Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકીય અગ્રણી આરીફ ચાવડા મર્ડર કેસમાં આરોપી અબ્દુલ ખૈબરની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૩૧ :. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર રાજકીય અગ્રણી આરીફ ચાવડા મર્ડર કેસમાં જેલ હવાલે રહેલ વકીલ આરોપીને હાઈકોર્ટએ જામીન મુકત કર્યા બાદ વધુ એક આરોપી અબ્દુલ ઓસમાણભાઈ ખૈબરને રાજકોટના સેશન્સ જજે જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો આરોપીઓ અગાઉ તેઓના ઘર આગળ ડેરીમાં છાસ તથા બગડેલ પનીરનું ઉત્પાદન કરી વેચતા હોય જેથી ફરીયાદી તથા મરણ જનાર આરીફ ચાવડા તથા સોસાયટીના સભ્યોએ વાંધો ઉપાડતા મનદુઃખ ચાલતુ હોય જેથી ફરીયાદી તથા મરણ જનાર ગાળો નહીં બોલવા માટે આરોપીઓને સમજાવતા હવે તમને પુરા કરી નાખવા છે તેમ કહી બે આરોપીઓએ ગુજરનારને પકડી રાખી અને બે આરોપીઓએ છરીના ઘા મારી ઢીકાપાટુનો માર મારતા ફરીયાદી વચ્ચે છોડાવવા જતા તેેને પણ ઢીકાપાટુનો મુંઢ માર મારી મરણ જનારને રોડ ઉપર ઢસડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ એક સંપ કરી કાવતરૂ રચી મારા મારી કરી મરણ જનારને ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ગુજરનારના ભાઈ મુસ્તાક હુસેન ચાવડાએ તેના જ ઘર પાસેના રહીશ આરોપીઓ (૧) વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખૈબર (૨) રમીજ ઉર્ફે બાબો ઈકબાલભાઈ ખૈબર (૩) અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખૈબર (૪) ઈકબાલ ઓસમાણભાઈ ખૈબરનાઓ વિરૂદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી અબ્દુલ ઓસમાણભાઈ ખૈબરે રેગ્યુલરે જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી.

એડવોકેટ ફળદુની દલીલ સાથે અત્રેની અદાલત સહમત હોય હાલના આરોપીના કપડા પર ગુજરનારનું બ્લડ મેચ થતુ હોવાનું અને આ આરોપીને ઈજા થયેલ હોવાનું જે અગાઉના આરોપીમાં તેવું ન હોવાથી આરોપીનો મેજર રોલ હોવાની સ્પે. પીપીની દલીલ સાથે અદાલત સહમત નથી હાઈકોર્ટના હુકમને લક્ષે લેતા હાલના અરજદારને પેરીટી લાગુ પડતી હોય અરજદારની તરફેણમાં વિવેક બુદ્ધિ સત્તાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપી અબ્દુલભાઈ ખૈબર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:05 pm IST)