Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટમાં કોરોના બેકાબુઃ આજે ૯ મોતઃ ૮૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીના રિપોર્ટ મુજબ ગઇકાલે ૩ પૈકી એક કોવીડ ડેથ થયુઃ સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૭૮૨ બેડ ખાલી : કુલ કેસનો આંક ૧૯,૦૦૧ એપહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૭,૮૩૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૪.૨૬ ટકા થયો

રાજકોટ,તા.૩૧: શહેર - જિલ્લામાં કોરોના છેલ્લા આઠ દિવસથી હાહાકાર મચાવી રહ્યો છે. ગઇકાલે ત્રણ મોત  નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૯નો ભોગ લીધો છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૮૦ કેસ નોધાંયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.૩૦નાં સવારનાં ૮ વાગ્યા થી આજે તા.૩૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૯ દર્દીઓના મોત નિપજ્યા હતા.

ગઇકાલે ૩ પૈકી એક મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૭૮૨ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૮૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૯,૦૦૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૭,૮૩૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૪.૨૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૪૪૨૩  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૬૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૭૧  ટકા થયો  હતો. જયારે ૧૨૩  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૭૨,૩૬૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૭,૮૩૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧ ટકા થયો છે.

(2:58 pm IST)