Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સિવીલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંવેદનાપૂર્વક દેખભાળ : પ્રદિપ ડવ

કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓની મુલાકાત લેતા મેયર, ડે.મેયર, આરોગ્ય સમિતિ ચેરપર્સન : પૂરતા પ્રમાણમાં બેડ અને દવાનો જથ્થો છે : સ્ટાફ, નર્સ અને ડોકટરોની કામગીરી પણ પ્રશંસનિય : લોકોને સિવિલ કોવિડમાં શ્રેષ્ઠ સારવાર મળે છે : પદાધિકારીઓનો દાવો

શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર - સુવિધા મળે છે કે કેમ ? તેની જાણકારી મેળવવા મેયર સહિતના પદાધિકારીઓએ કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીરમાં પી.પી.ઇ. કીટ પહેરીને કોવિડ વોર્ડની મુલાકાત માટે ગયેલા પદાધિકારીઓ દર્શાય છે. જ્યારે અન્ય તસ્વીરમાં મેયર પ્રદિપ ડવ વિડીયો કોલથી દર્દી સાથે વાતચીત કરી રહેલા નજરે પડે છે. તેઓની સાથે કોવિડ ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ કયાડા તેમજ સિવિલના ઇન્ચાર્જ સુપ્રી. ડો. રાધાક્રિષ્ન ત્રિવેદી, કોવિડ ઇન્ચાર્જ ડો. પંકજ બુચ, આર.એમ.ઓ. ડો. એમ.સી.ચાવડા વગેરે મેયરશ્રીને માહિતી આપી રહેલા દર્શાય છે તથા ડે.મેયર ડો. દર્શિતા શાહ અને મ.ન.પા. આરોગ્ય સમિતિ ચેરપર્સન ડો. રાજેશ્વરીબેન ડોડીયા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧ : સામાન્ય નાગરિકોમાં એવી માન્યતા છે કે સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની પુરતી દેખભાળ થતી નથી ત્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પ્રદિપ ડવ, ડે.મેયર દર્શીતાબેન શાહ અને આરોગ્ય સમિતિના ચેરપર્સન ડો. રાજેશ્વરીબેન ડોડીયાએ આજે સિવિલ કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડની મુલાકાત લઇ દર્દીઓને સારવાર સુવિધા અંગે પ્રશ્નો પૂછતા દર્દીઓએ સારવાર અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

આ અંગે મેયરશ્રીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, આજરોજ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ (સિવિલ)ની મુલાકાત લીધેલ. હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.ચાવડા તેમજ ડો.હેતલ કીયાડા સાથે રહેલ.

પદાધિકારીશ્રીઓએ પી.પી.પી. કીટ પહેરી હોસ્પિટલમાં કોરોના વોર્ડની ખાસ મુલાકાત લીધેલ અને કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે ચર્ચા કરેલ. આ ઉપરાંત કોવિડ સેન્ટરમાં કેટલા ડોકટરો, નર્સ સ્ટાફ ફરજ બજાવે છે. ઓકિસજન, વેન્ટીલેટર, વિગેરેની બાબતે હોસ્પિટલના આર.એમ.ઓ.એ પદાધિકારીશ્રીઓને માહિતી આપેલ.

કોવીડની સારવાર લેતા દર્દીઓએ સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે, તેવું જણાવેલ. કોવીડના દર્દીઓ માટે ડોકટરો દ્વારા પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે અને સતત ફરજ બજાવી રહેલ છે. ઉપરાંત હોસ્પિટલમાં બેડની પણ પુરતી વ્યવસ્થા અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. પદાધીકારીઓએ કામગીરીની જાત માહિતી મેળવી કોવીડની ફરજ બજાવતા તમામ ડોકટરો, નર્સ સ્ટાફ વિગેરેને અભિનંદન પાઠવેલ. તેમજ ટેસ્ટીંગ બુથની પણ મુલાકાત લીધેલ હતી.

બાળકોનું ધ્યાન રાખજો : સિવિલ કોવિડમાં ત્રણ બાળ દર્દીઓ દાખલ

રાજકોટ : કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોને પણ અસર કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. કેમકે મેયર પ્રદિપ ડવની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોરોના વોર્ડમાં ત્રણ બાળકો પણ સારવાર લઇ રહેલા જોવા મળ્યા હતા. માટે બાળકોની પણ ખાસ કાળજી લેવા મેયરશ્રીએ અપીલ કરી હતી.

(4:02 pm IST)