Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

૩૧મી ડિસેમ્બરના આગલા દિવસે પ્યાસીઓનો જીવ બળી જાય તેવી કાર્યવાહી

છ મહિનામાં રાજકોટ પોલીસે ૫૦૦ કેસમાં પકડેલો ૩.૯ કરોડના દારૂનો નાશ કરાયો

ઝોન-૧ના ૨૫૬ કેસ, ઝોન-૨ના ૧૪૭ કેસ અને ક્રાઇમ બ્રાંચના ૯૭ કેસઃ કુલ ૭૮૬૪૬ નંગ દારૂ-બીયરની બોટલો-બીયરના ટીનના જથ્થા પર સોખડા પાસે બૂલડોઝર ફેરવી દેવાયું : અગાઉ ૬૬૦ ગુનામાં પોણા છ કરોડનો દારૂ-બીયર કબ્જે કરી નાશ કરાયો હતો

ત્રણ કરોડથી વધુના ગેરકાયદેસર દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેના દ્રશ્યો નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૩૦: આવતીકાલે ૩૧મી ડિસેમ્બર છે અને આ દિવસે છાંટોપાણી લેવાના શોખીનો બોટલની વ્યવસ્થા કરવા દોડધામ કરી રહ્યા છે ત્યારે તેના જીવ બળી જાય તેવી કાર્યવાહી શહેર પોલીસ તંત્રએ કરી છે. વર્ષ ૨૦૨૦માં શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનો અને ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા છ મહિનામાં પકડવામાં આવેલો અધધધ ૩ કરોડ ૯ લાખની કિંમતના દારૂ-બીયરનો આજે શહેરની ભાગોળે કુવાડવા રોડ પર સોખડા પાસે નાશ કરવામાં આવ્યો છે. પોલીસે એક વર્ષમાં કુલ ૫૦૦ દારૂના ગુના નોંધી આ દારૂ-બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

 રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર આયાત થયેલો અને પકડાયેલો વિદેશી દારૂ, બીયરના જથ્થાનો નાશ-નિકાલ કરવાનો હુકમ કોર્ટ દ્વારા થાય છે. દર વર્ષે આ કામગીરી કરવાની હોય છે. આ વર્ષમાં પકડાયેલા આવા દારૂ-બીયરના જથ્થાનો આજે સવારે અગિયાર કલાકે સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડીની વચ્ચે સરકારી ખરાબામાં નાશ કરાયો હતો.

શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૦માં છેલ્લા છ મહિનામાં શહેર પોલીસના અલગ-અલગ ઝોને દારૂ બીયર પકડ્યો હતો. જેમાં સોૈથી વધુ ઝોન-૧ હેઠળના પોલીસ સ્ટેશનોમાં પકડાયો હતો. ઝોન-૧માં દારૂના ૨૫૬ કેસમાં ૨૮૩૫૯ બોટલ-ટીન મળી રૂ. ૧,૦૫,૯૪,૪૫૧નો જથ્થો પકડાયો હતો.

જ્યારે ઝોન-૨ હેઠળના પોલીસ સ્ટેશનોમાં દારૂના ૧૪૭ કેસમાં ૪૦૧૬ બોટલ-ટીન રૂ. ૧૬,૬૩,૯૯૯નો જથ્થો કબ્જે થયો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ-ડીસીબી-એસઓજી પોલીસે દારૂના ૯૭ કેસમાં ૪૬૧૮૧ બોટલો-ટીનનો રૂ. ૧,૮૬,૫૫,૪૩૦નો જથ્થો પકડ્યો હતો.

આમ એક વર્ષમાં કુલ ૫૦૦ દારૂના કેસમાં ૭૮૬૪૬ બોટલો જપ્ત કરવામાં આવી હતી. તેની કિંમત રૂ. ૩,૦૯,૧૩,૮૮૦ થાય છે. આ તમામ દારૂ-બીયરનો જથ્થો જુદા-જુદા વાહનો મારફત ઉચ્ચ અધિકારીઓ અને જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમોની સીધી દેખરેખ હેઠળ સોખડાના સરકારી ખરાબામાં લઇ જવાયો હતો. જ્યાં વિશાળ પટમાં દારૂ-બીયરની બોટલો, બીયરના ટીનનો જથ્થો પાથરી દઇ બાદમાં તેના પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.

નોંધનીય છે કે અગાઉ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના સમયમાં ૬૬૦ ગુનાઓમાં કુલ ૧,૬૦,૩૧૧ બોટલ-ટીન રૂ. ૫,૭૦,૮૬,૪૦૪નો દારૂ કબ્જે કરી નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી વેળાએ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ, નશાબંધી આબકારી ખાતાના ઇન્ચાર્જ એ. જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં.

(2:39 pm IST)