Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી મકાન ખરીદવા પૈસા આપ્યા બાદ પણ માલિકે કબ્જો ન આપ્યો, જાણો આગળ શું થયું.

મોરબીમાં સોસાયટી બનાવતી વખતે બુકીંગના નામે રૂપિયા લેવામાં આવે છે. જે બાદ ચણતર પ્રમાણે બાકીની રકમ લેવામાં આવે છે. અને મકાન બની ગયા પછી ઉંચી કિંમત આવતા અન્યને વહેચી વધુ કિંમત મેળવવાની ઘટના મોરબી ગ્રાહક સુરક્ષા કેન્દ્રના ધ્યાને આવી હતી. આ કિસ્સામાં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા અરજદારને ન્યાય અપાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લુણસર ગામના વતની ધીરુભાઈ વરમોરાએ મયુર પાર્ક રવાપરા રોડ પર રહેતા રાજેશભાઈ થોભણભાઇ શનીયારા પાસે નવા બનતા મકાનમાં અમુક રકમ આપીને બ્લોક નં.-701માં મકાન બુક કરાવ્યુ હતું. પરંતુ રાજેશભાઈએ જણાવેલ સમય પ્રમાણે પજેશન નહીં આપતા ધીરુભાઈએ મકાનની માંગણી કરી હતી. છતાં રાજેશભાઈએ કબ્જો સોંપવાનો ઇન્કાર કર્યો હતો.
સમગ્ર મામલે ધીરુભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો. અને તેમને બનાવની સઘળી હકીકત જણાવી હતી. જેથી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં અદાલતે ધીરુભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અને રાજેશભાઈ શનિયારાને રૂપિયા 30 લાખ 6 ટકાના વ્યાજ સાથે તા.19-03-2022થી ચુકવવાના તથા રૂપિયા ત્રણ હજાર ધીરજલાલને ચુકવવાનો આદેશ આપ્યો હતો.
આ અંગે નાગરિકોને અપીલ કરતા આપેલ છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, લોકો લાગણીને સબંધમાં આવી નવા બનતા મકાનના રૂપિયા આપે છે પાછળથી પ્રશ્નો બને છે. કોઈપણ ગ્રાહકે પૈસાની લેતીદેતી ચેક દ્વારા કરવી જોઇએ અને નવી બનતી સોસાયટીની સુવિધા માટે ની યાદી પણ જોવી જોઈએ ગ્રાહકે પોતાના હકક-હિત માટે લડત કરવી જોઈએ. તદુપરાંત કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (મોં.98257 90412) પર તેમનો સંપર્ક કરી શકે છે

(11:44 pm IST)