Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ કચ્છના શુષ્ક વિસ્તારના થતાં પાકો તેમ જ ખેતી વિશે મેળવી જાણકારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 રાજ્યના ખેડૂતો માટે આત્મા દ્વારા સંચાલિત પ્રેરણા પ્રવાસ અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારાની અરવલ્લી જિલ્લાના ૫૦ પ્રગતિશીલ ખેડૂતોએ મુલાકાત લઇને કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન વિષયક પ્રયોગ તેમજ નિદર્શનને નિહાળ્યું હતું

કેન્દ્રના વડા અને સહસંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. જી.પટેલ દ્વારા ખેડૂતોને કચ્છ જિલ્લાની ખેતીની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેન્દ્ર ખાતે આવેલ સૌ ખેડુત ભાઇઓને ફિલ્ડ વિઝીટ દ્વારા શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ) વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી . કેન્દ્ર ખાતે વિકસીત કરવામાં આવેલી ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન, બિજ કાઢવાના ઓજાર, ઘન જીવામૃત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામૃતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ વિગેરે બનાવટ અને પાકસંરક્ષણ તથા પોષણમાં ઉપયોગીતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

કેન્દ્રની મૂલાકાતે આવનાર માર્ગદર્શક અધિકારીશ્રી વિરપાલસિંહ રહેવર અને પિયુષભાઈ પટેલ અને પ્રગતિશીલ ખેડૂત ભાઈઓનું આંતરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિતે મીલેટ ગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું.  

શ્રી નિલેષ પારગી, શ્રી જવાભાઇ સોલંકી , શ્રી પ્રતિક ભાંખર દ્વારા મીલેટ પાકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલું તથા સોહિલ બાદી, સેહઝાદ બકાલી અને અઝાહાર્હુસેન સોઢા દ્વારા મુલાકાત દરમિયાન સાથ સહકાર આપવામાં આવ્યો હતો

(9:23 am IST)