Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મંજુર... મંજુર... મંજુર... ૨૦૨૧-૨૨ના રૂ.રર૯૧.ર૪ કરોડના બજેટને જનરલ બોર્ડની મ્હોર

સૌનો સાથ રાજકોટનો વિકાસ : બજેટને વધાવતા પ્રદિપ ડવ : નવા વિસ્તારો માટે ખાસ જોગવાઇ, મહિલાઓને પ્રાધાન્ય, નવા બ્રીજ, પાણી, લાઇટ, નવા-બાગ બગીચા સહિતની જોગવાઇઓથી શહેરનો સર્વાંગી વિકાસ થશે : મેયર સહિત ભાજપના કોર્પોરેટરોએ ૨૦૨૧-૨૨ના ૨૨૯૧.૨૪ કરોડના બજેટને આવકાર્યુ : સર્વાનુમતે જનરલ બોર્ડની મંજુરી

વર્ષ ૨૦૨૧-૨૨માં મ.ન.પા.ના બજેટને આજે જનરલ બોર્ડમાં મંજુર કરાયું તે વખતની તસ્વીરમાં સભા અધ્યક્ષ મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, સેક્રેટરી હરીશ રૂપારેલીયા વગેરે ડાયસ પર બેઠેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ બજેટની વિગતો રજૂ કરી રહેલા તેમજ સ્ટેન્ડીંગના સભ્ય મનિષ રાડિયા, કોર્પોરેટર ભાનુબેન બાબરિયા, બજેટનો પ્રતિભાવ આપી રહેલા દર્શાય છે તથા સભાગૃહમાં ઉપસ્થિત ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : મ.ન.પા.ની વર્તમાન ટર્મની પ્રથમ સામાન્ય સભા આજે મળ્યું હતું. જેમાં મેયર પ્રદિપ ડવે આ બજેટ સૌના સાથથી રાજકોટના વિકાસને ચરિતાર્થ કરનારૂ ગણાવી અને આવું બજેટ આપવા અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

મેયરશ્રીએ સભાગૃહે સંબોધતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના વર્ષૅં ૨૦૨૧-૨૨નું નવા ભળેલા વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય તેમજ અન્ય વોર્ડમાં પણ સમતોલ વિકાસ અને જરૂરિયાત મુજબના અન્ય મોટા પ્રોજેકટ પર ભાર મુકતું તથા કરબોજ વગરનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.૨૨૯૧.૨૪ કરોડનું કદ ધરાવતું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ છે તેમજ કમિશનરશ્રીએ સુચવેલા બજેટના કદમાં રૂ.૧૫.૪૪ કરોડના વધારા સાથે નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે તે બદલ હું સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

વર્તમાન સમય અને ભાવી રાજકોટની સંભવિત રૂપરેખાને નજર સમક્ષ રાખી તૈયાર કરાયેલા આ બજેટની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આગામી સમયમાં જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવી બાબત જેમ કે, આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન, ગો ગ્રીન કન્સેપ્ટ, ઇલેકિટ્રક બસ અને ઇલેકિટ્રક કાર, ઈ-બાઈક ખરીદી પર પ્રોત્સાહન, નવા ગાર્ડન, ખાસ કન્સેપ્ટ સાથે વૃક્ષારોપણ, વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલ છે જે ગૌરવની બાબત છે.

શહેરની ટ્રાફિકની સમસ્યા ક્રમશઃ હળવી કરવા માટે હોસ્પિટલ ચોક થ્રી આર્મ ઓવરબ્રિજ અને લક્ષ્મીનગર અન્ડરબ્રિજની કામગીરી ગતિમાં છે તેમજ કેકેવી ચોક, રામાપીર ચોક, જડુસ ચોક નાનામવા ચોક ખાતેના ઓવરબ્રિજ માટેની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. જયારે આગામી વર્ષ ૨૦૨૧-૨૨ ના બજેટમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સોરઠીયાવાડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રાધે ચોકડી પાસે તથા કોઠારિયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખડદડી નદી ઉપર બ્રિજના નિર્માણ માટે જરૂરી બજેટ જોગવાઈ કરેલ છે.

નવા ભળેલા વિસ્તારોને પણ વિકાસ કાર્યોમાં પુરતો ન્યાય મળે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ ગહન અભ્યાસ કરી, રૂ.૫૬.૭૦ કરોડના વિવિધ કામો અને પ્રોજેકટ્સ બજેટમાં સામેલ કર્યા છે.

શહેરમાં ભળેલા નવા પાંચ ગામોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે અને  શહેરના આજી તથા ન્યારી ડેમ હેઠળના વિસ્તારોમાં વધતી જતી પાણીની માંગને પણ સંતોષવા આજી તથા ન્યારી ડેમ સાઈટ ઉપર એમ, બંને સ્થળોએ પ્રથમ તબક્કામાં ૭૫ MLD ક્ષમતાના WTPનું ત્યારબાદ બીજા તબક્કામાં ૭૫ MLD ક્ષમતાના WTPનું, એમ કુલ મળીને ૩૦૦ MLD ક્ષમતાના WTPનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત શહેરના બાકી રહેતા વિસ્તારોમાં હેડવર્કસ વાઈઝ એ.સી. પ્રેસર પાઈપલાઈન નેટવર્કને ડી.આઈ. પાઈપલાઈન નેટવર્કમાં તબક્કાવાર બદલવામાં આવનાર છે.

આ ઉપરાંત અગ્નિશામક સુવિધામાં સુધારણા, નવી બતી સુધારણા, સોલાર પ્લાન્ટ, હાઈમાસ્ટ લાઈટ, નવા બગીચા, પ્રાણી સંગ્રહાલય ડેવલપમેન્ટ, નવા રસ્તા, ટી.પી. રસ્તા, સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો, હોકર્સઝોન માર્કેટ, આરોગ્ય લક્ષી સેવા, સ્વચ્છતા વિગેરે માટે પુરતી જોગવાઈ કરવામાં આવેલ છે.

   ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી આવાસ યોજના માટે નવા આવાસો બનાવવાનું આયોજન

   રમતગમતને પ્રોત્સાહન માટે દરેક વોર્ડ વાઈઝ સાધનો ફાળવણીની જોગવાઈ

   રંગીલુ રાજકોટ સાંસ્કૃતિ નગરી ધ્યાનમાં રાખી દિવાળી કાર્નિવલ

   મેરેથોન

   જુદી જુદી રમતો માટે સ્પર્ધા

   રાષ્ટ્રીય પર્વની ઉજવણી

   સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની જોગવાઈ

   વિનામુલ્યે ચકલીના માળા અને કુંડા વિતરણ માટે રૂ.૩ લાખની જોગવાઈ રાખેલ છે.

   ગરીબ વર્ગના દર્દીઓને સહાયરૂપ થવાના હેતુથી સત્ય સાંઈ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ, શ્રી સદગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ, થેલેસેમિયા/ડાયાલિસીસ સારવાર, જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર માટે આર્થિક અનુદાન આપવાની જોગવાઈ કરેલ છે.

સ્થાયી સમિતિ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે અને 'સૌનો સાથ સૌનો વિકાસ'ના સૂત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે નવા કોઈ કર બોજ વગર શહેરના સર્વાંગી વિકાસ તથા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા આપવાની નેમ તથા નવા ભળેલ ગામોમાં પણ વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે. આવું વિકાસલક્ષી બજેટ આપવા બદલ સ્ટેન્ડિગ કમિટીને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. વિકાસને વેગ આપવામાં મળી રહેલા સહયોગ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારશ્રી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારશ્રીનો પણ હું આભાર વ્યકત કરૂ છું. શહેરના વિકાસમાં સૌ કોઈનો સાથસહકાર મળતો રહયો છે તે જ રીતે આગામી સમયમાં પણ શહેરને વિકાસ પથ પર આગળ ધપાવવામાં સહયોગ મળતો રહેશે તેવા વિશ્વાસ સાથે સૌ સભ્યશ્રીઓ સર્વાનુમતે બજેટને મંજુર કરાયું છે.

સને ૨૦૨૦-૨૧નું રિવાઇઝડ બજેટ અને સને ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર આજે શ્રી રમેશભાઈ છાયા સભાગૃહમાં મળેલ સામાન્ય સભાની બેઠકમાં રજુ કરતા હું આનંદની લાગણી અનુભવું છુ. રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક વખત પાંચ વર્ષ માટે ભાજપને સત્ત્।ા સુપ્રત કરી, શહેરીજનોએ, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને મુકત કંઠે આવકારી હોય તેવી પ્રતીતિ થાય છે. રાજકોટને નમુનેદાર શહેર બનાવવા માટે ભાજપે અત્યાર સુધી કરેલા પ્રયાસોને લોકોએ બિરદાવ્યા છે અને આ માટે સૌ શહેરીજનોનો આભાર વ્યકત કરું છું. ભારતીય જનતા પાર્ટી વતી સૌ શહેરીજનોને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે, અવિરતપણે આગળ ધપી રહેલા રાજકોટના વિકાસની પ્રક્રિયાને ભાજપ હજુ પણ વધુ ગતિ પ્રદાન કરવા કટિબદ્ઘ છે અને શહેરીજનોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરવા માટે શકય તમામ પ્રયાસો કરશે. વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારી નિયુકિત કરી, ભાજપે ફરી એક વાર મારા ઉપર જે વિશ્વાસ મૂકયો છે તેને હું ચરિતાર્થ કરવા પૂરતા પ્રયત્નો કરીશ.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન અને સાથસહકારથી રાજકોટ શહેરે અગ્રીમ હરોળનું બનવા તરફ આગળ દોટ મુકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આ વિકાસ પ્રક્રિયાને યથાવત જાળવી રાખવાના પડકારને ઝીલી લઇ આગળ ધપશે. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ નાણાકીય વર્ષૅં૨૦૨૧-૨૨નું કુલ રૂ.૨૨૭૫.૮૦ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અર્થે રજુ કરેલ હતું. કમિશનરશ્રીએ સુચવેલા બજેટમાં ગહન વિચારવિમર્શ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ બજેટના કદમાં રૂ.૧૫.૪૪ કરોડના વધારા સાથે નવી યોજનાઓ સામેલ કરી, કુલ રૂ.૨૨૯૧.૨૪ કરોડનું કદ ધરાવતું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ છે.

કમિશનરશ્રી દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ  પરત્વે સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની વિવિધ જોગવાઈઓની સમિક્ષા કરી, રાજકોટ શહેરની પરિસ્થિતિ, શહેરીજનોની જરૂરિયાતો, રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સમતુલા ધ્યાનમાં રાખી, જરૂરી ફેરફારો કર્યા છે, તેમજ કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં સામેલ કરી, લોકોની સુવિધાઓમાં વધારો થાય તેવો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીની દૂરંદેશીના ફળ સ્વરૂપે જ રાજકોટને સૌની યોજના, એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, મોડર્ન બસ પોર્ટ, વગેરે જેવી મહાકાય યોજનાઓ પ્રાપ્ત થઇ છે. આ સિલસિલો હજુ પણ યથાવત જ રહયો છે. શહેરની ટ્રાફિક સમસ્યા ક્રમશૅં હળવી બનાવવા અનેક બ્રિજ સાકાર થયા છે. તાજેતરમાં જ ૧૫૦ ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પરના ચાર બ્રિજનું ખાતમૂહુર્ત માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરાયું હતું. હવે આગામી વર્ષમાં સોરઠીયાવાડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રાધે ચોકડી પાસે તથા કોઠારિયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખડદડી નદી ઉપર બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે બજેટમાં રૂ.૧૮૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રસ્તા, ગટર, લાઇટ ઉપરાંત નવા બગીચા, નવા કોમ્યુનિટી હોલ સહિતના વિકાસકામોની જોગવાઇઓ કરાઇ છે.

અંતમાં પુષ્કરભાઇએ રાજકોટના શીલ્પીઓને યાદ કરતા જણાવેલ કે, ભૂતપૂર્વ મેયર સ્વ.શ્રી અરવિંદભાઈ મણીઆરથી શરૂ કરીને ઉતરોત્ત્।ર ભાજપના શાસનકાળ દરમ્યાન તમામ ભૂતપૂર્વ મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીઓ અને અન્ય તમામ પદાધિકારીશ્રીઓએ રાજકોટ શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવેલ છે તેને અહી યાદ કરી તેઓ પ્રત્યે સંપૂર્ણ આદર પ્રગટ કરૂ છું.        

આ તકે તેઓએ પૂર્વ મેયર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ મેયરશ્રી, ડે.મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્યશ્રીઓ, તમામ કમિટીના ચેરમેનશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, પક્ષના હોદ્દેદારશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, ઇલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડીયાના તમામ પ્રતિનિધિશ્રીઓ ઉપરાંત નગરજનો પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

મંઝીલ સે જરા કહ દો,

અભી પહુંચા નહી હું મૈં,

મુશ્કિલે જરૂર હૈ,

મગર ઠહરા નહી હું મૈં.

અંતમાં હું એટલું જરૂર કહેવા માંગુ છું કે, રાજકોટને સતત વિકાસશીલ બની રહે અને શહેરીજનોની સુખસુવિધાઓમાં ક્રમશૅં વધારો થાય, રાજકોટ રહેવાલાયક અને માણવાલાયક શહેર બની રહે તેવા આશય સાથે વર્ષ ૨૦૨૧-૨૨ ના બજેટને આખરી ઓપ આપેલ છે. મને એવી આશા છે કે, આજે જનરલ બોર્ડની આ બેઠકમાં સૌ સદસ્યશ્રીઓ સર્વાનુમતે બજેટને પસાર કરી શહેરની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપશે.

મનીષ રાડિયા

પૂર્વ બાંધકામ ચેરમેન અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મનિષભાઇ રાડિયાએ બજેટને આવકારતા જણાવેલ કે, બજેટમાં લાઇટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓની જોગવાઇની છણાવટ કરતા જણાવેલ કે, શહેરને ઝગમગતુ રાખવા મ.ન.પા. એલઇડી લાઇટનું મેન્ટેનન્શ, નવી લાઇટો નાંખવાને પ્રાધાન્ય આપી રહી છે. નવા જે પાંચ ગામો ભેળવાયા છે ત્યાં ૨૫૫૦ જેટલી નવી લાઇટો ફીટ કરી આ વિસ્તારોમાં રોશની ફેલાવી છે.

તેવી જ રીતે ૨૪ કલાક જે મહત્વની સેવા છે તેમાં ડ્રેનેજ છે જેનું નેટવર્ક આજે ૧૬૧ ચો.કિ.મી.માં ફેલાયુ છે. માત્ર ૧૦ ટકા કામ બાકી છે તેના માટે ૨૦૦ કરોડની જોગવાઇ છે.

મનીષભાઇએ જણાવેલ કે, મ.ન.પા. સોલાર પાવર પ્લાન્ટ સ્થાપી રહી છે. મ.ન.પા.ના બિલ્ડીંગોમાં સોલાર પાવર પ્લાન્ટ ચાલુ છે તેના થકી હાલના ૧૨૦૦૦ યુનિટ વિજળી ઉત્પન્ન કરી ૬૮ લાખની વિજ બચત થાય છે હજુ નવા પાવર પ્લાન્ટ માટે બજેટમાં જોગવાઇ કરાઇ છે.

ભાનુબેન બાબરિયા

વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ પૂર્વ મેયર સ્વ. અરવિંદભાઇ મણિયાર, કર્ણાટકના રાજ્યપાલ અને પાણીવાળા મેયરની ઉપમા ધરાવતા વજુભાઇ વાળાને યાદ કરી જણાવેલ 'જ્યાં માનવી ત્યાં સુવિધા' એ સૂત્ર આ વડિલોએ આપ્યું છે. જેને હાલમાં સતત ૪૦ વર્ષના શાસન બાદ પણ ભાજપે જાળવી રાખી શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ આપ્યું છે.

ભાનુબેને અહીં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ગત ચોમાસામાં ખોખડદડી નદીના બેઠા પુલમાં બોલેરો કાર તણાઇ ગયેલ જેમાં એક વ્યકિતનો જીવ ગયો હતો. આવી દુર્ઘટના ન બને તે માટે તેઓએ તથા વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટરોએ આ નદીના બ્રિજ બનાવવા રજૂઆત કરાયેલ. જે માટે બજેટમાં ૧૮ કરોડની જોગવાઇ કરાઇ છે તે ખરેખર તંત્રની સંવેદનશીલતા બતાવે છે.

આ ઉપરાંત ભાનુબેન નારી હાટ, મહિલા ગાર્ડન, નવા પાર્ટી પ્લોટની યોજનાઓ ગરબી - મધ્યમ વર્ગ અને મહિલાઓના સશકિતકરણને વેગ આપનારી હોવાનું ભાનુબેને જણાવેલ.

દેવાંગ માંકડ

વોર્ડ નં. ૭ના કોર્પોરેટર દેવાંગ માંકડે મતદારો અને ભાજપ મોવડી મંડળનો આભાર માની ફરીથી કોર્પોરેટ પદે સેવા આપવાનો મોકો મળ્યો છે તેને પુરી નિષ્ઠાથી બજાવવા ખાત્રી આપતા જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેવાના પાણી મોભે ચડાવી રાજકોટના આજી ડેમને ભરઉનાળે છલકાવી દઇ બહેનોના ઘરે સુધી નર્મદા નીર પહોંચાડયા છે. તે 'જબ હોસલે હો બુલંદ તો પહાડ ભી માટી કા ઢેર લગતા હૈ'ની જેમ મુખ્યમંત્રીશ્રીની રાજકોટ પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. તેમ જણાવી બજેટમાં એક પણ રૂપિયાનો પાણી વેરો વધાર્યા વગર ૩૧૫ કરોડનો ખર્ચ હોવા છતાં નવી પાણીની યોજનાઓ મુકી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. નવા વિસ્તારોને પાણી યોજના માટે ૫૭ લાખની જોગવાઇ પણ લોકઉપયોગી છે તેમ જણાવી પાણી બચાવવા અપીલ કરતા દેવાંગ માંકડે જણાવેલ કે 'આપણા દાદા એ નદીમાં પાણી જોયું, પિતાશ્રીએ કુવામાં જોયુ, આપણે નળમાં જોયું અને બાળકોએ બોટલોમાં જોવે છે ત્યારે ભવિષ્યમાં પાણી શેમાં જોશું ? તે સવાલ છે ત્યારે પાણી બચાવવું જરૂરી છે.'

આમ, મ.ન.પા.નું ૨૦૨૦-૨૧નું રિવાઇઝડ અને ૨૦૨૧-૨૨નું નવુ બજેટ વિપક્ષ કોંગ્રેસની સહમતીથી સર્વાનુમતે મંજુર થયેલ. ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટને પણ જનરલ બોર્ડે મંજુરી આપી હતી.

નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ

૧૮૦૦ લાખ

વેસ્ટઝોનના વોર્ડ નં.૧૨માં નવું ઇન્ડોર સ્ટેડીયમ

૬૦૦ લાખ

નવું ઓડિટોરિયમ

૬૦૦ લાખ

મહિલા હાટ

૧૦૦ લાખ

ત્રણેય ઝોનમાં મહિલા ગાર્ડન

૧૦૦ લાખ

થીમ બેઇઝ ચિલ્ડ્રન પાર્ક

૭૫ લાખ

ગો ગ્રીન કન્સેપ્ટ

૧૦૦ લાખ

મીયાવાંકી કન્સેપ્ટથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ

૧૫૦ લાખ

કોઠારીયા વિસ્તારમાં સી.સી. રોડ

૨૦૦ લાખ

વોંકળા પાકા કરવા

૩૦૦ લાખ

(4:23 pm IST)