Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રૂડા વિસ્‍તારની ૧૬ વર્ષની છાત્રા ગૂમઃ અપહરણનો ગુનોઃ ધારી પંથકના કરણનું શકદાર તરીકે નામ

ચાર મહિના પહેલા બાળા પાસેથી મોબાઇલ મળ્‍યો ત્‍યારે તેણીએ કરણે આપ્‍યાનું અને પ્રેમ હોવાનું કહેલું: ૨૮મીએ સ્‍કૂલ બેગમાંથી રોકડ અને ચિઠ્ઠી મળ્‍યાઃ તેમાં પણ કરણનું નામઃ તાલુકા પોલીસની તપાસ

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ રૂડા-૧ વિસ્‍તારમાં ભાડેથી રહેતાં પટેલ પરિવારની ૧૬ વર્ષની દિકરી કે જે ધોરણ-૧૧માં ભણે છે તે બે દિવસ પહેલા ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થઇ હોઇ પોલીસને જાણ કરતાં સગીર ગૂમ થવાના કિસ્‍સામાં અપહરણનો ગુનો નોંધાયો છે. શકમંદ તરીકે એક શખ્‍સનું નામ અપાયું હોઇ તે અંગે તપાસ હાથ ધરાઇ છે. બાળા અને આ શકમંદ વચ્‍ચે અગાઉ પ્રેમ હોવાનું ખુલ્‍યું હતું. ૨૮મીએ તે ભાગી ત્‍યારે તેના સ્‍કૂલબેગના ડબ્‍બામાંથી ચલણી નોટો અને એક ચિઠ્ઠી પણ મળ્‍યા હતાં.આ બારામાં તાલુકા પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી કરણ નામના શકમંદ શખ્‍સ અથવા અન્‍ય અજાણ્‍યા સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો  નોંધ્‍યો છે. તેમણે પોલીસને જણાવ્‍યું છે કે મારે ત્રણ સંતાન છે. જેમાં એક પુત્રી ૧૬ વર્ષની છે જે ધોરણ-૧૧માં અભ્‍યાસ કરે છે. ૨૮/૯ના સવારે મારી આ દિકરી સ્‍કૂલે જવા માટે તેનું બેગ તૈયાર કરતી હતી ત્‍યારે તેની પાસેના પ્‍લાસ્‍ટીકના ડબ્‍બામાં મેં રૂા. ૫૦૦ના દરની નોટો જોતાં મેં ડબ્‍બો લઇ તપાસ કરતાં ચાર નોટો હતો. આ બાબતે મેં તેને પુછતાં તેણે બહેનપણીના સ્‍કૂલ યુનિફોર્મ લેવા માટેના પૈસા છે તેમ કહ્યું હતું. આથી મારા પત્‍નિએ તેની બહેનપણીને ફોન કરતાં તેણીએ પૈસા પોતાના નથી તેવું કહ્યુ઼ હતું.
આ કારણે મેં દિકરીને ઠપકો આપી રૂપિયા કોના છે? તે બાબતે પુછતાં તેણે મારા જ છે એવો જવાબ આપ્‍યો હતો. એ પછી ડબ્‍બો ચેક કરતાં એક ચિઠ્ઠી મળી હતી. જેમાં કરણ નામના છોકરાએ તેણીને આ ચિઠ્ઠી લખ્‍યાનું જણાયું હતું. આ બાબતે પુછતાં તેણે કહેલું કે આ ચિઠ્ઠી જુની છે, હવે મારે કરણ સાથે કોઇ સંબંધ નથી.
આશરે ચારેક મહિના પહેલા મારી દિકરી પાસેથી મોબાઇલ ફોન મળ્‍યો હતો. ત્‍યારે ફોન બાબતે પુછતાં તેને માધવ ગેઇટ પાસે સુખસાગરમાં જાનવી ઇલેક્‍ટ્રીક નામે દૂકાન ધરાવતાં કરણ આહિરે આપ્‍યાનું અને પોતાને તેની સાથે પ્રેમસંબંધ હોવાનું તેણીએ કહ્યું હતું. તે વખતે પણ અમે દિકરીને ઠપકો આપી કરણને બોલાવી તેના વાલીને જાણ કરતાં તે મુળ વતન ધારીનો હોઇ તેના સગા તેને પરત લઇ ગયા હતાં અને રાજકોટની દૂકાન પણ બંધ કરી દીધી હતી.અપહૃતના પિતાએ ફરિયાદમાં વધુમાં કહ્યું છે કે દરમિયાન હવે ૨૮/૯ના રોજ ફરીથી દિકરી પાસેના ડબ્‍બામાંથી રૂપિયા અને ચિઠ્ઠી મળ્‍યા હોઇ તે બાબતે તે સાચુ ન બોલતી હોઇ હવે તને ભણાવવી નથી અને સ્‍કૂલે નથી મોકલવી તેમ કહી સ્‍કૂલે જવા દીધી નહોતી. એ પછી હું નોકરીએ ગયો હતો. ત્‍યાં બપોરના ત્રણેક વાગ્‍યે મારા પત્‍નિએ મને ફોન કરી દિકરી ઘરેથી ક્‍યાંક જતી રહ્યાનું કહેતાં હું તરત ઘરે આવ્‍યો હતો અને તપાસ કરી હતી. કરણને તેના મોબાઇલ પર ફોન કરી પુછતાં તેણે પોતે જેતપુર હોવાનું અને તમારી દિકરી મારી પાસે નથી તેમ કહ્યું હતું. મારી દિકરી અને કરણ અગાઉ પ્રેમ કરતાં હતાં.
હાલમાં દિકરી ઘરેથી કહ્યા વગર નીકળ્‍યા બાદ ગૂમ હોઇ પત્તો ન મળતાં હવે ફરિયાદ કરી છે. તેણીએ ઘરેથી નીકળી ત્‍યારે બ્‍લેક ટ્રેક અને સફેદ ટીશર્ટ પહેર્યા હતાં. તે ઘઉંવર્ણી છે અને ઉંચાઇ આશરે પાંચ ફુટ છે. તે સ્‍કૂલ બેગ લઇને ગઇ છે. શકમંદ કરણ તેને લઇ ગયો કે બીજુ કોઇ અપહરણ કરી ગયું તેની અમને ખબર નથી. તેમ વધુમાં જણાવતાં પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. રાઠવાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

(2:10 pm IST)