Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

'માતા-પિતાને હું નમું' પુસ્તકનો ચમત્કાર

વિદ્યાપ્રકાશ નંદા લિખિત આ પુસ્તકે વૃધ્ધાશ્રમો ખાલી કરાવ્યા : લોકો પુસ્તક વાંચીને વડીલોને વૃધ્ધાશ્રમમાંથી પરત લાવી રહ્યા છે...

એક વખતની વાત છે...

સૌરાષ્ટ્રમાં અનેક 'ઘર પુસ્તકાલયો'નો પ્રારંભ કરાવનારા કેળવણીકાર, પુસ્તક પ્રસારક અને લેખક પ્રતાપભાઈ પંડ્યાને દીપકભાઈ દવે નામના એક સજ્જને 'માતા-પિતાને હું નમું'(લેખિકાઃ વિદ્યાપ્રકાશનંદા) નામનું પુસ્તક ભેટ આપ્યું. આમ તો પ્રતાપભાઈ પુસ્તક ભેટ આપનારા જણ છે. અમેરિકામાં વસતી પોતાની દીકરીની મદદથી અત્યાર સુધી તેમણે 'પુસ્તક પરબ'પ્રોજેકટ અંતર્ગત બે-ત્રણ કરોડ રૂપિયાનાં પુસ્તકો સમાજને ચરણે ભેટ ધર્યાં છે.

હજારો પુસ્તકો ભેટ આપનારને એક પુસ્તક ભેટ મળ્યું. પ્રતાપભાઈએ પુસ્તક વાંચ્યું પણ ધરાયા નહીં એટલે બીજી વખત વાંચ્યું.

તેમણે પોતાનાં મિત્ર અને સહધર્મચારિણી શ્રીમતી રમાબહેનને પુસ્તક આપ્યું. તેમણે પણ વાંચ્યું. રમાબહેને પ્રતાપભાઈને કહ્યું કે ભેટ આપવા જેવું પુસ્તક છે. પ્રતાપભાઈએ ૧૦૦ પ્રત ખરીદી.

પ્રતાપભાઈ જન્મદિવસ, વિવાહ પ્રસંગ, પૂણ્યતિથિ વગેરે અવસરોએ આ પુસ્તક ભેટ આપવા લાગ્યા. પોતાના જન્મ દિવસ ચોથી એપ્રિલના રોજ તેમણે અમરેલી, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગરના અંગત મિત્રોને પણ 'માતા-પિતાને હું નમું'પુસ્તક ભેટ મોકલ્યું. સૌરાષ્ટ્રમાં આ વાત અગરબત્ત્।ીની સુગંધની જેમ ફેલાઈ ગઈ.

પ્રતાપભાઈએ એક પ્રયોગ પણ કર્યો. અમરેલીમાં 'દીકરાનું ઘર'નામનો વૃદ્ઘાશ્રમ છે. સંચાલક પાસેથી વૃદ્ઘાશ્રમમાં રહેતા વૃદ્ઘોનાં સંતાનોનાં સરનામાં મેળવ્યાં. ૬૦ પુસ્તકો તેમણે દરેકને કુરિયરથી ભેટ મોકલ્યાં. ૧૦-૧૫ દિવસમાં ૪૧ વ્યકિતના ફોન આવ્યા કે ભાઈ આ પુસ્તક મોકલવા માટે આપનો આભાર. અમને આ પુસ્તક ખૂબ જ ગમ્યું છે. આ પુસ્તક વાંચીને અમારો પરિવાર રડી પડે છે. અમને અમારી ભૂલોનો પસ્તાવો થાય છે.

પ્રતાપભાઈને લાગણીસર પત્રો પણ મળ્યા. પ્રતાપભાઈને એક મહિના પછી વૃદ્ઘાશ્રમમાં જાતે જઈને તપાસ કરી તો સાત ભાઈઓ અને આઠ બહેનોને તેઓના પુત્રો-વહુઓ, બાળકો આવીને માફી માગીને ઘેર પરત તેડી ગયાં હતાં. જયારે તેઓ માતા-પિતાને લેવા આવ્યાં ત્યારે 'માતા-પિતાને હું નમું'પુસ્તક હાથમાં ભગવદ્ ગીતાની જેમ રાખીને મા-બાપને ઘેર પરત ફરવા વિનવણી કરતાં હતાં! એ દૃશ્યો સંવેદનશીલતાથી ભરેલાં હતાં.

પ્રતાપભાઈએ આ પુસ્તક વડોદરાનાં ૪૫ સિનિયર સિટિઝન મંડળોમાં પણ વહેંચ્યાં. મંડળની સભ્ય-સંખ્યા અને જરૂરિયાત પ્રમાણે તેમણે દરેકને બે થી પાંચ પુસ્તકો ભેટ આપ્યાં. એ પછી નિયત સમયે થતી મિટિંગમાં પુસ્તકના પ્રતિસાદ લેવા માંડ્યા. પછી તો પ્રતાપભાઈ પર એવા પત્રો-ફોન-ઈમેઈલ આપવા લાગ્યા કે અમે જે સરનામું આપીએ ત્યાં આ પુસ્તક મોકલો ને!

જેમણે પોતાનાં માતા-પિતાને વૃદ્ઘાશ્રમમાં મોકલ્યાં હોય તેમાં નામ-સરનામાંનો ઢગલો થવા માંડ્યો અને પ્રતાપભાઈ દરેકને પુસ્તકો મેળવવા લાગ્યા. આ આખી પ્રવૃત્ત્િ।માં સમાજ જોડાયો. પાડોશીઓના પુત્રો, માતા-પિતાઓ, વેપારીઓ, વકીલો, યુવાન દમ્પતિ જોડાયાં.

ગોત્રી સિનિયર સિટિઝન કેન્દ્રમાં દાદા-દાદી ઉદ્યાન છે. તેમાંથી ૧૫ વડીલોએ પ્રતાપભાઈને ઘેર બોલાવીને અશ્રુભરી આંખે ભેટીને આશીર્વાદ આપ્યા કે તમે આ પુસ્તક મોકલો છો, ભગવાન તમારું ભલું કરશે. તેના કારણે અમારાં સાચાં સગાં-વહુ-દીકરો, માબાપ મેળવી શકયાં છીએ. રિસાઈને ચાલ્યા ગયેલાં દીકરી-જમાઈ ઓચિંતા ઘરે આવે, વહુ-દીકરાને અપમાન કરીને કાઢી મૂકેલાં મા-બાપને સન્માન સાથે ઘરે લાવે, ખૂબ જ પ્રેમ-લાગણીથી સાચવવાનું શરૂ કરે તેવી ઘણી મોટી અદ્ભુત અસર આ પુસ્તકે કરી છે.

પ્રતાપભાઈ આ પુસ્તકનીસમાજ પર પડેલી સીધી અસરની માહિતી પણ આપે છેઃ

વૃદ્ઘાશ્રમમાંથી ૨૫ માતા અને ૨૪ પિતાઓને પરત લઈ ગયા. માતા-પિતા અને સંતાનો વચ્ચે સંપ થયોઃ ૪૦ પરિવાર. શહેરમાં પરસ્પર સંપથી રહેવા લાગ્યાઃ ૭૬. વહુ-દીકરો ઘરે પરત ફર્યાઃ આઠ. સત્તાધાર, પરબ વાવડી જેવી અનાથ સંસ્થાઓમાંથી શોધીને મા-બાપને ઘેર લઈ આવ્યાઃ ૩૬ પિતા અને ૩૯ માતા.

૮૦થી વધુ વ્યકિત એવી પણ છે કે તેમણે પુસ્તક વાંચીને માતા-પિતાને સંપ થયો. કેટલીક વિધવા બહેનો, કેટલીક કડક સાસુઓ પસ્તાવો કરે છે અને હળીમળીને રહે છે.

પ્રતાપભાઈ કહે છે કે, 'માતા-પિતાને હું નમું'પુસ્તક સાંપ્રત સમયમાં અમૃતકુંભ છે. તેની સાહિત્યની દૃષ્ટિએ મૂલવણીકરવા બેસીએ તો પાનાં ને પાનાં ભરાય અને છતાં સંતોષ ના થાય. સાહિત્ય એ જ સાચું છે જે માનવીય મૂલ્યોને ઉજાગર કરે અને માનવીને માનવ તરીકે જીવતા શીખવાડે.

પરંપરાગત માતા-પિતા અને સંતાનોના સંબંધોની ગરિમા જળવાઈ રહે તેવી હૃદય સ્પર્શી ભાષામાં આધ્યાત્મિક ઉત્ત્।મ સાહિત્યના સંદર્ભો સામે શ્લોક, કવિતા, દૂહી, છંદ અને લોકભોગ્ય શબ્દાર્થ વડે રજુઆત સર્જકની ક્ષમતા-શકિત અને હૃદયોર્મિનો સ્પર્શ કરાવે છે. આ પુસ્તક માત્ર મગજથી નહીં, હૃદયથી  વાંચવા જેવું છે.

પ્રતાપભાઈએ પોતે શું કર્યું તે પણ જાણવા જેવું છે. તેમનાં ૮૭ વર્ષનાં નિઃસંતાન ફૈબા ૧૦ વર્ષથી એકલાં પાલીતાણા રહેતાં હતાં. તેમને સંતાન નહોતું. ભાઈ-ભત્રીજી-કુટુંબ વિશાળ હોવા છતાં કોઈ રાખવા તૈયાર નહોતું. 'માતા-પિતાને હું નમું'પુસ્તક વાંચીને પ્રતાપભાઈ અને તેમનો પરિવાર ફૈબાને પાલીતાણાથી વડોદરા-પોતાના ઘરે આજીવન સેવા કરવા લઈ આવ્યા. પૂરી લાગણીથી તેઓ જીવે ત્યાં સુધી સેવા કરવાનો નિર્ણય કરી ને જ તેમને વડોદરા લઈ આવ્યાં હતાં, પણ પ્રતાપભાઈના સગાં નાનાં ફૈબા જેઓ નાની ઉંમરે ગુજરી ગયાં છે, અંકલેશ્વર સ્થિત તેમનો દીકરો પ્રમોદ અને દીકરી શીલા પોતાનાં લલિતામાસીને ખૂબ પ્રેમથી તેડી ગયાં અને દસ વર્ષ સુધી પરત આપ્યાં નહીં. આવી સુંદર ઘટના માટે પણ આ પુસ્તક નિમિત્ત બન્યું.

આ કથાનો સાર એક જ કે એક પુસ્તક સમાજ પર આવો અને અને આવડો મોટો પ્રભાવ પાથરી શકે છે.

(સોશ્યલ મિડીયામાં શ્રી રમેશ તન્નાના નામથી પ્રસારિત થયેલ મેસેજ સાભાર)

પગરખા ન પહેરવાની પ્રતિજ્ઞા

પ્રતાપભાઈને હરિદ્વારમાં થયેલો અનુભવ તો હૃદયને ઝણઝણાવી નાખે તેવો છે. પ્રતાપભાઈ અને રમાબહેન હરદ્વાર-ઋષિકેશ ફરવા ગયાં હતાં. તેઓ હરકી-પૈડીમાં ગંગા સ્નાન કરીને ઉતારા તરફ આગળ વધતાં હતાં ત્યાં સુરતના તેમના સગા મનુભાઈ મળ્યા. તેઓ પ્રતાપભાઈને પગે પડીને રડવા જ લાગ્યા. પોતાની થેલીમાંથી 'માતા-પિતાને હું નમું'પુસ્તક બતાવીને કહે કે હું મારાં માતા-પિતાને લેવા આવ્યો છું. મેં મારાં વૃદ્ઘ માતા-પિતાને અપમાન કરીને કાઢી મૂકયાં હતાં. આ પુસ્તક વાંચીને છ માસથી હું શોધમાં નીકળ્યો છું. પગમાં ચંપલ ના પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે. મને મારાં માતા-પિતા અહીં ગંગા કિનારે એક સાધુના આશ્રમેથી મળી ગયાં છે. હું સુરતની રેલવેની ત્રણ ટિકિટ લેવા જાઉં છું. આ ઘટના બની પછી પ્રતાપભાઈ પોતે ખૂબ રડી પડ્યા. તેમને રમાબહેને ધીરજ આપી.

(4:00 pm IST)