Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ભુગર્ભ ગટરની અ..ધ..ધ.. ૨૧ હજાર ફરિયાદો : નિકાલમાં તંત્ર ઢિલુઢફ

ગટર છલકાવી - ચોકઅપ - રોડ પર ગંદકી સહિતની ફરિયાદોના ઢગલા : કોલ સેન્ટર ફરિયાદ નિકાલ સેન્ટરોમાં કોઇ જવાબો મળતાં ન હોઇ લોકરોષ

રાજકોટ તા. ૩૦ : શહેરમાં ચોમાસા દરમિયાન ભૂગર્ભગટરને લગતી ૨૧ જેટલી ફરિયાદો નોંધાઇ છે. જેમાંથી ૪૦૦ જેટલી ફરિયાદો પેન્ડીંગ હોઇ તંત્રની આ ઢિલી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત આંકડાકિય વિગતો મુજબ ચોમાસા દરમિયાન ભુગર્ભગટર ચોક અપ, રસ્તામાં ગટરની ગંદકી છલકાવી વગેરે જેવી ફરિયાદોનું પ્રમાણ વધે છે. આ વખતે અત્યાર સુધીમાં ૨૦,૮૯૯ જેટલી ફરિયાદો નોંધાઇ છે.

જેમાં રોડ પર ગંદુ પાણી વહેવાની ૧૫૩, મકાનોમાં ભુગર્ભના પાણી ઘુસી જવાની ૮,૭૪૮, મુખ્ય પાઇપ લાઇન ઓવરફલો થવાની ૧૧,૦૦૫, પાઇપ ગટરના મેઇન હોલ ઉભરાવવાની ૪૩૩ એમ કુલ ૨૦,૮૯૯ ફરિયાદો નોંધાઇ છે. જોકે તેમાંથી ૨૦,૫૦૮નો નિકાલ ચોપડા પર થઇ ગયો છે અને ૩૯૧ જેટલી ફરિયાદો પેન્ડીંગ છે.

પરંતુ આમ છતાં ફરિયાદના નિકાલમાં ભારે ઢીલાસ થતી હોવાની લોક ફરિયાદ ઉઠી છે અને કોલ સેન્ટર કે ફરિયાદ નિકાલ વિભાગમાં ફોન નહી ઉપડતા હોવાની ત્રણ - ચાર દિવસ સુધી કોઇ સફાઇ માટે નહી આવતું હોવાનું ચર્ચાય છે.

નોંધનિય છે કે, તાજેતરમાં જ ફરિયાદ નિકાલ માટે અદ્યતન ટેકનોલોજી ચાલુ થઇ છે ત્યારે તંત્ર વાહકો હકીકતમાં પણ ઝડપી ફરિયાદ નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.

(3:22 pm IST)