Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

લોધીકાના માખાવડમાં માતા-પિતાની નજર પાંચ વર્ષના જયદિપનું મોતઃ ઠોકરે ચડાવી કાર પલ્‍ટી ગઇ

મુળ બાબરા ખીજડીયાનું દંપતિ માખાવડ રહી મજૂરી કરે છેઃ હટાણુ કરી પુત્રને લઇ વાહનમાંથી ઉતરી રૂમ તરફ જતા હતાં ત્‍યારે દિકરો ઠોકરે ચડી ગયોઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: લોધીકાના માખાવડ ગામે સાંજે માતા-પિતાની નજર સામે જ પાંચ વર્ષનો દિકરો કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. બાળકને ઠોકરે ચડાવ્‍યા બાદ કાર પણ પલ્‍ટી ખાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મુળ બાબરાના ખીજડીયા ગામે રહેતાં સંજયભાઇ લધુભાઇ ગોરાસવા અને તેના પત્‍નિ કાજલબેન-ભાવુબેન કેટલાક સમયથી માખાવડ રહી ગણેશ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે ફેક્‍ટરીમાં નોકરી કરે છે અને ફેક્‍ટરીની ઓરડીમાં જ રહે છે. તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ગઇકાલે સાંજે સંજયભાઇ અને પત્‍નિ પોતાના પુત્ર જયદિપ (ઉ.વ.૫)ને લઇને હટાણુ કરવા ગયા હતાં. વળતાં એક ખાનગી વાહનમાં બેસી માખાવડના રસ્‍તે ઉતર્યા હતાં.

દિકરો નીચે ઉતર્યો ત્‍યાં જ એક કાર નીકળતાં તે ગભરાઇ જતાં દોટ મુકવા જતાં ઠોકરે ચડી ગયો હતો અને ગંભીર ઇજા પહોંચી હતી. ઠોકરે ચડાવનાર કાર પણ પલ્‍ટી ગઇ હતી. પોતાની નજર સામે જ દિકરો અકસ્‍માતનો ભોગ બનતાં માતા-પિતા હેબતાઇ ગયા હતાં. તેમણે પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે લોધીકા પોલીસને જાણ કરી હતી. લાડકવાયાના મોતથી દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. લોધીકા પોલીસે કારચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી માટે તજવીજ કરી હતી.

(11:25 am IST)