Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કોરોના સારવારની મેડીકલેઇમની રકમ નહિં ચુકવતાં વિમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૧: કોરોના સારવાર અંગેના મેડીકલેઇમની પુરી રકમ એચ.ડીએફસી એર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ લી. એ નહિ ચુકવતા ગ્રાહક ફોરમમાં ફરીયાદ થયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના રહેવાસી છગનભાઇ પ્રેમજીભાઇ સાવલીયાએ તેઓને કોરોના પોઝીટીવ આવતા રાજકોટ શહેરની જયનાથ કોવીડ હોસ્પિટલમાં દાખલ થઇ કોરોનાની સારવાર લીધેલ. છગનભાઇ સાવલીયાએ એચડીએફસી એર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ લી. હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ ભરી કાયદેસર રીતે હેલ્થ ઇન્સયોરન્સ મેળવેલ હતો. આમ, છગનભાઇ સાવલીયાએ પ્રીમીયમ ભરી વીમો લીધેલ હોય તેઓને જયનાથ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ કોરોનાની સારવાર અંગેના બીલની મુજબની રકમનો કલેઇમ વિમા કંપની સમક્ષ નોંધાવેલ અને જરૂરી તમામ મેડીકલ બીલ અને રીપોર્ટ વીમા કંપનીમાં રજુ કરેલ.

એચડીએફસી એર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ લી. સમક્ષ સારવાર ખર્ચ રૂ. ૧,રપ,પ૮૧/- ની રકમ મળવા રજુ કરવામાં આવેલ મેડી કલેઇમ પૈકી વીમા કંપની તરફથી પુરી રકમ ચુકવવાને બદલે રૂ. ૪ર,ર૮૧/૦૦ જેટલી મોટી રકમ કોરોના ગાઇડ લાઇન બહારની છે તેવું કારણ દર્શાવી ઓછી ચુકવેલ. જયનાથ હોસ્પિટલ તરફથી એવું જણાવવામાં આવેલ કે હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ બીલ કોરોનાની ગાઇડ લાઇન મુજબનું જ છે અને હોસ્પિટલે ગાઇડ લાઇનથી વધારે કોઇ રકમ મેળવેલ નથી. આમ, વીમા કંપની અને હોસ્પિટલની પોત પોતાની સાઇડથી કોરોના અંગેની સરકાર તરફથી આપવામાં આવેલ ગાઇડ લાઇનનું અર્થઘટન કરતા છગનભાઇ સાવલીયાને રૂ. ૪ર,ર૮૧/૦૦ મળેલ નહિં. જેથી તેઓએ રાજકોટના એડવોકેટ શ્રી નિલેશ જી. પટેલ મારફત અહીંના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ એચડીએફસી એર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ લી. તથા જયનાથ કોવીડ હોસ્પિટલ સામે ફરીયાદ દાખલ કરી મેડી કલેઇમની જે રકમ ચુકવાયેલ નથી તે રકમ વીમા કંપની ચુકવે અથવા હોસ્પિટલે કોરોનાની ગાઇડ લાઇન કરતા વધુ રકમ મેળવેલ હોય તે રકમ પરત આપે તેમજ ફરીયાદ ખર્ચ અને ફરીયાદીને થયેલ માનસીક, શારીરીક અને આર્થીક રીતે થયેલ નુકશાની પેટે વળતર અને ફરીયાદ ખર્ચ સહીત વસુલ આપે તે મતલબની ફરીયાદ રજુ કરેલ છે. આ ફરીયાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ રોકાયેલા છે.

(3:12 pm IST)