાડતાં બંનેએ ધોકાથી હુમલો કરી માર મારતાં મેં રાડારાડ કરતાં આ બંને ભાગી ગયા હતાં. સાગર અને રાહુલ તથા વિશાલે પણગાળો દઇ મુંઢ માર માર્યો હતો. ત્યાં મારા મિત્રો રાજ અને રાકેશ આવી જતાં આ ત્રણેય પણ ભાગી ગયા હતાં. મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

માથાકુટનું કારણ એ છે કે રિતીક અને અશ્વિન હું શેરીમાં નીકળુ તો ગાળો બોલતાં હતાં. જેથી અમે બીજે રહેવા જતાં રહ્યા છીએ. હું જુના વિસ્તારમાં ફરીથી નીકળતાં ખાર રાખી હુમલો કર્યો હતો.

સામા પક્ષે નાના મવા રોડ પર કરણ પાર્ક પાસે ડો. ભિમરાવ આંબેડકર સોસાયટીમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અશ્વિન કાંતિલાલ પરમાર (ઉ.વ.૩૦)ન ફરિયાદ પરથી રણધીર રૂપેશભાઇ કટારીયા, રાકેશ પરમાર અને રાજ વાઘેલા તથા બીજા ચાર અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

અશ્વિને ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે સાડા બારેક વાગ્યે હું તથા મારો ભાઇ રિતીક અને વિશાલ અમારી સોસાયટીના પામ વ્યુ એપાર્ટમેન્ટ પાસે બેઠા હતાં તયરે બાજુમાં રહેતો રણધીર અને રાજ વાઘેલા તથા રાકેશ અને બીજા ચાર જણા ટુવ્હીલરમાં આવ્યા હતાં. બધા પાસે પ્લાસ્ટીકના પાઇપ અને ધોકા હતાં. નીચે ઉતરી રણધીર, રાકેશ અને બે અજાણ્યા મને પાઇપ-ધોકાથી મારવા માંડતા મેં રાડારાડ કરતાં વિશાલ, રિતીક મને બચાવવા આવતાં બીજા અજાણ્યા શખ્સોએ પણ મને માર માર્યો હતો.

રણધીરે મને માથા પાછળ ઘા મારતાં લોહી નીકળી ગયા હતાં. મારા માસી મંજુલાબેન દોડી આવતાં મને બચાવ્યો હતો. માસીને પણ માથામાં રાકેશે મારી દેતાં તેમને પણ ઇજા થઇ હતી. ૧૦૮ મારફત અમને હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

રણધીર અમારી શેરીમાં રોડ પર અવાર-નવાર ગાળો બોલતો હોઇ જેથી મારા ભાઇ રિતીકે ગાળો બોલવાની ના પાડતાં તેને ગમ્યું ન હોઇ ખાર રાખી પોતાના મિત્રો સાથે આવી હુમલો કર્યો હતો. બંને બનાવમાં માલવીયાનગરના હેડકોન્સ. એ. જે. કાનગડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)