Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અગાસીએ કપડા સુકવતી વખતે એ.સી.ના કમ્પ્રેશરમાંથી વિજકરંટ લાગતા આગ લાગીઃ નીતાબેન રામાણી ભડથુ

હરિધવા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં જીવલેણ દૂર્ઘટના : બાજુની સ્કૂલના શિક્ષક ધૂમાડો જોઇ આગ બુઝાવવા ગયા પણ જીવ બચાવી ન શકયાઃ પરિવારમાં કલ્પાંત

તસ્વીરમાં ઘટના સ્થળ, એકઠા થયેલા લોકો, ૧૦૮, અગાસીએ નીતાબેનનો ભડથું થઇ ગયેલો દેહ તથા એ.સી.નું કમ્પ્રેશર અને ઇન્સેટમાં તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૩૧: હરિધવા મેઇન રોડ પર રાજલક્ષ્મી સોસાયટી પટેલ ચોકમાં રહેતાં મહિલા અગાસીએ કપડા સુકવવા ગયા ત્યારે એરકન્ડીશનના કમ્પ્રેશરમાંથી વિજકરંટ લાગતાં આગ ભભૂકતાં તેણી અગાસી પર જ ભડથું થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ જીવલેણ દૂર્ઘટનાથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ રાજલક્ષ્મી સોસાયટી-૧ પટેલ ચોકમાં રહેતાં નીતાબેન મીઠાભાઇ રામાણી (ઉ.વ.૫૦) નામના મહિલા અગાસી પર દાઝી જતાં ધૂમાડા નીકળતાં હોઇ બાજુમાં આવેલી સ્કૂલના શિક્ષકે કંઇક સળગ્યાનું સમજી બહાર આવી તપાસ કરતાં નીતાબેન સળગતાં હોઇ સ્કૂલમાં રાખેલા અગ્નિશામન સાધનથી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડ અને ૧૦૮ને પણ જાણ કરાઇ હતી. પરંતુ નીતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું ઇએમટી તબિબે જાહેર કર્યુ હતું.

બનાવની જાણ થતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા અને મયુરરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્યાં પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ નિતાબેન અગાસીએ કપડા સુકવવા ગયા ત્યારે એ.સી.ના કમ્પ્રેશરમાંથી વિજકરંટ લાગતાં ભડકો થતાં લપેટમાં આવી ગયા હતાં. ઘટના અકસ્માતે બની હોવાનું હાલ બહાર આવ્યું છે.

મૃત્યુ પામનારના પતિ મીઠાભાઇ રામાણીને યોગેશ્વર મેઇન રોડ પર કારખાનુ છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(3:00 pm IST)