Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રેલનગરના સંદિપસિંહએ બે મિત્રોને વ્યાજના ૯ લાખ અને ૫.૭૪ લાખ ચુકવ્યા છતાં વધુ ૭ અને ૯ લાખ માંગી ધમકી

ગંજીવાડાના કુલદિપ ખાચર તથા શ્વાતિ પાર્કના રાહુલ ગોહિલ સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: રેલનગર ટાઉનશીપમાં રહેતાં ગુજર્ર રાજપૂત યુવાને બે મિત્રો પાસેથી વ્યાજે લીધેલી રકમ સામે ૯ લાખ અને ૫,૭૪,૦૦૦ હજાર ચુકવી દીધા હોવા છતાં આ બંને વધુ ૭ લાખ અને ૯ લાખ માંગી સતત ધાકધમકીઓ આપતાં હોઇ બંને સામે પ્ર.નગર પોલીસમાં મનીલેન્ડ એકટ, ધમકી હેઠળ ગુનો નોંધાવ્યો છે.

આ બનાવમાં પોલીસે રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપ કવાર્ટર નં. ડી-૧૦૮માં રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં સંદિપસિંહ જગદિશસિંહ પરમાર (ગુર્જર રાજપૂત) (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ગંજીવાડામાં રહેતાં કુલદિપ ખાચર તથા કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં રહેતાં રાહુલ ગોહિલ સામે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમની કલમ ૫, ૪૦, ૪૨ તથા આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સંદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા વિધવા માતા તથા દાદી સાથે રહુ છું. દોઢેક વર્ષ પહેલા મારા મમ્મીના દાગીના આશરે વીસેક તોલા ઘરમાં પૈસાની જરૂર હોવાથી સ્વામિનારાયણ ચોકમાં આવેલી મુથુટુ ફાયનાન્સમાં ગિરવે મુકી તેના પર કટકે કટકે રૂ. ૮ લાખની લોન લીધી હતી. એ પછી એકાદ વર્ષ પહેલા મેં મિત્ર કુલદિપ ખાચરને વાત કરેલી કે અમે દાગીના મુકી મુથુટ ફાયનાન્સમાં આઠ લાખની લોન લીધી છે. જેથી તેણે રકમ ભરી ૨૦ તોલા સોનુ છોડાવી લીધું હતું. એ પછી હું આ રકમના કુલદિપને ૧૦ ટકા લેખે વ્યાજ આપતો હતો. એ પછી તેને રૂ. ૪ લાખ રોકડા આપ્યા હતાં.

કુલદિપે ૨૦ તોલામાંથી ૮ તોલા સોનુ મને પાછુ આપ્યું હતું. જે મારા સગા સંબંધીનું હોઇ તેને પાછુ આપી દીધું હતું. ત્યારબાદ વ્યાજના પૈસા ન હોઇ મેં પહેરેલો એક ચેઇન મિત્ર સ્વાતિ પાર્કના રાહુલ ગોહેલ પાસે ગિરવે મુકી ૬૫ હજાર લઇ કુલદિપને વ્યાજ ચુકવ્યું હતું. ફરીથી મારે જરૂર પડતાં રાહુલ પાસેથી રૂ. ૧,૬૫,૦૦૦ વધુ વ્યાજે લીધા હતાં. બાકીના ૧૨ તોલા સોનાના દાગીના કુલદિપ પાસે હોઇ તે છોડાવવા જતાં કુલદિપે હજી તારે વ્યાજ સહિત ૭,૦૦,૦૦૦ ચુકવવા પડશે પછી જ તારા દાગીના મળશે તેમ કહ્યું હતું અને રાહુલે મારી પાસે વ્યાજ સહિત ૯,૦૦,૦૦૦ માંગ્યા હતાં.

આ પછી આ બંનેએ વારંવાર વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. હું વ્યાજ ન ચુકવી શકુ તો મારી નાંખવાની ધમકી આપતાં હતાં. મેં બંને પાસેથી જે રકમ લીધી હતી તેમાંથી કુલદિપને રૂ. ૯ લાખ વ્યાજ સહિત અને રાહુલને રૂ. ૫,૭૪,૦૦૦ ચુકવી દીધા છે. છતાં બંને વધુ ૭ લાખન અને ૯ લાખ માંગી સતત ધમકીઓ આપતાં હોઇ રૂબરૂ તથા ફોન પર હેરાન કરતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી છે.

(12:50 pm IST)