Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મ.ન.પા. ચૂંટણી નજીક આવતા વોર્ડ નં. ૧૮માં બન્ને પક્ષ જશ ખાટવા દોડ્યા : શ્રધ્ધાપાર્કમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટ : મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીનો સમય નજીક આવતા ભાજપ -કોંગ્રેસ પક્ષ દ્વારા વિકાસ કામો માટે હોડ લાગી છે. જેનું ઉદાહરણ આજે જોવા મળ્યુ હતું. શહેરના વોર્ડ નં. ૧૮માં શ્રધ્ધાદીપ પાર્કમાં મેટલીંગ કામનું ખાતમુહૂર્ત બન્ને પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની વિગતો આ મુજબ છે.

ભાજપ : વોર્ડ નં.૧૮ના ભાજપનાં વોર્ડ પ્રમુખ સંજયસીંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરિયાના નેતૃત્વ હેઠળ શ્રધ્ધાદીપ સોસાયટી ખાતે રસ્તાનું મેટલીંગ કામ શરૂ કરાયું છે. આ પ્રસંગે ૭૦-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખાતમુહૂર્ત કરેલ અને કામ શરૂ કરાવ્યું હતું.આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તેમજ ૭૦-વિધાનસભાના પ્રભારી રાજુભાઈ બોરીચા રાજુભાઈ માલધારી, શૈલેષભાઈ પરસાણા, જયેશભાઈ પટેલ, રાકેશભાઈ રાદડિયા, એલીસ્ભાઈ રાઠોડ, મનસુખભાઈ ઠુમ્મર, હિતેશભાઈ લીંબાસીયા, દેવાયતભાઈ ડાંગર, સુરેશભાઈ ઢોલરિયા, મનોજભાઈ પાલીયા, પંકજભાઈ લખતરીયા, હેમંતભાઈ કપુરીયા, વિરલભાઈ ઈડા, લતાબેન ગોરસીયા, રીટાબેન કોકલ, પંકજભાઈ દોંગા, મનસુખભાઈ ટાંક, બકુલભાઈ વાઘેલા, દિનેશભાઈ બોરીચા, દિનેશભાઈ કીડીયા સહીત વોર્ડમાંથી અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહેલ.

કોંગ્રેસ : વોર્ડ નં.૧૮ના કોંગ્રેસનાં  વોર્ડ નં.૧૮ પ્રમુખ દીપકભાઈઘવાએ યાદીમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૮માં આવેલ ન્યુ શ્રદ્ઘાદીપ પાર્કમાં વર્ષોથી મેટલીંગ રોડ અને ડામર રોડની માંગણી હતી તેમજ કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપાના કમિશ્નર, સીટી ઈજનેર અને ડેપ્યુટી ઈજનેરશ્રીને અનેકવખત રજુઆતો કરેલ હતી તે રજૂઆતને અંતે સફળતા મળેલ છે તેમજ કોંગ્રેસના વોર્ડ નં.૧૮ના જાગૃત કોર્પોરેટરોએ વિસ્તારવાસીઓના પ્રશ્ને હરહંમેશ તાત્કાલિક ઉકેલ લાવવા સતર્ક રહ્યા છે.

ત્યારે આ ખાતમુહૂર્ત પ્રસંગે વિસ્તારવાસીઓએ કોંગ્રેસના કોર્પોરેટરોનો આભાર માન્યો હતો તેમજ કોંગ્રેસના કોર્પોરેટર નીલેષભાઈ મારૃં, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા અને મેનાબેન જાદવ દ્વારા વોર્ડ નં.૧૮ના અનેક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના વોર્ડ પ્રમુખ દીપકભાઈ ઘવા, કોર્પોરેટર નીલેષભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા અને મેનાબેન જાદવ, પ્રદેશ કોંગ્રેસ આગેવાન મયુરસિંહ જાડેજા, સ્થાનિક આગેવાનો શૈલેશભાઈ જાદવ, નરેશભાઈ ગઢવી, પરેશભાઈ લીંબાસીયા સહીત સ્થાનિક આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે વિસ્તારવાસીઓમાં લાગણીનું વાતાવરણ છવાયું હતું તેવું વોર્ડ પ્રમુખ દીપકભાઈ ઘવાએ જણાવ્યું છે.

(3:43 pm IST)