Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સતત ૧૪માં વર્ષે દીનદયાળ પોર્ટ કંડલા દેશભરમાં નંબર વન

શિપિંગ મંત્રાલયના લક્ષ્યાંક ૧૧૦ એમએમટી સામે ૧૧૬ એમએમટી કાર્ગો હેન્ડલ કર્યો : કોરોનાની આફત વચ્ચેય દેશ વિદેશના દરિયાઇ વ્યાપારની આયાત નિકાસમાં માલ સામાનની હેરફેરમાં આગળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : કોરોનાને કારણે વૈશ્વિક મંદી સાથે અને વ્યાપાર ધંધાને પહોંચેલ અસર સાથે કોરોના સંક્રમણના ભય વચ્ચેય દીનદયાળ પોર્ટ કંડલા દેશના મહાબંદરો માં કાર્ગો હેન્ડલિંગ (માલ સામાનની હેરફેર) માં નંબર વન રહ્યું છે.

પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાના માર્ગદર્શન તળે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એક ટીમ બનીને કરેલા પ્રયત્નો સફળ રહ્યા છે. દેશના આર્થિક યોગદાન માં દીનદયાળ પોર્ટ કંડલા હમેશાં આગળ રહ્યું છે. ૨૦૨૦- ૨૧ ના નાણાકીય વર્ષ દરમ્યાન કંડલા બંદર મારફત ૧૧૬.૭ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો. જે શિપિંગ મંત્રાલય ના લક્ષ્યાંક કરતાં ૬.૭ એમ.એમ.ટી વધુ હોવાનું બિઝનેસ રિલેશન વિભાગના અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.

પોર્ટ ચેરમેન એસ.કે. મહેતાએ આ સિદ્ઘિનો શ્રેય પોર્ટના તમામ અધિકારી, કર્મચારી, આયાત નિકાસ સાથે સંકળાયેલા કારોબારીઓને આપ્યો હતો. સતત ૧૪ વર્ષથી કંડલા પોર્ટ નંબર વન છે.

(10:30 am IST)