Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

છેડતી અને દારૂના ગુનામાં ૬ વર્ષથી ફરાર શૈલેષ અને અનીલ તથા કેયુર ઉર્ફે જીગર ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે ત્રણેયને અલગ અલગ સ્થળોએથી પકડી લીધા

રાજકોટ તા. ૩૧: કુવાડવા વિસ્તારમાં સગીરાની છેડતીના ગુનામાં છ વર્ષથી ફરાર બે અને વિદેશી દારૂના ગુનામાં સામેલ એક શખ્સને અલગ અલગ સ્થળેથી ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. એમ. ધાખડા તથા તાલુકા પોલીસ મથકના એન. ડી. ડામોર, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ, શકિતસિંહ, પ્રદીપસિંહ, જયદીપસિંહ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે બે અલગ-અલગ ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા. જેમાં કુવાડવા પોલીસ મથકનાં નોંધાયેલ વાડી વિસ્તારમાં લાકડા વીણતી સગીરાની છેડતી કરી અડપલા કરવાના ગુનામાં સામેલ શૈલેષ રૂમાલભાઇ ગણાત્રા (ઉ.વ. ર૬) (રહે. નવા જસાપર તા. આટકોટ મૂળ તડવી ફળીયા છોટીપાલ ગામ, મધ્ય પ્રદેશ) અને અનીલ પાંચાભાઇ દેવરકીયા (ઉ.વ. ર૮) (રહે. માજોઠ ગામ તા. ધ્રોલ મૂળ છોટીયાલ ગામ મધ્ય પ્રદેશ) બંનેને સરધાર નજીકથી પકડી લીધા હતા.

જયારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ રપ બોટલ વિદેશી દારૂના ગુનામાં સામેલ કેયુર ઉર્ફે જીગર મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. ૩પ) (રહે. સી-ર૦૮-મેઘા આર્કેટ, ન્યુ રાણીપ, ચેનપુર અમદાવાદ મૂળ વિસલપુર અમદાવાદ)ને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધા હતા.

(3:14 pm IST)