Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

શહેર ભાજપ પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરતા કમલેશ મિરાણીઃ ચોમેરથી શુભેચ્છા વર્ષા

પેજ પ્રમુખની કામગીરી નોંધનીયઃ પપ૦ થી વધૂ કાર્યક્રમો આપી સંગઠ્ઠન મજબૂત બનાવ્યું

રાજકોટ તા.૩૦ : શહેર ભાજપના પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરતા સફળતાના સુકાની કમલેશ મિરાણીને આજે ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષો દરમ્યાન કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપનું સંગઠ્ઠન ગુજરાતમાં નંબર વન તરીકે ઉભરી આવ્યું છે આ તકે કમલેશ મિરાણીએ છેલ્લા પાંચ વર્ષોમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના મંત્ર સાથે પાર્ટીનો વ્યાપ વધારવામાં સહભાગી થનાર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરેલ હતો.

શ્રી મિરાણીએ જણાવેલ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યકર્તાના અથાક પરિશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપાનો ભગવો લહેરાયો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર  રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી આરૂઢ થયા, લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉજળો દેખાવ કર્યો તેમજ હાલમાં સંપન્ન થયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 'ન ભુતો ન ભવિષ્યતિ'ના મંત્રને સાર્થક કરતા મહાનગરપાલિકાની ૭ર બેઠકોમાંથી ૬૮ બેઠકો પર જવલંત વિજય પ્રાપ્ત કર્યો.

તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પેજપ્રમુખ અને પેજસમિતિની કામગીરીમાં રાજકોટ શહેર ભાજપ સંગઠ્ઠન ગુજરાતભર સર્વપ્રથમ આવવાનું બહુમાન મેળવ્યું છે તેનો ગર્વછે. ઉપરાંત શહેર ભાજપ પ્રમુખપદના કાર્યકાળ દરમ્યાન શહેર ભાજપ દ્વારા વિકાસ પર્વ સંમેલન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રોડ-શો, ભારત માતા ગૌરવ કુચ, તીરંગા યાત્રા, નર્મદા અવતરણ, સૌની યોજના, રાજકોટ શહેરમાં ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ, અટલ સરોવર, આધુનિક બસ સ્ટોપ, ન્યુ રેસકોર્ષ, અનેક ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ અને કોરોનાની મહામારીમાં પાર્ટીના માધ્યમથી લોકસેવા કરવાનો એક અનેરો અવસર મળ્યો છે જે મારા કાર્યકાળના ઇતિહાસમાં યાદગાર સંભારણું બની રહેશે.

સોનેરી ક્ષણોના કાર્યકર્તાઓના માધ્યમથી સાક્ષી બનવાનું મને હંમેશા ગૌરવ રહેશે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ છે.

(3:22 pm IST)