Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ચાર-પાંચ નહિ...૪૦ ચોરીઓમાં સંડોવાયેલા અર્જૂન અને હીરો ચોરાઉ વાહનો સાથે પકડાયા

ચોરાઉ બાઇક લઇ પ્રદ્યુમન પાર્ક પાસે હાથફેરો કરવાના ઇરાદે નીકળતાં ઝપટે ચડ્યાઃ વધુ એક બાઇક અને સાઇકલ કબ્જેઃ રાજકોટ શહેર, જીલ્લા, ગોંડલ, ઉપલેટા, જુનાગઢ, જામજોધપુરમાં ચોરીઓ કરી'તી : હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કરણભાઇ મારૂની બાતમી : અર્જૂને અમદાવાદથી સાઇકલ ચોરી, ત્યાંથી ચલાવીને છેક રાજકોટ પહોંચ્યો'તો! :નહિ નોંધાયેલી અન્ય ચાર ચોરીઓની પણ કબુલાત

રાજકોટ તા.૩૧: શહેર ક્રાઇમ બ્રાંચે બે રીઢા ગુનેગાર સંત કબીર રોડ પર ઢોળા પાસે તથા વિજય પ્લોટ-૨૫ એમ બંને સ્થળે રહેતાં અર્જૂન જયંતિભાઇ સોલંકી (ઉ.૨૫) તથા સંત કબીર રોડ ઢોળા પર વિરમભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતાં હીરો જોરૂભાઇ પરમાર (ઉ.૨૫)ને બે ચોરાઉ બાઇક અને એક સાઇકલ સાથે પકડી લીધા છે. આ બંને અગાઉ ૪૦ જેટલા ચોરીના ગુનાઓમાં પકડાઇ ચુકયા છે.

હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કરણભાઇ મારૂની બાતમીને આધારે બંનેને પ્રદ્યુમન પાર્ક પાસેથી એક ચોરાઉ બાઇક સાથે પકડી લેવાયા હતાં. બંને ચોરી કરવાના ઇરાદે નીકળ્યાની બાતમી હોઇ આકરી પુછતાછ થતાં વધુ એક ચોરાઉ બાઇક અને ચોરાઉ સાઇકલ કાઢી આપ્યા હતાં. પોલીસે ૩૬૫૦૦ના વાહનો કબ્જે કર્યા છે. આ વાહનો તેણે તાજેતરમાં ભકિતનગર પોલીસની હદમાંથી અને રાણાવાવ પોલીસની હદમાંથી ચોરી કર્યા હતાં. જેમાં એક હોન્ડા પચ્ચીસ દિવસ પહેલા તિરૂપતી બાલાજી પાર્કમાંથી રાતે બે વાગ્યે ચોરી કર્યુ હતું. જ્યારે બીજુ રાણાવાવથી ઉઠાવ્યું હતું.

આ ઉપરાંત અન્ય ચાર ચોરીના ગુના પણ આ બંનેએ કબુલ્યા છે. જેમાં પંદરેક દિવસ પહેલા પોરબંદર રાણાવાવના ભોદ ગામે દૂકાનમાં ચોરી, દસ દિવસ પહેલા કોઠારીયા રોડ વિજયનગરમાં મકાનમાં ચોરી, દોઢ મહિના પહેલા મોરબી રોડ જમુના પાર્કમાં મકાનમાં વંડી કુદીને ચોરી કરી હતી. જ્યારે અર્જૂને અમદાવાદ વસ્ત્રાપુરમાં રેલ્વેના પાટા પાસે આવેલી સોસાયટીની દૂકાન પાસેથી દોઢેક મહિના પહેલા એક સાઇકલ ચોરી કરી હતી. આ સાઇકલ અમદાવાદથી ચલાવીને તે રાજકોટ આવ્યો હતો!

આ આરોપીઓમાં અર્જુન અગાઉ રાજકોટ માલવીયાનગર, ભકિતનગર, ઉપલેટા, ગોંડલ સીટી, જુનાગઢ બી ડિવીઝન, સી ડીવીઝનના ચોરીઓના ૧૧ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. જ્યારે હીરો જામજોધપુરમાં ચોરીના ગુનામાં પકડાયો હતો. બંને વંડી કૂદી મકાનમાં ત્રાટકી ચોરી કરવાની ટેવ ધરાવે છે. મોજશોખ માટે ચોરીઓ કરતાં હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએઅસાઇ બી. આર. ગઢવી, સી. એમ. ચાવડા, સંતોષભાઇ, જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ સહિતે આ કામગીરી કરી હતી.

(3:15 pm IST)