Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ પાસે આવેલી દૂકાને બનાવ

ભંગારના વેપારી દિલીપભાઇને દૂધની ડેરી પાસે રહેતાં શખ્સોએ ધોકા ફટકારી હાથ ભાંગી નાંખ્યો

બે વર્ષ પહેલા વેંચેલા ભંગારના બાકી નીકળતાં પાંચ હજાર વેપારીએ ચિઠ્ઠી વગર આપવાની ના પાડતાં અફઝલ, જાવેદ, વાલીદ અને અજાણ્યાએ બઘડાટી બોલાવીઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: માધાપર ચોકડીએ રહેતાં અને રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ સામે ભંગારની દૂકાન ધરાવતાં વેપારીને દૂધની ડેરી પાસે રહેતાં શખ્સે બે વર્ષ પહેલા ભંગાર વેંચ્યો હોઇ તેના બાકી નીકળતાં ૫ હજારની ઉઘરાણી માટે ડખ્ખો કરી પોતાના ભાઇઓ સાથે મળી ધોકાથી ફટકારતાં હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા-૨માં રહેતાં અને લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ સામે પ્લાસ્ટીકના દાણા તથા એલ્યુમિનિયમ કોપર ભંગાર લે-વેંચનો ધંધો કરતાં દિલીપભાઇ શાંતિભાઇ સાપરીયા (કડીયા) (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતાં અફઝલ પારેખ, જાવેદ, વાલીદ અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫ (એ) મુજબ ગુનો નોંધ્યો છે.

દિલીપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે  દૂધની ડેરી પાસે રહેતો અફઝલ પારેખ બે વર્ષ પહેલા મારી દૂકાને આવી રૂ. ૨૩ હજારનો એલ્યુમિનિયમનો ભંગાર વેંચી ગયો હતો. જેમાંથી તેને ટુકડે ટુકડે મેં રૂ. ૧૯ હજાર આપી દીધા હતાં. આ બાબતે મેં તેને ચીઠ્ઠી લખી આપી હતી. દરમિયાન ૨૭મીએ હું મારી દૂકાને હતો ત્યારે અફઝલ આવ્યો હતો અને પોતાના આગળના ભંગારના બકી નીકળતાં રૂ. ૫૦૦૦ માંગ્યા હતાં. મેં તેને હિસાબની ચિઠ્ઠી આપવાનું કહેતાં તેણે ચિઠ્ઠી નથી તેમ કહી દીધું હતું. આથી મેં તેને ચિઠ્ઠી વગર  પૈસા ન મળે તેમ કહ્યું હતું.

તેણે આથી મને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં મંગળવારે ૩૦મીએ બપોરે અફઝલ, તેના ભાઇ  જાવીદ, વાલીદ તથા અજાણ્યો ફોરવ્હીલરમાં આવ્યા હતાં અને ધોકા સાથે ઉતરી તું કેમ પૈસા આપતો નથી કહી ગાળો દઇ ધોકા અને ઢીકાપાટુનો બેફામ માર મારવા માંડ્યા હતાં. દેકારો થતાં દૂકાનમાં કામ કરતાં માણસો આવી જતાં આ બધા ભાગી ગયા હતાં. મને ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. એકસ રે થતાં હાથમાં ફ્રેકચર હોવાનું નિદાન થતાં દાખલ કરાયો હતો.

પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)