Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રૂ. ૭૯નું પેટ્રોલ પુરાવી ૮૦ દીધા ૧ રૂપિયો પાછો લેવા માટે બઘડાટીઃ ફિલરમેનને ઘુસ્તાવી છરીથી ઘાયલ કર્યો

૮૦ ફુટ રોડ સોમનાથ પેટ્રોલ પંપ ખાતે ધૂળેટીની બપોરે ધબધબાટી : પેટ્રોલ પંપના કર્મચારી ભરતભાઇ ગોહેલની ફરિયાદ પરથી જંગલેશ્વરના અકરમ અને શાહનવાઝ સામે એટ્રોસીટી ધમકી સહિતની કલમો હેઠળ ભકિતનગર પોલીસની કાર્યવાહી : ૧ રૂપિયો પાછો આપી દીધો, લઇને જતો રહ્યો...થોડીવાર પછી બીજા શખ્સને લઇને આવ્યો અને 'કસ્ટમર સાથે ગેરવર્તન કેમ કર્યુ?' કહી ધમાલ મચાવી ધમકી દીધી

રાજકોટ તા. ૩૦: ધૂળેટીના દિવસે ૮૦ ફુટ રોડના પેટ્રોલ પંપ પર જંગલેશ્વરના એક શખ્સે રૂ. ૭૯નું પેટ્રોલ પુરાવી રૂ. ૮૦ ચુકવી ૧ રૂપિયો પાછો લેવા બાબતે માથાકુટ કરી બાદમાં જતાં રહી બીજા શખ્સ સાથે આવી ફિલરમેન યુવાનને માર મારી  તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે બંને સામે ગુનો નોંધી અટકાયતમાં લીધા છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે ગંજીવાડા મેઇન રોડ પર આશાપુરા ચોક શેરી નં. ૯માં રહેતાં અને સોરઠીયા વે બ્રીજ ૮૦ ફુટ રોડ પર સોમનાથ પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં ભરતભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી જંગલેશ્વર હુશેની ચોકના અકરમ અને શાહનવાઝ સામે આઇપીસી ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ભરતભાઇના કહેવા મુજબ ધૂળેટીના દિવસે બપોરે અઢી વાગ્યે હું નોકરી પર પેટ્રોલ પંપ ખાતે હતો ત્યારે ત્રણ સવાત્રણ વચ્ચે એક શખ્સ એકટીવા લઇ પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. મેં તેને કેટલાનું પુરવું છે? તેમ પુછતાં તેણે મને ૭૯ (ઓગણએંસી)નું ભરવું છે તેમ કહ્યું હતું.

આથી મેં તેને રૂ. ૭૯નું પેટ્રોલ ભરી આપ્યૂં હતું. એ પછી તેણે રૂ. ૮૦ આપ્યા હતાં. મેં તેને મારી પાસે ૧ રૂપિયો છુટો નથી તેમ કહેતાં તે જોર જોરથી કહેવા લાગ્યો હતો કે ન હોય તો એ તારો પ્રશ્ન છે. આથી હું અમારી ઓફિસના મેનેજર મુકેશભાઇ ચાવડા પાસે તેને લઇ ગયો હતો અને રૂ. ૧ પાછો આપી દીધો હતો. તેને સારું ન લાગતાં તે મને અને મુકેશભાઇને જેમ તેમ બોલીને 'તમને જોઇ લઇશ' કહી ગાળો દઇ જતો રહ્યો હતો.

થોડીવાર પછી આ શખ્સ બીજા એક શખ્સને લઇને આવ્યો હતો અને બંનેએ 'કસ્ટમર સાથે ગેરવર્તન કેમ કર્યુ?' કહી મારો કાંઠલો પકડી મને જ્ઞાતિ પુછતાં મેં જ્ઞાતિ જણાવતાં તે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો બોલવા માંડ્યો હતો અને મને ઢીકાપાટુનો માર મારવા માંડ્યો હતો. મેનેજર મુકેશભાઇ ચાવડા બચાવવા આવતાં  એક શખ્સે નેફામાંથી છરી કાઢી હતી અને વીંઝવા માંડતાં મને પેટ પડખામાં ઇજા થઇ હતી.

માણસો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. એ પછી ૧૦૮ મારફત મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ પછી મને જાણ થઇ હતી કે માથાકુટ કરનારા શખ્સો જંગલેશ્વરના અકરમ અને શાહનવાઝ છે. આ બંને જતાં જતાં ધમકી આપતાં ગયા હતાં કે મારી મા આવે એટલે તને જાનથી મારી નાંખશું. રૂ. ૧ બાબતે આ માથાકુટ બંનેએ કરી હતી. એએસઆઇ બી. પી. સોલંકીએ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધા છે.

(3:17 pm IST)