Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટની એક વેટ કચેરીમાં 'જી' ગેંગ અને ઈન્સ્પેકટરની બોલબાલાઃ અનેક વેપારીઓએ ભ્રષ્ટ વહીવટ અંગે ફરીયાદ કરતા સન્નાટો

રાજકોટ, તા. ૩૧ :. રાજકોટના અનેક વેપારીઓએ એક નનામી અરજી દ્વારા રાજકોટની એક વેટ કચેરીમાં 'જી' ગેંગ દ્વારા અંધેર અને કહેવાતો ભ્રષ્ટ વહીવટ થઈ રહ્યાની ફરીયાદ કરાતા સન્નાટો પ્રસરી ગયો છે.

આ દુઃખી વેપારીઓએ એવુ ઉમેર્યુ છે કે એનેકસી કે તેની આસપાસની એક વેટ કચેરીમાં એક ઉચ્ચ અધિકારીની નજર હેઠળ એક વેટ ઈન્સ્પેકટર કાયદાની જાણકારી ન હોવા છતા મોટા મોટા રીફંડોમાં પોતાની સહી કરે છે. કહેવાતી ગેરકાયદેસર મોટી રકમની માગણી કરે છે. અમારે ઉપર પણ લડવાનું હોય છે અને અન્ય એક કચેરીમાં પણ સંપર્ક સારો છે તેવુ જણાવે છે. વેપારીઓ ઉમેરે છે કે આ વેટ ઈન્સ્પેકટર પાસે કાંઈ સત્તા નથી છતા ઓફિસર તરીકે કામ કરે છે. હવે તેની જગ્યાએ અન્યની નિમણૂક પણ કરી દેવાય છે. અનેક વેપારીઓના તેણે આદેશો કરી નાખ્યા છે. આ બાબતે વેપારીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરી છે, પરંતુ કોઈ સાંભળતુ જ નથી. સરકાર આ મુદ્દે તપાસ કરાવે તો મસમોટા કૌભાંડ બહાર  આવી  શકે છે, તેમ આ વેપારીઓએ   ઉમેર્યુ છે.

(3:59 pm IST)