Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

હિરેને યુવતિનો હાથ પકડી 'મારે તારી સાથે લગ્ન કરવા છે' કહી પજવતા યુવતિના પરિવારે પગ ભાંગી નાંખ્યો

પેડક રોડ મીરા પાર્કમાં ધૂળેટીની રાતે ધબધબાટી સામ-સામી ફરિયાદઃ હિરેન સામે યુવતિના પિતાએ નિર્લજ્જ હુમલાની ફરિયાદ કરીઃ યુવાનના માતાની ફરિયાદ પરથી યુવતિના માતા-પિતા-ભાઇ સામે હુમલો કરવાનો ગુનો

રાજકોટ તા. ૩૦: પેડક રોડ પર મીરા પાર્કમાં ધૂળેટીની રાતે ઠાકોર યુવાનને પડોશમાં જ રહેતી યુવતિની પાછળ જઇ તેનો હાથ પકડી લઇ 'મારે તારી સાથે લગ્ન કરવા છે' કહી પજવણી છેડતી કરતાં દેકારો થતાં યુવતિના પિતા-માતા-ભાઇ આવી જતાં યુવાનને બેફામ ઢીકાપાટુનો માર મારી તેમજ પાઇપ ફટકારી એક પગ ભાંગી નાંખતા હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.  યુવતિના પિતાની ફરિયાદ પરથી આ યુવાન સામે છેડતીનો અને યુવાનના માતાની ફરિયાદ પરથી યુવતિના માતા-પિતા અને ભાઇ સામે હુમલો કરી ગંભીર ઇજા પહોંચડવાની સામ સામી ફરિયાદ પોલીસે દાખલ કરી છે.

બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં યુવતિના પિતાની ફરિયાદ પરથી પેડક રોડ મીરા પાર્ક-૩માં રહેતાં હિરેન ગોવિંદભાઇ સોલંકી સામે આઇપીસી ૩૫૪ (એ) (ડી), ૩૨૩, ૫૦૪ મુજબ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારી દિકરી ધૂળેટીની રાતે દસેક વાગ્યે ઘર નીક હતી ત્યારે ત્યારે હિરેને તેનો પીછો કરી હાથ પકડી લઇ છેડતી કરી હતી અને 'મારે તારી સાથે લગ્ન કરવા છે' કહી  પજવણી કરી હતી. દેકારો થતાં હું દોડી જતાં મને પણ હિરેને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત હિરેને ફોન કરીને મેસેજ કરી ગાળો દઇ, ધમકી દીધાનો આરોપ મુકાયો છે. પીએસઆઇ બી. બી. કોડીયાતર અને મુકેશભાઇ વધુ તપાસ કરે છે.  સામા પક્ષે પોલીસે પેડક રોડ મીરા પર્ક-૩માં રહેતાં લીલાબા ગોવિંદભાઇ સોલંકી (ઠાકોર) ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી પડોશમાં જ રહેતાં વલ્લભભાઇ કલોલા, તેનો પુત્ર કોૈશિક કલોલા અને પત્નિ રમાબેન કલોલા સામે આઇપીસી ૩૨૫, ૩૨૪, ૧૧૪, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

લીલાબા ફરિયાદમાં જણાવ્યું છે કે મારા દિકરા હિરેનને વલ્લભભાઇની દિકરી સાથે પ્રેમસંબંધ હોઇ જેથી હિરેનને વલ્લભભાઇએ વાત કરવા પોતાના ઘરે બોલાવ્યો હતો. હિરેન તેના ઘરે જતાં વલ્લભભાઇ, તેના પુત્ર અને પત્નિએ મળી મારા દિકરાને ગાળો દઇ પાઇપથી અને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. લોખંડના પાઇપના ઘાથી હિરેનને માથા, વાંસામાં ઇજાઓ થઇ છે અને તેનો જમણો પગ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિરેન બે બહેનનો એકનો એક નાનો ભાઇ છે અને એર કમ્પ્રેશરનું કામ કરે છે. હિરેન અને યુવતિ વચ્ચે ઘણા વર્ષથી ઓળખાણ હતી.

(3:15 pm IST)