Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનો લોગો જાહેર : બહેનો પર અત્યાચાર-મોંઘવારી સામે લડત અપાશે : ગાયત્રીબા વાઘેલા

જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી હોવાના આક્ષેપો : પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં હસ્તે 'લોગો'નું અનાવરણ : મહામંત્રી શોભનાબેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાની આગેવાનીમાં બહેનોનું સંગઠન વધુ મજબૂત બનાવવા પ્રયાસો

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસનું પ્રતિક ચિન્હ (Logo) જાહેર કર્યો હતો. ભાજપ સરકારની મહિલા વિરોધી નિતી, મહિલાઓ પરના અંત્યાચાર અને મોંઘવારીથી જનતાની હાલાકી અંગે મહિલા કોંગ્રેસ આગામી સમયમાં વધુ મજબૂતીથી ગુજરાતમાં લડાઈ લડશે. ગેસ, ખાદ્ય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય - મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનુ મુશ્કેલ બની ગયું છે. સંગ્રહખોરો અને કાળા બજારને છુટ આપનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારી અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી શ્રીમતિ શોભનાબેન શાહ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા દ્વારા સંયુકત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. ''અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર'' જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે.

સલામત ગુજરાત ''બેટી બચાવો બેટી પઢાવો'' ના રૂપાળા નારા સાથે સત્તા મેળવનાર ભાજપા શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી. દેશમાં દરરોજ ૭૭ મહિલા બળાત્કારનો ભોગ બની રહી છે. ગુજરાતમાં ૪૮૬ બળાત્કારની ઘટના એ ભાજપ શાસનમાં કાયદો - વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિને ઉજાગર કરતા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી શ્રીમતિ શોભનાબેન શાહએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫,૧૫૭ મહિલા પર અત્યાચારની ઘટનાઓ, વર્ષ ૨૦૧૯માં ૧.૩૮ લાખ ઘટનાઓ, વર્ષ ૨૦૨૦માં ૩.૮૧ લાખ ઘટનાઓ ગુજરાતમાં બની હતી અને ૨૦૨૦માં દેશમાં ૨૮,૦૪૬ બળાત્કારની ઘટનાઓ બની, દેશમાં દરરોજ ૭૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બની, મહિલા વિરૂદ્ધ અપરાધની ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાયો છે તે ભાજપ શાસનની કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતીને ઉજાગર કરે છે.

છેલ્લા ૭ વર્ષમાં સતત વધતા જતા ખાદ્ય પદાર્થોના ભાવ, દવા - સારવારમાં ૪૦૦ ટકા થી ૧૬૦૦ ટકા, બેરોજગારી આસમાને, ભારે ટેક્ષ, સબસીડીનો લાભ નહિ, આર્થિક મંદી, નાના વેપારીઓને જી.એસ.ટી.ના નામે પરેશાની એ ભાજપ સરકારની ભેટ છે. છેલ્લા બાર મહિનામાં ઘરેલુ ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫૦ નો ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. ૧૦૦૦ની નજીક પહોંચી ગયુ છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. ૪૧૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય - મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધુ છે. સમગ્ર દેશમાં ડુંગળી, બટાકા, તુવેરદાળ સહિતની દાળોમાં અસહ્ય ભાવ વધારો થયો છે. દેશની મહિલાઓનું રસોડાનું અર્થતંત્ર ખોરવાયુ છે, કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ગેસ સીલીન્ડર, ખાદ્યતેલ, ખાદ્ય સામગ્રી, શાકભાજી તેમજ દાળ સહિત જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ ભાવ વધારો પાછો ખેંચી દેશની ગૃહિણી - મહિલાઓને સત્વરે રાહત આપવામાં આવે. તેમ પ્રદેશ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)