Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કાલે રાજકોટ માટે ઉગશે સોનાનો સુરજઃ એઇમ્સની શિલાન્યાસવિધી

વડાપ્રધાનના હસ્તે ઇ-શિલાન્યાસ વિધી થશેઃ મુખ્યમંત્રી - રાજ્યપાલ - નાયબ મુખ્યમંત્રી - સાંસદો - ધારાસભ્યો - હાઇલેવલ અધિકારીઓ - ડોકટરો મહાનુભાવો સહિત ૬૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ : શાનદાર રીહર્સલ યોજાયુ : કલેકટરનું સ્થળ નિરીક્ષણ - મીટીંગ : ૧૨૦૦ કરોડના ખર્ચે ૨૦૦ એકરમાં ગરીબો માટે આશિર્વાદરૂપ હોસ્પિટલ બનશે

રાજકોટ તા. ૩૦ : ગરીબો - મધ્યમ વર્ગ માટે અત્યંત આશિર્વાદરૂપ ગણી શકાય તેવી સોનેરી ભેટ વર્ષના આખરી દિવસે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ - સૌરાષ્ટ્રને આપવા જઇ રહ્યા છે, કાલે વડાપ્રધાનના હસ્તે ૨૦૦ એકરમાં ૧૨૦૦ કરોડના ખર્ચે બનનારી એઇમ્સનું સવારે ૧૦ વાગ્યે ભવ્ય ઇ-ખાતમુહૂર્ત થશે અને આ સાથે રાજકોટને એક વર્ષમાં એઇમ્સ આપવાનું સપનું સાકાર થશે.

કાલે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે તે પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન પણ વર્ચ્યુઅલ જોડાશે, આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી - રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ તથા રાજ્યભરના સાંસદો, ધારાસભ્યો, વિવિધ સંસ્થા, એસો.ના મહાનુભાવો, આઇએમએ સહિતના હાઇલેવલ ડોકટરો, અગ્રણીઓ, હાઇલેવલ અધિકારીઓ સહિત કુલ ૬૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે એઇમ્સના સ્થળે વિશાળ ડોમ બનાવાયો છે.

દરમિયાન કાર્યક્રમ સંદર્ભે આજે સવારે ૧૦ વાગ્યે પોલીસ તંત્રે એરપોર્ટથી ખંઢેરી સુધીનું ભવ્ય રિહર્સલ કર્યું હતું, જેમાં સીએમની સિકયુરીટી અને તમામ અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો.

આ પછી કલેકટર શ્રી રેમ્યા મોહને સવારે ૧૦ાા વાગ્યાથી સ્થળ ઉપર વીઝીટ કરી જરૂરી સુચનાઓ - ફેરફારો કર્યા હતા અને તૈયારીઓને આખરી ઓપ સંદર્ભે તમામ અધિકારીઓ સાથે ખાસ મીટીંગ યોજી હતી.

એઇમ્સમાં જે જે બનનાર છે તેની વિગતો આપતા ડાયરેકટરશ્રી શ્રમદિપ સિન્હાએ જણાવ્યું હતું કે, ૭૧ હજાર ચો.મી. મીટરમાં ૭૫૦ બેડની હોસ્પિટલ બનશે, ૨૨ હજારથી વધુ ચો.મી. મીટરમાં મેડીકલ કોલેજ, નર્સીંગ કોલેજ, એડમીન બિલ્ડીંગ, ૨૫૦૦ ચો.મી. મીટરમાં કોન્ફરન્સ હોલ, ઓડીટોરીયમ આ ઉપરાંત નાઇટ હોલ્ટર, ૧૪ રૂમનું ગેસ્ટ હાઉસ, અન્ય વિવિધ કેટેગરીના આવાસ, પી.જી. હોસ્ટેલ, ૫૦૦ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ માટે યુ.જી. હોસ્ટેલ, ડાઇનીંગ હોલ, વર્કિંગ નર્સીંગ હોસ્ટેલ, નર્સીંગ છાત્રોની હોટેલ, શોપીંગ કોમ્પલેક્ષ, રેસ્ટોરન્ટ, સ્પોર્ટસ કોમ્પલેકસ નિર્માણ થશે.

એઇમ્સ માટે રૂડા સમક્ષ કુલ ૧૯ પ્લાનો મુકાયા છે, તેમાંથી ૯ મંજુર થયા છે, ૧૦માં સુધારા - વધારા થઇ રહ્યા છે, કુલ ૧ કરોડ આસપાસ ફી થશે, રૂડા અને સરકારે ૧ કરોડ ૧૯ લાખની ફી માફ કરી છે.

(3:32 pm IST)