Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જસદણમાં બાળકો બાબતે બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર જીવલેણ હુમલો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧ : જસદણમાં બાળકો બાબતે બોલાચાલી ખાર રાખીને દેવીપુજક યુવાન ઉપર છરી ધારિયા પાઈપ વડે જીવલેણ હુમલો કરતા યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો મુજબ જસદણ શહેરમાં પોલારપર રોડ ઉપર શકિત નગર ખાતે રહેતા કમુબેન માનસિંગભાઈ મકવાણાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના વિસ્તારમાં રહેતા સુનિતાબેન રવજીભાઈ ચોવસિયાએ ફરિયાદી કમુબેનના પુત્ર સુભાષની આંખમાં મરચાની ભૂકી છાંટીને જીવલેણ હુમલો કર્યો હતો. સુનિતાબેન ના પતિ રવજીભાઈ ધનાભાઈ ચોવસિયાએ છરી વડે તેમજ તેના ભાઈ હરેશભાઇ ધનાભાઈ ચોવસિયાએ છરી વડે અને તેના અન્ય એક ભાઈ સુરેશભાઈ ધનાભાઈ ચોવસિયાએ લોખંડના પાઇપ વડે સુભાષ માનસિંહભાઈ મકવાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માથામાં, હાથ, પગ સહિતના શરીરના અંગોમાં સુભાષને ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલમાં તેમજ વધુ ગંભીર ઇજાઓ હોવાથી વધારે સારવાર માટે જસદણ સિવિલમાંથી રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે થોડા દિવસ પૂર્વે ઈજા પામનાર યુવાન સુભાષ મકવાણા અને તેના પત્ની ને સામાવાળા સુનિતાબેન ચોવસિયા સાથે બાળકો બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને અત્યારે એકસંપ થઈને ચોવસિયા પરીવારએ સુભાષ ઉપર હુમલો કર્યો હતો. વધુ તપાસ જસદણ પીએસઆઇ જે.એચ. સિસોદિયા ચલાવી રહ્યા છે.

(11:33 am IST)