Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

હુ હુ હુ... રાજકોટમાં બેઠો ઠારઃ લોકો ઠુંઠવાયા

આજે ૯.૨ ડિગ્રીઃ ઠાર સાથે ફૂંકાતા કાશ્મીરી પવનોથી શહેરીજનો ઠુંઠવાયા : પશુ - પંખીઓની હાલત દયનીયઃ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં સ્ટ્રોંગ કોલ્ડવેવની અસરથી ૧૦ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો દોર જારી રહેશે : એન.ડી. ઉકાણી

રાજકોટ, તા. ૩૦ : સમગ્ર રાજય ઠંડીમાં ઠીંગરાયું છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે તેના ઠંડા પવનોની અસરથી સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઠંડીનો કહેર જારી રહેશે. હાલમાં સ્ટ્રોંગ કોલ્ડવેવની અસરથી ઠંડીનો કાતિલ દોર ચાલુ છે અને આગામી દિવસોમાં પણ રહેશે.

રાજકોટ શહેરમાં આજે ૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. પરંતુ બેઠા ઠારના લીધે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરના કાશ્મીરી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

અસહ્ય પ્રવર્તતી ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે. ગરમ પીણાનો સહારો લઇ રહ્યા છે.

હાલ રાજકોટમાં નોર્મલ લઘુતમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી ગણાય. આમ નોર્મલથી પાંચ ડિગ્રી નીચું તાપમાન છે એટલે કોલ્ડવેવ કહેવાય. આમ, શહેરમાં ગત રવિવારથી કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. અસહ્ય ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હોય શહેરીજનો ધ્રુજી ઉઠ્યા છે.

દરમિયાન હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધરએનાલીસ્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યુ હતું કે હાલમાં સ્ટ્રોંગ કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે.

દક્ષિણ ભારત અને પૂર્વ ભારતને બાદ કરતાં દેશભરમાં કાતિલ ઠંડીનો દોર છે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આગામી ૧૦ જાન્યુઆરી સુધી ઠંડીનો દોર જારી રહેશે. લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી આજુબાજુ અને દિવસનું મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી આસપાસ જોવા મળશે.

(3:35 pm IST)