Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગોંડલનું આદર્શ અને સ્વચ્છ ગામ મેરવદર

માણાવદરઃ આજે પણ લોકો જેને પ્રેમ અને આદર પુર્વક પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીને યાદ કરે છે. તે રાજયના આદર્શ ગામ મેરવદરની મુલાકાતે ગોંડલ રાજયના વહીવટદાર આવેલા.

મેરવદરમાં તે સમયે બાજુના સોઢાણા-વડાળાના બહારવટીયાઓનો ભારે ત્રાસ ખેડુતોનો ઉભો પાક કે તેમની માલ-મિલ્કતની જરાપણ સલામતી નહી. આવા કપરા સમયમાં કડક અમલદારની છાપ ધરાવતા વ્યાસ સાહેબની મેરવદરમાં પોલીસ પટેલ તરીકે ગોંડલ બાપુએ ખાસ નિમણુંક કરી હતી.

પોલીસ પટેલ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ બહારવટીયાઓના ત્રાસમાંથી મેરવદરના ખેડુતોને મુકત કરેલ. તેથી ગામના ખેડુતો સુખી અને સમૃધ્ધ બન્યા. આમ તેમની બહાદુરી અને નીડરતાને કારણે લોકો તેમને પ્રેમપુર્વક પટેલ બાપાના નામે સંબોધતા.

આવા લોકપ્રિય, કર્તવ્યનિષ્ઠ, પ્રમાણીક પોલીસ પટેલ અને રાજના વહીવટદાર ગામની સ્વચ્છતા જોવા માટે ગામમાં નીકળ્યા સાથે એક પસાયતાને પણ રાખ્યો. ગામમાં ફરતા ફરતા જેના ઘરની બહાર છાણા થાપેલા જોવા મળ્યા તેની નોંધ કરી અને તેનો ૧-૧ રૂપીયો દંડ કર્યો.

તે સમયના ગોંડલ રાજના નિયમ મુજબ ગામની અંદર છાણા થાપવાની મનાઇ હતી.

છેલ્લે એક જર્જરીત ઘર પાસેથી પસાર થતા વહીવટદારની નજરે છાણા થાપેલા જોવા મળ્યા તો વહીવટદારે પોલીસ પટેલને પુછયું કે આ ઘર કોનું છે? તો પોલીસ પટેલે કહયું કે આ રાધામા નામના બ્રાહ્મણ વિધવા વૃધ્ધાનું ઘર છે.  જેઓ છાણા વેંચીને પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે. જેથી તેમનો દંડ કરવાનો નથી. પટેલ બાપાની આવી લાગણીસભર વાત સાંભળી વહીવટદારે પોતાની દંડપાત્ર યાદીમાંથી રાધામાના નામ પર ચોકડી મારી અને રાધામાનો દંડ માફ કર્યો.

સૌ ગેટ (પોલીસ પટેલની કચેરી) પર પરત આવ્યા અને વહીવટદારે દંડ કરેલ આસામીની યાદી પસાયતાને આપીને દંડ વસુલ કરવા ગામમાં મોકલ્યો. પસાયતો ગામમાં જઇ યાદી મુજબ દરેક પાસેથી એક-એક રૂપીયો દંડ લઇ આવ્યો અને બીજાઓની સાથે પેલા ગરીબ રાધામાં પાસેથી પણ એક રૂપીયો દંડ લઇ પોતાના ખિસ્સામાં મુકયો બાકીની રકમ વસુલ લઇ વહીવટદાર ગોંડલ જવા રવાના થયા.

પસાયતાને રાધામાં પાસેથી પણ દંડ વસુલ કરેલ જે બાબતથી પટેલ બાપા અજાણ હતા. પસાયતાનો જે તે સમયે માસીક પગાર રૂ. ચાર (૪) હતો. જેથી પસાયતાની દાનત ખરાબ થઇ અને દંડનો એક રૂપીયો પચાવી પાડયો.

આ બાજુ રાધામાંએ પોલીસ પટેલના ઘરે જઇ રડતા-રડતા પોતાની આપવીતી વર્ણવી કે 'એક ઘર તો ડાકણ પણ તારવે' પટેલ બાપાએ અમારો પણ દંડ કરાવ્યો અને પસાયતો મારે ઘરે આવી દંડ લઇ ગયો. રાધામાની દર્દભરી વ્યથા સાંભળી પટેલ બાપાના ધર્મપત્ની સાક્ષાત જગદંબા સમા બોલી ઉઠયા કે 'રાધામા તમે ચીંતા ન કરશો. તમારા પટેલ બાપા ઘરે જમવા આવે એટલી વાર છે'.

સાંજે સમય થતા ગેટ પરથી પટેલ બાપા ઘરે જમવા આવ્યા. ભોજનની થાળી પીરસી તેમના ધર્મપત્નીનો ચહેરો ધવલસમો હતો તે ત્રાંબાવર્ણો થઇ ગયો અને બોલ્યા કે 'તમને કાંઇ ભાન છે? તમે રાધામાં કે જે છાણા વેંચી પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે તેનો પણ તમે દંડ કરાવ્યો?' અને આ સાંભળી ભોજનનો પહેલો કોળીયાવાળો હાથ થંભી ગયો અને બોલી ઉઠયા કે કોણે કહયું? મે તો રાધામાનો દંડ માફ કર્યો છે. તો તેમના જીવનસાથીએ કહયું કે પસાયતાએ રાધામાને ઘરે જઇ ૧ રૂપીયો દંડ રૂપે વસુલ કરેલ છે. આ સાંભળી પટેલ બાપા જમ્યા વિના ઉભા થઇ ગેટે જઇ પસાયતાને બોલાવ્યો. પસાયતો રઝવાડી રીત મુજબ સલામ ભરી ઉપસ્થિત થયો. તો પટેલ બાપાએ ગુસ્સાભર્યા અવાજે ત્રાડ નાખી કે 'તે રાધામાં પાસેથી એક રૂપીયો દંડનો લીધો છે?' પોલીસ પટેલની સિંહ સમી ત્રાડ સાંભળી રાજાશાહીનો પસાયતો થર-થર કાંપવા માંડયો અને નજર નીચી રાખી પોતાનો ગુનો કબુલ કરી બે હાથ જોડી બોલ્યો કે હા સાહેબ મે રાધામાં પાસેથી એક રૂપીયો લીધો છે.

આ સાંભળી પોલીસ પટેલે ફરમાન કર્યુ કે 'તું અત્યારે જ રાધામાંના ઘરે જઇ તે લીધેલ એક રૂપીયો પરત આપી આવ.'તો પાંચ હાથ પુરો, વાંકડી મુછોવાળો, કોટ સાફામાં સજ્જ રાજાશાહીના અહમવાળો પસાયતો બોલ્યો કે સાહેબ મારો આ માસનો પુરો પગાર રૂ. ચાર તમે રાધામાંને આપી દેશો તો મને મંજુર છે પરંતુ હું એક રૂપીયો રાધામાંને પરત આપવા નહી જાઉ. આ સાંભળી પોલીસ પટેલે કહયું કે તો સવારે હું તારી બદલી ઓસમના ડુંગરની ચોકી પર કરવા ગોંડલ બાપુને રીપોર્ટ કરીશ.

ઓસમના ડુંગર પરની ચોકી પર બદલીની વાત સાંભળી પસાયતો નીચી મુંડીએ રાધામાંને એક રૂપીયો પરત આપી આવ્યો.

આમ રાધામાંને ન્યાય મળ્યો અને પટેલ બાપાની સચ્ચાઇ, ઉદારતાની જીત થઇ.

આને કહેવાય ગોંડલ સ્ટેટના પ્રમાણીક અને નીડર પોલીસ પટેલ.

સંકલનઃ પી.એસ.રૂપારેલીયા - માણાવદર

પુરક માહીતીઃ અશ્વિન ત્રંબકભાઇ વ્યાસ

(11:30 am IST)