Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઓબીસી સમુદાયની જાતિવાર જનગણના કરો : વડાપ્રધાનને આવેદન પાઠવતી પરિષદ

રાજકોટ, તા. ૩૦ :  ઓબીસી એકતા પરિષદે વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે આવનારા સમયમાં ર૦ર૧-ર૦રર માં ભારતમાં વસ્તી ગણતરી થવાની છે. જે જનગણનાં કાર્યક્રમમાં ઓ.બી.સી. સમુદાયની જાતિવાર જનગણના થવી જોઇએ તેવી માંગણી છે. દેશમાં જનગણનાં અધિનિયમનાં કાયદા મુજબ શેડયુઅલ કાસ્ટ, શેડયુલ ટ્રાઇબ તેમજ ધાર્મિક લઘુમતિની જનગણના કરવામાં આવે છે. પરંતુ ઓ.બી.સી. સમુદાયની વસ્તી દેશમાં સૌથી વધુ હોવા છતાં આજ દિન સુધી તેની જનગણના કરવામાં આવેલ નથી.

મંડલ કમિશનના રિપોર્ટમાં પણ ઓબીસીની જનગણના થવી જોઇએ તેવી ભલામણ કરવામાં આવેલ છે. હાલ ઓબીસીની સત્તાવાર વસ્તીના આંકડા ન હોવાને કારણે ઘણી બધી યોજનાઓ અને બજેટમાં કરવામં આવેલ છે. હાલ ઓબીસીની સતાવાર વસ્તીના આંકડા ન હોવાને કારણે ઘણી બધી યોજનાઓ અને બજેટમાં પર્યાપ્ત જોગવાઇ થઇ શકતી નથી. સુપ્રિમ કોર્ટે પણ ઓ.બી.સી.ની જનગણનાં ઉપર વિશેષ ભાર મુકેલ છે. અગાઉ સંસદમાં પણ રાજનાથસિંહે પણ જાતિવાર જનગણનાની ખાત્રી આપી હતી. છતાં પણ વસ્તી ગણતરીના ફોર્મમાં ઓ.બી.સી.ની જાતિઓનું કોલમ નથી. જેના કારણે ઓ.બી.સી. સમુદાયને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. દેશમાં ઘણા બધા રાજયોના મુખ્યમંત્રીઓએ પણ ઓ.બી.સી.ની જનગણના થવી જોઇએ તેવી માંગણી કરેલ છે. આ આવેદનપત્ર ઓ.બી.સી. એકતા પરિષદના સ્થાપક વેરસીભાઇ ગઢવીની આગેવાની હેઠળ પ્રજાપતિ સરવૈયા, એચ.ડી. પરમાર, રવિભાઇ ચૌહાણ, યુનુસુભાઇ સખા, અરવિંદભાઇ ગોહેલ, પ્રભાતભાઇ હુંબલ, નરેન્દ્ર રાઠોડ વિગેરેએ આપ્યું હતું.

(3:28 pm IST)