Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

૧૧૧ લોકોના ૪ કરોડ ૭૭ લાખ ચાંઉ કરી જનારી મંડળીના સંચાલકો સામે અંતે કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાનો ગુનો નોંધાયો

સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ચેરમેન પ્રદીપ ડાવેરા, પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા તથા હિતેશ લુકકા સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : ૨૦૧૮થી ૨૦૨૦ સુધીમાં રોકાણ કરનારાઓએ ૧ લાખથી માંડી ૨૯ લાખ સુધીની રકમ ગુમાવી : શિતલ પાર્ક પાસે ધ સ્પાયર બિલ્ડીંગમાં બેસતી મંડળીની ઓફિસે સતત રોકાણકારો એકઠા થઇ રજૂઆતો કરતા'તા

રાજકોટ તા. ૩૧: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે ધ સ્પાયર બિલ્ડીંગમાં આવેલી આશિષ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સામે અંતે કાવત્રુ ઘડી રોકાણકારોને વાયદા આપી બહાના બતાવી મંડળીમાં રોકાણ કરવાથી ખુબ સારુ રીટર્ન મળશે તેવી લાલચો આપી અલગ અલગ ૧૧૧ ખાતેદારોના રૂ. ૪,૭૭,૦૦,૦૦૦ ચાંઉ કરી જવાનો ઓળવી જવાનો ગુનો મંડળીના સંચાલકો સામે દાખલ થયો છે.

આ બારામાં યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરસાણાનગર-૪માં રામદેવપીર મંદિર પાસે રહેતાં અને પ્રાઇવેટ નોકરી-સફાઇ કામ કરતાં રાજેશભાઇ જીવરાજભાઈ વાઘલા – વાલ્મીકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા અને હિતેષ લુક્કા સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એકટની કલમ ૩ મુજબ ગુનો દાખલ કરાયો છે.

રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે  હું પરીવાર સાથે રહું છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારી કમાણી માંથી રૂપીયાની બચત કરેલ હતી. આજથી દોઢેક વર્ષ પહેલા મને લલીતભાઇ પુનાભાઇ ઝાલા જે અમારી બાજુમાં રહેતા હોઇ તેણે મને જણાવેલ કે, સમય ટ્રેડીંગમાં એક સ્કીમ ચાલે છે, જેમાં શેરબજારમાં રોકાણ કરવાથી નફા ઉ૫૨ રોકાણના ૧૦ ટકા લેખે રિટર્ન દર મહિને મળશે. બાદ મેં મારા ઘરના સભ્યોને વાત કરી આ સમય ટ્રેડીંગમાં રોકાણ કરવાનું નકકી કરેલ હતું. મેં યશ બેંકમાંથી ૮,૪૫, ૦૦૦ની લોન લીધેલ હતી. એ પછી મેં લલીતભાઇને રોકાણ કરવાની વાત કરતાં તેણે મને ગ્રુપ લીડર જનકભાઇ પુનાભાઇ ઝાલાની ઓળખાણ કરાવેલ અને મને આ સમય ટ્રેડીંગમાં ચાલતી સ્કીમ બાબતે વાત કરેલ હતી. જેથી મેં બેંકમાં રૂપીયા ઉપાડી ગઇ તા. ૧૯/૧૨/૧૯ ના રોજ લલીતભાઇની ઓફીસ ફુલછાબ ચોક વર્ધમાન ચેમ્બર ખોડીયાર ચાની ઉપર આવેલ ત્યાં ગયેલ હતો અને મેં લલીતભાઇને રૂ. ૫,૦૦,૦૦૦નું આ સમય ટ્રેડીંગમાં રોકાણ કરવાનું કહેતાં તે મને ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેેન્જ પાસે આવેલ આકૃતિ બીજમાં આવેલ સમય ટ્રેડીગ નામની ઓફીસે ગયેલ હતા. બાદ ત્યાં જનકભાઇ ઝાલા હાજર હતા અને બાદ લલીતભાઇને રૂપીયા પાંચ લાખ આપતા ઓફીસમાં જમા કરાવેલ અને મને રોકાણ કરેલ હોય તેનુ કલાઇન્ટ ફોર્મ ભરી આપેલ હતું અને મને ત્યાં ઓફીસથી બંધન બેંક નો પ્રદીપભાઇ ખોડાભાઇ ડાવેરાનો ચેક રૂ.૫,૦૦,૦૦૦નો તા. ૧૯/૧૨/૨૦૨૦નો આપેલ હતો. મને ત્યાં જાણવા મળેલ કે, સમય ટ્રેડીંગ નું સંચાલન પ્રદીપ ભાઈ ખોડાભાઇ ડાવેરા કરે છે.

આ સમય ટ્રેડીંગમાં પાર્ટનર હિતેશભાઇ લુક્કા તથા દિવ્યેશભાઇ કાલાવડીયા  હોવાની જાણ પણ થયેલ હતી. બાદ દર મહિને રિટર્ન બાબતે આ લલીતભાઇ ઝાલા તથા જનકભાઇ ઝાલાને જાણ કરતા દર ત્રણ મહિને રિટર્ન આપવાની વાત કરેલ હતી. બાદ અવાર નવાર સમય આપતા હતા. મારા પિતા બિમાર હોઇ મેં પ્રદિપ ભાઇને વાત કરતા મારી રકમમાંથી માંડ એપ્રિલ-૨૦૨૦માં ૧ લાખ તેમની ઓફીસેથી પરત આપેલ હતા. એ પછી સમય ટ્રેડીંગની ઓફીસ તેમજ આ આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડની ઓફીસ ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિડીંગમાં પણ હોઇ  ત્યાં હું સતત ધકકા ખાતો હતો. પરંતુ મને કોઇ જવાબ મળતો નહી. એ પછી તપાસ કરતાં મને જાણવા મળેલ કે, અમારા વાલ્મીકી સમાજ ના ઘણા લોકો તથા અન્ય લોકોના રૂપીયા આ સ્કીમમાં રોકાયેલ છે અને તેમાંથી કોઇને રૂપીયા પરત મળેલ નથી.

અમારા સમાજના લોકોએ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં રોકાણ કરેલ હતુ. જેથી અમારા વાલ્મીકી સમાજ ના લોકો ભેગા મળી ગઇ તા.૦૫/૧૦/૨૦૨૦ તથા તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ અરજી ઓ કરેલ હતી. બાદ ગઇ તા. ૧૧/૧૧/૨૦૨૦ના રોજ  પ્રદીપ ખોડાભાઇ ડાવેરાએ અમારા સમાજના જે રૂપીયાનું રોકાણ થયેલ હોય તે રૂપીયા છ થી આઠ માસમાં પરત ચુકવી દેશે એમ વાત કરી લખાણ કરી આપેલ હતુ. પરતુ કોઇને આજ સુધી રૂપિયા પરત મળેલ નથી. મારા સમાજના લોકોએ આ જનકભાઇ ઝાલાની ઓ ફીસે રૂપીયા આપેલ હતા અને બાદ આ પ્રદીપભાઇની સમય ટ્રેડીંગ તથા સાંઈ સમય ટ્રેડીંગ ઓફીસમાં રૂપીયા જમા કરાવતા હતા. આ પ્રદીપભાઇ તેમના ખાતાના તથા સમય ટ્રેડીંગ અને સાંઇ સમય ટ્રેડીંગના ચેકો આપતા હતા. તેમજ  શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિડીંગમાં આવેલ આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ નામની ઓફીસ ચાલુ કરેલ હતી. જેમાં પણ અમારા સમાજના લોકો રૂપીયાની એફ.ડી. કરાવતા હતા. અમારા સમાજના લોકોના રૂપીયા સ્કીમમાં રોકી પરત આપેલ નથી. આ લોકો રૂપીયા બાબતે સમય આપે છે. આ અમારા સમાજના લોકો તથા અન્ય સમાજના લોકોના રૂપીયા આ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગમાં રોકાણ થયેલ તેમાં એજન્ટ તરીકે હિતેશભાઈ લુકકા તથા જનકભા ઇ ઝાલા તથા લલીતભા ઇ ઝાલા તથા પારીતોષભા ઇ ઝાલા તથા કાર્તિકભાઇ ઝાલા તથા પાર્થભાઇ ઝાલા તથા દિપકભાઇ પટેલ તથા અશોકભાઇ કાલરીયા  છે.

આ કમિશન એજન્ટોએ અમારા સમાજના લોકો પાસેથી રૂપીયા લઇ આ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગમાં રોકાણ કરેલ છે. અમારા સમાજના લોકો તથ અન્ય લોકોએ આ આશીષ ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટી લીમીટેડ અલગ અલગ રૂપીયાની એફ.ડી. લીધેલ હોઇ અને અમારા સમાજના અલગ અલગ એકાઉન્ટ ખોલાવી એફ.ડી. કરાવેલ હોઇ જેથી સમાજના લોકોની એફ.ડી, વિથડ્રો કરવી હોય તેમ છતા આ આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ચેરમેન પ્રદીપભાઇ ડાવેરા નાઓએ એફ.ડી. ના રૂપીયા પરત આપતા નથી. જેથી આ આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ ના ચેરમેન પ્રદીપ ભા ઇ ડાવેરા તથા પાર્ટનર હિતેશભાઇ લુકા તથા દિવ્ય શભાઇ કાલાવડીયા  અમારા સમાજના એફ.ડી. ના રૂપીયા પરત આપતા નથી.

 આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ચેરમેન પ્રદીપભાઇ અમારા સમાજના લોકોના ફોન ઉપાડતા ન હોઇ અને કોઈ જવાબ આપતા નથી. જેથી અમારા સમાજના લોકોએ ભેગા થઇ ફરિયાદ કરી છે. જેમાં મારા (ફરિયાદી રાજેશભાઇના) રૂ. ૪,૦૦,૦૦૦ તથા બીજા ૧૧૦ લોકોના ૪,૭૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૭૭,૦૦,૦૦૦ આરોપીઓ ઓળવી ગયા હોઇ અમે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં  ૧૧૦ રોકાણકારોએ કેટલી કેટલી રકમ ગુમાવી તેની વિગતો પણ સામેલ છે.

પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એ. બી.વોરા સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

(3:04 pm IST)